Thursday, July 25, 2024
More
  હોમપેજરાજકારણનેપાળને 'હિંદુ રાષ્ટ્ર' ઘોષિત કરવા માટે મુખ્ય રાજકીય પાર્ટીઓ પણ ચડી મેદાને:...

  નેપાળને ‘હિંદુ રાષ્ટ્ર’ ઘોષિત કરવા માટે મુખ્ય રાજકીય પાર્ટીઓ પણ ચડી મેદાને: દેશભરમાં થઈ રહી છે માંગ, ટૂંક સમયમાં રાષ્ટ્રીય ચર્ચા શરૂ કરવાનો કોંગ્રેસ નેતાનો દાવો

  ભારતની ભારતીય જનતા પાર્ટીની જેમ નેપાળમાં નેપાળી જનતા પાર્ટીનું ચૂંટણી ચિહ્ન કમળ છે અને હિંદુ રાષ્ટ્ર એ તેનું અંતિમ ધ્યેય છે. નેપાળના રાજકારણમાં, જ્યાં વામપંથી અને હળવા ડાબેરી પક્ષોનું વર્ચસ્વ વધુ છે. ત્યાં NJP પોતાની હિંદુત્વની ઓળખથી આગળ વધી રહી છે.

  - Advertisement -

  નેપાળને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે એક આખું અભિયાન ચાલી રહ્યું છે. તાજેતરમાં એવા સમાચારો પણ સામે આવ્યા હતા કે, નેપાળને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. નેપાળની મુખ્ય રાજકીય પાર્ટીઓ પણ હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહીની પુનઃ સ્થાપના માટેની માંગ કરી રહી છે. સાથે અનેક સ્થળો પર આ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને હવે ત્યાંની પાર્ટીઓ પણ સક્રિય થવા લાગી છે.

  નેપાળના લોકોના હિંદુ રાષ્ટ્ર પ્રત્યેના વલણને સમજીને ઘણા પક્ષો એવા છે જેમણે નેપાળને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ પણ લઈ લીધો છે. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી, નેપાળ જનતા પાર્ટી ઉપરાંત સત્તાધારી પક્ષ નેપાળ કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ પણ નેપાળને ફરી એકવાર હિંદુ રાષ્ટ્ર બનાવવાના પક્ષમાં છે. નેપાળને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની સૌથી પ્રબળ માંગ રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) કરી રહી છે. RPPને રાજશાહીની સમર્થક પાર્ટી માનવામાં આવે છે. RPPએ નેપાળમાં રાજાશાહી અને હિંદુ રાષ્ટ્રની પુનઃસ્થાપના માટે વિરોધ પ્રદર્શનનો સિલસિલો શરૂ કરી દીધો છે. આ માટે પાર્ટી રાજધાની કાઠમંડુ અને કેટલાક અન્ય શહેરોમાં પ્રદર્શનો સાથે જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે.

  તાજેતરમાં નેપાળી કોંગ્રેસના નેતાઓના એક વર્ગે પણ નેપાળને હિંદુ રાષ્ટ્ર તરીકે પુનઃસ્થાપિત કરવા માટે અવાજ ઉઠાવ્યો છે. ગયા અઠવાડિયે કાઠમંડુમાં આયોજિત 14મી ‘મહાસમિતિ’ની બેઠક દરમિયાન પક્ષની જનરલ કમિટીના મોટા ભાગના સભ્યોએ નેપાળમાં હિંદુ રાજ્યની પુનઃસ્થાપના માટે આહવાન કરતી અરજી પર હસ્તાક્ષર કર્યા હતા.

  - Advertisement -

  સાથે નેપાળી જનતા પાર્ટી (NJP) પણ આ મામલે પહેલેથી જ આગળ છે. ભારતની ભારતીય જનતા પાર્ટીની જેમ નેપાળમાં નેપાળી જનતા પાર્ટીનું ચૂંટણી ચિહ્ન કમળ છે અને હિંદુ રાષ્ટ્ર એ તેનું અંતિમ ધ્યેય છે. નેપાળના રાજકારણમાં, જ્યાં વામપંથી અને કેન્દ્ર વામ પક્ષોનું વર્ચસ્વ વધુ છે. ત્યાં NJP પોતાની હિંદુત્વની ઓળખથી આગળ વધી રહી છે. નેપાળી જનતા પાર્ટીનું માનવું છે કે આજે દેશમાં ધર્મ પરિવર્તન એક મોટો ખતરો છે. અને હવે નેપાળને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો સમય આવી ગયો છે. નેપાળી જનતા પાર્ટી હિંદુ રાષ્ટ્રની માંગ સાથે વર્ષ 2027માં ચૂંટણી લડવા જઈ રહી છે.

