પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન એક મહિલા સાથે હાથ મિલાવતા તેમના માટે મુસીબતનું કારણ બની ગયું છે. પાકિસ્તાનના કટ્ટરપંથીઓએ તેમને હરામ ગણાવીને ખુબ ખરી-ખોટી સંભળાવી છે. પાકિસ્તાનના દેવબંદી મૌલાના અબ્દુલ અઝીઝ ગાઝીએ શાહબાઝ શરીફને અલ્લાહનો ડર બતાવ્યો છે. તાલિબાનને બેશરમ લોકો કહેવાની સાથે જ મૌલાનાએ હિના રબ્બાની ખારને પણ વ્યભિચારી (અય્યાશ) શબ્દથી સંબોધ્યા છે.
મળતી માહિતી મુજબ, શાહબાઝ શરીફ ગયા મહિને નવેમ્બરમાં તુર્કીના પ્રવાસે ગયા હતા. શાહબાઝ તુર્કીને ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)માં સામેલ થવાનું આમંત્રણ આપવા ગયા હતા. આ દરમિયાન તેમણે ઈસ્તાંબુલ શહેરમાં એક મહિલા સાથે હાથ મિલાવ્યા હતા.
પાકિસ્તાની વડાપ્રધાનની આ કાર્યવાહીથી નારાજ દેવબંદી મૌલાનાએ શાહબાઝને ઈસ્લામ વિરુદ્ધ ગણાવતા અલ્લાહથી ડરવાની સલાહ આપી છે. મૌલાનાના મતે, ભગવાન શરીફને મહિલા સાથે હાથ મિલાવવાના ગુના માટે ચોક્કસપણે સજા કરશે. વીડિયોની સાથે મૌલાનાનું આ નિવેદન પણ વાયરલ થઈ રહ્યું છે.
#Deobandi cleric Molana Abdul Aziz Ghazi: Democracy is an evil system that only brings impious people to power. Pakistan's Prime Minister Shahbaz Sharif @CMShehbaz shamelessly shook hands with a woman in Istanbul. Inshallah he will be punished by Allah soon. pic.twitter.com/8kwz8cBenK
— SAMRI (@SAMRIReports) December 4, 2022
પાકિસ્તાનના વડાપ્રધાન સાથે હાથ મિલાવનાર મહિલાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. બીજી તરફ મીડિયા અહેવાલો અનુસાર મૌલાના અબ્દુલ અઝીઝ ગાઝીએ લોકતંત્રને પણ ખરાબ સિસ્ટમ ગણાવી હતી. તેને નાસ્તિકોની સિસ્ટમ ગણાવીને તેને ખોટા લોકો દ્વારા ચલાવવામાં આવતી સિસ્ટમ ગણાવી હતી.
મૌલાનાએ શાહબાઝ સરકારમાં વિદેશ મંત્રાલય સંભાળી રહેલા રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારને પણ ખોટા ગણાવ્યા. મૌલાનાના કહેવા પ્રમાણે, તાલિબાનના પ્રવાસે ગયેલી હિના રબ્બાનીએ હિજાબ પહેર્યો નહોતો. દેવબંદી મૌલાનાએ હિનાના હિજાબ ન પહેરવાને ‘બદનક્ષી’ ગણાવી હતી.
આ સાથે મૌલાના અઝીઝ ગાઝીએ પણ હિજાબ વગર મહિલાને હોસ્ટ કરવા બદલ તાલિબાનને ‘બેશરમ’ શબ્દથી સંબોધિત કર્યા હતા. મૌલવીએ તાલિબાન અને તેના સમર્થકોને હિજાબ વિના હિનાનું સ્વાગત કરવા બદલ માફી માંગવા પણ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકારે થોડા સમય પહેલા મૌલાના અબ્દુલ અઝીઝને ઈસ્લામાબાદની લાલ મસ્જિદ ખાલી કરાવી હતી. ત્યારથી તે ખુલ્લેઆમ શાહબાઝ સરકાર વિરુદ્ધ નિવેદનો આપી રહ્યો છે.