વ્લાદિમીર પુતિને લગભગ 88% વોટ સાથે રશિયાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી છે. આ સાથે જ તેઓ સતત પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. રવિવારે (17 માર્ચ) મતદાન પૂર્ણ થયા બાદ પ્રથમ આધિકારિક પરિણામ અનુસાર, વ્લાદિમીર પુતિને 87.97% વોટ સાથે રશિયન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત નોંધાવી છે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો પાંચમો કાર્યકાળ છે. તેઓ રશિયાની સત્તામાં 1999થી જ મહત્વનો ચહેરો રહ્યા છે. 1999માં બોરિસ યેલ્તસિને ખરાબ સ્વાસ્થ્યના લીધે રશિયન સત્તાની કમાન પુતિનને સોંપી હતી. ત્યારથી તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી.
શુક્રવાર (15 માર્ચ)થી શરૂ થયેલી રશિયન ચૂંટણી ખૂબ જ નિયંત્રિય વાતાવરણમાં યોજાઈ હતી. તમામ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ ચૂંટણી યોજવામાં આવી હતી. જે બાદ રવિવારે (17 માર્ચ) તેનું પરિણામ જાહેર થયું હતું. તેમાં વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સતત પાંચમી વખત ચૂંટાઈ આવ્યા હતા. જોકે, હજારો વિરોધીઓએ મતદાન કેન્દ્રો પર વિરોધ પ્રદર્શન કર્યાં હતાં. તેમ છતાં પુતિન 88% વોટ સાથે ચૂંટણી જીત્યા છે. આ જીત સાથે કેજીબીના પૂર્વ લેફટન્ટ કર્નલ વ્લાદિમીર પુતિનને 6 વર્ષનો નવો કાર્યકાળ પ્રાપ્ત થયો છે. કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેઓ રશિયામાં સૌથી વધુ સમય સુધી સત્તામાં રહેનાર વ્યક્તિ હશે. અત્યારે આ વિક્રમ જોસેફ સ્ટાલિનના નામે છે.
80 લાખથી વધુ મતદારોએ ઓનલાઈન મતદાન કર્યું
રશિયાના ઇલેક્શન કમિશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 80 લાખથી વધુ મતદારોએ ઓનલાઈન મતદાન કર્યું હતું. રશિયન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગનો ઉપયોગ પ્રથમ વખત થયો છે. વ્લાદિમીર પુતિન મતદાન કરનાર પ્રથમ નાગરિક હતા. આ ઉપરાંત ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ થયા અને બેલેટ પેપરને નુકસાન પહોંચાડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. દરમિયાન, પ્રારંભિક પરિણામો પરથી એવું કહી શકાય છે કે, વ્લાદિમીર પુતિન રશિયન લોકોનો વિશ્વાસ જાળવી રાખવામાં સફળ થયા છે. રશિયાની ચૂંટણીને લઈને અમેરિકાએ પણ નિવેદન આપ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સે કહ્યું કે, રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ન તો મુક્ત હતી કે ન તો ન્યાયી હતી.
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને વ્લાદિમીર પુતિનની રશિયામાં ખૂબ આલોચના કરવામાં આવી હતી. વિરોધીઓએ તેમને આ યુદ્ધ માટે જવાબદાર પણ ઠેરવ્યા હતા. જેને લઈને તેમના પર અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. તેવામાં એવી અટકળો હતી કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પુતિન ખરાબ પ્રદર્શન કરી શકે છે. પરંતુ તેઓ જંગી બહુમતી સાથે ફરી એકવાર સત્તામાં આવ્યા છે અને પોતાનો પાંચમો કાર્યકાળ શરૂ કર્યો છે.