  ‘નેપાળી કોંગ્રેસ શરૂ કરશે હિંદુ રાષ્ટ્ર માટેની રાષ્ટ્રીય ચર્ચા’

  ANI સાથેના એક ઇન્ટરવ્યૂમાં નેપાળી કોંગ્રેસમાં ‘વૈદિક સનાતન હિંદુ રાષ્ટ્ર સ્થાપના અભિયાન’નું નેતૃત્વ કરી રહેલા અને નેપાળી કોંગ્રેસના સાંસદ શંકર ભંડારીએ દાવો કર્યો છે કે, હિંદુ રાષ્ટ્રની પુનઃ સ્થાપનાથી નેપાળની રાજનીતિમાં સુધારો થશે. તેમણે કહ્યું કે, “અમારું માનવું છે કે, કેન્દ્રીય સંસદમાં તમામ દળોને અનુરોધ કરવામાં આવે કે, તેઓ અમારી સાથે ચર્ચા કરે. અમને એ પણ જાણવા મળ્યું છે કે, નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી પણ વધતાં જતાં ધર્માંતરણના કેસોથી ચિંતિત છે.” ભંડારીએ ઉમેર્યું કે, “આપણે સૌએ સાથે મળીને વૈદિક સનાતન હિંદુ ધર્મ માટે કામ કરવું જોઈએ, અન્ય પક્ષોએ પણ આ મામલે ધ્યાન આપ્યું છે.”

  તેમણે વધુમાં કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં આ મામલે રાષ્ટ્રીય ચર્ચા શરૂ કરશે. જેમાં તેઓ તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા-વિચારણા કરશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, નેપાળને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે તેમને બે-તૃતીયાંશ બહુમતીની જરૂર છે. તેમણે ઉમેર્યું, “બંધારણીય જોગવાઈ અનુસાર, અમને (હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે) બે-તૃતીયાંશ બહુમતીની જરૂર છે. બંધારણની રચના સમયે જાણીજોઈને કે અજ્ઞાનતાથી જે ગંભીર ભૂલો થઈ હતી, તે ભૂલોને સુધારવા માટે આપણે વિલંબ ના કરવો જોઈએ. અમે તેના પર મક્કમ છીએ. અમે ટૂંક સમયમાં જ હિંદુ રાષ્ટ્રની ઘોષણ પર રાષ્ટ્રીય ચર્ચા શરૂ કરીશું અને અન્ય તમામ રાજકીય દળો સાથે વિચારણા કરીશું.”

  ભંડારી દ્વારા શરૂ કરાયેલ અભિયાનને 19 ફેબ્રુઆરીના રોજ લલિતપુરના ગોદાવરીમાં યોજાયેલી પાંચ દિવસીય મહાસમિતિની બેઠક દરમિયાન લોકપ્રિયતા મળી હતી. પક્ષના ટોચના નેતાઓ પર દબાણ લાવવા માટે સહીઓ એકત્રિત કરવાની ભંડારીની ઝુંબેશ મહાસમિતિની બેઠકના 1950 નિયુક્ત સભ્યોમાંથી લગભગ 1100 સહભાગીઓની સહીઓ મેળવવામાં સફળ રહી.

  પાર્ટીની સામૂહિક સભાના સમાપન સત્ર દરમિયાન, ભંડારીએ એકત્રિત સહીઓ પાર્ટી પ્રમુખ શેર બહાદુર દેઉબાને સુપરત કરી હતી, જેમણે પછી આ મુદ્દાને કેન્દ્રીય સમિતિની બેઠકમાં લઈ જવાનું વચન આપ્યું હતું. આ સહીઓ કરનારાઓમાં નેપાળની સૌથી મોટી પાર્ટીના કેન્દ્રીય સભ્યો પણ સામેલ છે. જેમાં ભૂતપૂર્વ મહાસચિવ શશાંક કોઈરાલાનો સમાવેશ પણ થાય છે.

  ઉલ્લેખનીય છે કે, નેપાળ ઘણા લાંબા સમય સુધી રાજાશાહી શાસન ધરાવતો દેશ હતો. વર્ષ 2008 સુધી નેપાળ પર રાજા જ્ઞાનેન્દ્રનું શાસન હતું. પરંતુ 2006થી લોકોના વિરોધ પ્રદર્શન અને બળવાને કારણે વર્ષ 2008માં નેપાળને રાજાશાહીમાંથી મુક્ત કરીને ગણતંત્ર બનાવવામાં આવ્યું હતું. જે બાદ ફરી રાજાશાહી સ્થાપવા માટે લોકો હવે રસ્તા પર ઉતર્યા છે. રાજા જ્ઞાનેન્દ્રના સમર્થકો દેશભરમાંથી નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચ્યા હતા અને રાજાશાહીને પરત લાવવાની માંગ કરી રહ્યા હતા. જ્યારે હવે તો નેપાળના રાજકારણમાં પણ આ માટેનું અભિયાન શરૂ થઈ ગયું છે. સામાન્ય લોકોથી લઈને નેપાળના મોટા નેતાઓ પણ નેપાળને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની પ્રબળ માંગ કરી રહ્યા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં