Friday, May 3, 2024
More
    હોમપેજદુનિયાગાઝામાં જમીની હુમલાઓ તેજ કરતી ઇઝરાયેલી સેના, સરહદ પાર કરીને ઘૂસ્યા ટેન્ક-સૈનિકો:...

    ગાઝામાં જમીની હુમલાઓ તેજ કરતી ઇઝરાયેલી સેના, સરહદ પાર કરીને ઘૂસ્યા ટેન્ક-સૈનિકો: ઈન્ટરનેટ સેવાઓ ઠપ, એરસ્ટ્રાઈક પણ સતત ચાલુ

    ઇઝરાયેલી સેના હાલ ઑપરેશનને ‘ટાર્ગેટેડ રેડ્સ‘ ગણાવી રહી છે. પરંતુ હવે જે રીતે હુમલાઓ વધારવામાં આવી રહ્યા છે તેને જોતાં ફૂલ સ્કેલ ગ્રાઉન્ડ ઑપરેશન પણ જલ્દીથી શરૂ થઈ શકે છે. 

    - Advertisement -

    આખરે ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ ઑપરેશન તેજ કર્યું છે. શુક્રવારે (27 ઓક્ટોબર) રાત્રે ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે તેઓ ગાઝામાં ઑપરેશન તેજ કરી રહ્યા છે. એક તરફ સતત એરસ્ટ્રાઈક ચાલુ છે તો બીજી તરફ હવે પેલેસ્ટેનિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇઝરાયેલી સેનાની ટેન્કો પણ ગાઝામાં ઘૂસી ગઈ છે. 

    ઇઝરાયેલી સેનાના (IDF) પ્રવક્તાએ શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે, એરફોર્સ સતત અંડરગ્રાઉન્ડ ટાર્ગેટ્સને ધ્વસ્ત કરી રહી છે. બીજી તરફ છેલ્લા થોડા દિવસોથી ચાલતા હુમલાઓ વચ્ચે ગ્રાઉન્ડ ફોર્સીસ દ્વારા પોતાનું ઑપરેશન તેજ કરવામાં આવ્યું છે. યુદ્ધ જીતવા માટે IDF પૂરેપૂરી તાકાત સાથે લડી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સેના ગાઝા શહેર અને ઉત્તર ગાઝાના વિસ્તારોમાં હુમલાઓ ચાલુ રાખશે અને એમ પણ કહ્યું કે, અમે કોઇ પણ રીતે ઇઝરાયેલની રક્ષા કરીશું અને તે માટે તમામ મોરચે લડવા માટે તૈયાર છીએ. 

    ઉલ્લેખનીય છે કે IDF છેલ્લા બે દિવસથી ગાઝામાં ઑપરેશન ચલાવી રહી છે, પરંતુ હજુ સુધી ફૂલ સ્કેલ ગ્રાઉન્ડ ઑપરેશન શરૂ થયું નથી. હજુ પણ ઇઝરાયેલની સરકાર અને સેના આ કાર્યવાહીને ફૂલ સ્કેલ ગ્રાઉન્ડ ઑપરેશન ગણાવવાથી બચી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ સાથે વાત કરતાં ઇઝરાયેલની સેનાના એક પ્રવક્તાએ ગાઝામાં તેમના સૈનિકો અને ટેન્ક હોવાની વાતની પુષ્ટિ કરી હતી પરંતુ આ ગ્રાઉન્ડ ઑપરેશન છે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા કરી ન હતી. તેમણે કહ્યું કે, “અમારા સૈનિકો અને ટેન્ક ગાઝા પટ્ટીમાં છે અને ઑપરેશન ચલાવી રહ્યા છે. પણ તેઓ તો ગઈકાલે પણ હતાં.”

    - Advertisement -

    ઇઝરાયેલી સેના હાલ ઑપરેશનને ‘ટાર્ગેટેડ રેડ્સ‘ ગણાવી રહી છે. પરંતુ હવે જે રીતે હુમલાઓ વધારવામાં આવી રહ્યા છે તેને જોતાં ફૂલ સ્કેલ ગ્રાઉન્ડ ઑપરેશન પણ જલ્દીથી શરૂ થઈ શકે છે. 

    આતંકવાદી સંગઠન હમાસે શુક્રવારે જણાવ્યું હતું કે ગાઝાના ઉત્તર ભાગમાં અમુક ઠેકાણે તેમના લડાયકો અને ઇઝરાયેલી સેના વચ્ચે લડાઇ થઈ હતી. બીજી તરફ, અમુક પેલેસ્ટેનિયન મીડિયા રિપોર્ટ્સમાં પણ આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે ગાઝાના બેટ હેનોન અને બેરુજીના રેફ્યુજી કેમ્પ વિસ્તારમાં હમાસ અને IDF વચ્ચે લડાઇ થઈ હતી. તે પહેલાં રાત્રે મીડિયામાં આવ્યું હતું કે ઇઝરાયેલી ટેન્ક ગાઝામાં ઘૂસી ગઈ છે. હમાસે કહ્યું છે કે તેઓ કોઇ પણ પ્રકારના ઈઝરાયેલના હુમલાનો જવાબ આપશે. જોકે, આવું તેઓ છેલ્લાં 20 દિવસથી કહી રહ્યા છે પણ બીજી તરફ ઇઝરાયેલની સેનાએ અડધું ગાઝા ફૂંકી માર્યું છે. 

    આ બધાની વચ્ચે અહેવાલો એવા પણ છે કે ગાઝામાં ઇન્ટરનેટ સેવા ઠપ કરી દેવામાં આવી છે. પેલેસ્ટેનિયન ટેલિકોમ્યુનિકેશન કંપની પેલટેલે શુક્રવારે જણાવ્યું હતું કે બૉમ્બમારાના કારણે તેમની તમામ કોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ થઈ ગઈ છે. 

    7 ઓક્ટોબરે હમાસે કરી દીધો હતો હુમલો, ઇઝરાયેલ તેની જ ભાષામાં આપી રહ્યું છે જવાબ

    ઉલ્લેખનીય છે કે ગત 7 ઓક્ટોબરના રોજ આતંકવાદી સંગઠન હમાસે અચાનક ઇઝરાયેલ પર હુમલો કરી દીધો હતો અને હજારો નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા હતા. આ હુમલા બાદ ઇઝરાયેલે યુદ્ધ જાહેર કરીને હમાસને તેની જ ભાષામાં જવાબ આપવાનો શરૂ કર્યો હતો. અત્યાર સુધી એરસ્ટ્રાઈક કરીને ઈઝરાયેલની સેનાએ હમાસનાં અનેક ઠેકાણાં ધ્વસ્ત કરી દીધાં છે તો બીજી તરફ અનેક આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. 

    ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે હવે ઇઝરાયેલની સેના ગાઝામાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરશે. આખરે 2 દિવસ પહેલાં સેના સરહદપાર કરીને ઘૂસી હતી અને ટાર્ગેટેડ રેડ્સ શરૂ કરી હતી. જોકે, હજુ સુધી ફૂલ સ્કેલ ગ્રાઉન્ડ ઑપરેશન શરૂ થયું નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં