ઇઝરાયેલ અને ગાઝા પટ્ટી સ્થિત આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ વિશ્વનેતાઓ ઇઝરાયેલ પહોંચી રહ્યા છે. પહેલાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાયડને ઇઝરાયેલની મુલાકાત લીધા બાદ બ્રિટિશ પીએમ ઋષિ સુનક પણ પહોંચ્યા હતા.
ઇઝરાયેલ પહોંચેલા UK પીએમ સુનકે હમાસનાં આતંકવાદી કૃત્યોને વખોડી કાઢીને ઇઝરાયેલને સમર્થન આપ્યું હતું. ઈઝરાયેલના શહેર તેલ અવીવમાં ઉતર્યા બાદ તેમણે કહ્યું કે, “હું એ જણાવવા માટે આવ્યો છું કે હું અને યુકે તમારી સાથે ઉભા છીએ.” તેમણે કહ્યું કે, 7 ઓક્ટોબરે હમાસે કરેલો હુમલો એક ભયાનક આતંકવાદી કૃત્ય હતું.
ઋષિ સુનકે ત્યારબાદ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હેરઝોગ અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પણ મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં યુકે પીએમએ ઇઝરાયેલનું સમર્થન વ્યક્ત કર્યું અને કહ્યું કે તેમને સ્વરક્ષા અને નાગરિકોની સુરક્ષાનો તેમજ હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકો સુરક્ષિત પરત ફરે તે સુનિશ્ચિત કરવાનો પૂરેપૂરો અધિકાર છે. જોકે, સાથે તેમણે એમ પણ કહ્યું કે, હમાસનાં કૃત્યોના કારણે પેલેસ્ટાઇનના લોકો પણ ભોગ બન્યા છે અને તેમને માનવીય ધોરણે પૂરી પાડવામાં આવતી મદદ ચાલુ રહેવી જોઈએ.
Prime Minister Benjamin Netanyahu is currently holding a private meeting with British Prime Minister @RishiSunak at the Prime Minister's Office in Jerusalem. The leaders will also hold an expanded meeting, at the conclusion of which they will issue statements to the media. pic.twitter.com/u8tJYpEoNH
— Prime Minister of Israel (@IsraeliPM) October 19, 2023
ઋષિ સુનકે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પણ લાંબી મુલાકાત કરી હતી. જેરૂસલેમ સ્થિત PMOમાં બંને નેતાઓ વચ્ચે આ બેઠક થઈ. જેનો એક ટૂંકો વીડિયો પણ ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કર્યો હતો, જેમાં નેતન્યાહુ ઋષિ સુનકને આવકારતા જોવા મળે છે. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે બેઠક પણ થાય છે.
હમાસ નવા નાઝીઓ છે, તેની સામેનું યુદ્ધ માત્ર ઇઝરાયેલનું નહીં પરંતુ સમગ્ર માનવજાતનું: નેતન્યાહુ
બેઠક બાદ બંને નેતાઓ મીડિયા સમક્ષ નિવેદનો આપ્યાં હતાં. પીએમ નેતન્યાહુએ સમર્થન બદલ યુકે પીએમ ઋષિ સુનકનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, ઇઝરાયેલ સાથે ઉભા રહેવું તો અગત્યનું છે જ, પરંતુ ઈઝરાયેલમાં આવીને ઊભા રહેવું (અને સમર્થન આપવું) વધુ મહત્વપૂર્ણ છે. તમારા સમર્થન બદલ અમે આભાર વ્યક્ત કરીએ છીએ.
નેતન્યાહુએ હમાસના આતંકવાદીઓને નવા નાઝીઓ (હિટલરની સેના) અને ISIS ગણાવ્યા અને કહ્યું કે, તેને નષ્ટ કરવા માટે ન માત્ર ઇઝરાયેલ પરંતુ આખા વિશ્વએ સાથે આવવું પડશે. જેથી આ યુદ્ધ માત્ર ઇઝરાયેલ નહીં પરંતુ સમગ્ર મિડલ ઈસ્ટ અને સમગ્ર માનવજાત લડી રહી છે. તેમણે ઉમેર્યું કે, હમાસ, હિઝબુલ્લા અને તેમના સાથીઓ મિડલ ઈસ્ટને યુદ્ધ હેઠળ ધકલેવા માંગે છે, જ્યારે ઇઝરાયેલ શાંતિ સ્થાપવા માંગે છે. સાથે કહ્યું કે, ઇઝરાયેલ આ પરિસ્થિતિમાં એક થઈ ગયું છે અને જરૂર છે બહારથી પણ એટલા જ સમર્થનની.
અમે ઈઝરાયેલની સાથે, તેમને સ્વરક્ષાનો પૂરેપૂરો અધિકાર: સુનક
WATCH LIVE: Statements by Prime Minister Benjamin Netanyahu and British Prime Minister Rishi Sunak.
— Prime Minister of Israel (@IsraeliPM) October 19, 2023
https://t.co/SjFFGBd3zj
બીજી તરફ, બ્રિટીશ પીએમ ઋષિ સુનકે કહ્યું કે, છેલ્લાં 2 અઠવાડિયાંથી ઇઝરાયેલ એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે જે કોઈ દેશ કે તેના નાગરિકો થવા ન જોઈએ. તેમણે કહ્યું કે, ઈઝરાયેલને સ્વરક્ષાનો અને પોતાના બંધકોને છોડાવવા માટે કાર્યવાહી કરવાનો પૂરેપૂરો અધિકાર છે. સાથે તેમણે ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ક્યાંય પણ કોઇ નાગરિકોને હાનિ ન પહોંચવી જોઈએ. ઉપરાંત, ગાઝામાં માનવીય ધોરણે મદદ પૂરી પાડવા માટે આગળ આવવા માટે પણ તેમણે ઇઝરાયેલનો આભાર વ્યક્ત કર્યો અને અંતે કહ્યું કે, ઈઝરાયેલના આ કપરા કાળમાં તેઓ તેમની સાથે ઉભા રહીને ગર્વ અનુભવે છે અને સમર્થન કાયમ રહેશે.
બુધવારે જો બાયડન પણ આવ્યા હતા ઈઝરાયેલની મુલાકાતે
ઉલ્લેખનીય છે કે બુધવારે (20 ઓક્ટોબર) અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન પણ ઇઝરાયેલ પહોંચ્યા હતા. એક દિવસીય મુલાકાતમાં તેમણે પીએમ અને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. તેમણે પણ ઇઝરાયેલનું સમર્થન વ્યક્ત કર્યું અને હમાસનાં આતંકવાદી કૃત્યોને વખોડી કાઢ્યાં હતાં. જોકે, તેમણે પણ પેલેસ્ટાઇનમાં માનવીય ધોરણે મદદ પૂરી પાડવાની વકાલત કરી અને સાથે 100 મિલિયન ડોલરની સહાયની પણ ઘોષણા કરી હતી.
આ મુલાકાતો વચ્ચે મંગળવારે ગાઝામાં એક હોસ્પિટલ પર હુમલો થયો હતો. શરૂઆતમાં હમાસે ઇઝરાયેલ પર આરોપ લગાવી દીધો હતો અને ગાઝાના 500 નાગરિકોની હત્યા થઈ હોવાની વાત કહી હતી પરંતુ પછીથી સામે આવ્યું કે આ ઘટના ઇસ્લામિક જેહાદનું એક રૉકેટ મિસફાયર થવાના કારણે બની હતી. ઈઝરાયેલનો તેમાં કોઇ હાથ ન હતો. અમેરિકાએ પણ ઇઝરાયેલની આ વાતને સમર્થન આપ્યું છે.