Friday, May 3, 2024
More
    હોમપેજદુનિયાઈઝરાયેલે પોતાને ત્યાં કામ કરતા પેલેસ્ટેનિયનોને તગેડી મૂક્યા, તેમના સ્થાને ભારતીયોને આપશે...

    ઈઝરાયેલે પોતાને ત્યાં કામ કરતા પેલેસ્ટેનિયનોને તગેડી મૂક્યા, તેમના સ્થાને ભારતીયોને આપશે નોકરી: સરકાર પાસે 1 લાખ શ્રમિકોની માંગ કરી 

    ઈઝરાયેલે ભારતને તાત્કાલિક 1 લાખ શ્રમિકો મોકલવા માટે વિનંતી કરી છે. તેઓ એ પેલેસ્ટેનિયન શ્રમિકોનું સ્થાન લેશે જેમને 7 ઓક્ટોબરના આતંકવાદી હુમલા બાદ કાઢી મૂકવામાં આવ્યા છે.

    - Advertisement -

    આતંકવાદી સંગઠન હમાસ સાથે ચાલતા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલ સરકારે ભારત સરકારનો સંપર્ક કર્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે યહૂદી દેશે પોતાને ત્યાં કામ કરતા પેલેસ્ટેનિયનોને કામ પરથી તગેડી મૂક્યા છે અને હવે તેમના સ્થાને નોકરી માટે ભારતીયોને લેવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે. 

    રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયેલ સરકારે ભારતને તાત્કાલિક 1 લાખ શ્રમિકો મોકલવા માટે વિનંતી કરી છે. તેઓ એ પેલેસ્ટેનિયન શ્રમિકોનું સ્થાન લેશે જેમને 7 ઓક્ટોબરના આતંકવાદી હુમલા બાદ કાઢી મૂકવામાં આવ્યા છે.

    ‘ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસે’ એક રિપોર્ટમાં ઈઝરાયેલના સૂત્રોને ટાંક્યાં, જેમાં કહેવામાં આવ્યું કે, “અમે ભારતીય શ્રમિકોને કામ પર રાખવા માટે વિચારી રહ્યા છીએ. પહેલા તબક્કામાં 20,000 લોકોની જરૂર પડશે. ખાસ કરીને બાંધકામ સહિતનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોમાં તેમની જરૂર પડશે. જોકે, હજુ સુધી કશું જ નક્કી થયું નથી અને એક સુવ્યવસ્થિત પ્રક્રિયા હેઠળ આ બધું થશે. પરંતુ સરકાર તરફથી આ માટે પરવાનગી મળી ગઈ છે અને હવે ભારત સરકારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.”

    - Advertisement -

    આતંકવાદી હુમલા બાદ ઈઝરાયેલે એક ઝાટકે 90 હાજર પેલેસ્ટેનિયન નાગરિકોની વર્ક પરમિટ રદ કરી દીધી હતી અને તેમને ઘરભેગા કરી દીધા હતા, જેના કારણે કામદારોની તાત્કાલિક જરૂર ઉભી થઈ છે. ઇઝરાયેલી બિલ્ડર્સ એસોશિએશનના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, તેમને તેમના પ્રોજેક્ટ પર કામ ચાલુ રાખવા માટે 1 લાખ કામદારોની જરૂર છે અને જે ભારત પાસેથી માંગવામાં આવ્યા છે. 

    આ અંગે ભારત સરકાર તરફથી હજુ સુધી અધિકારીક રીતે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઈઝરાયેલની આ વિનંતીને મંજૂરી મળશે કે કેમ અને કેટલા કામદારો મોકલવામાં આવશે તે આવનાર દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં મે મહિનામાં ભારત-ઇઝરાયેલ સરકારો વચ્ચે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે હેઠળ ભારતથી 30 હજારથી વધુ કામદારોને ઇઝરાયેલ મોકલવામાં આવ્યા હતા. જેઓ ત્યાં બાંધકામ ક્ષેત્રમાં કામ કરે છે. આ ઉપરાંત, નર્સિંગ ક્ષેત્રમાં પણ 8 હાજર લોકોને મોકલવામાં આવ્યા હતા. જે સમયે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ઈઝરાયેલમાં 18 હજાર ભારતીયો કામ કરી રહ્યા હતા. જેમાંથી અમુક સ્વદેશ આવી ગયા છે જ્યારે મોટાભાગના ત્યાં જ રહ્યા છે. 

    આતંકી હુમલા બાદ પેલેસ્ટેનિયનોને છૂટા કરવામા આવી રહ્યા છે

    ઉલ્લેખનીય છે કે ગત 7 ઓક્ટોબરના રોજ આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર અચાનક હુમલો કરીને હજારો નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા હતા. ત્યારબાદ ઇઝરાયેલે વળતો જવાબ આપીને ગાઝા (જ્યાં હમાસનું શાસન છે) પર હુમલા શરૂ કર્યા હતા, જેનાં પરિણામે સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા છે. હવે ઈઝરાયેલની સેના જમીન માર્ગે ગાઝામાં ઘૂસી છે. 

    આ હુમલો થયો તે પહેલાં બંને વચ્ચે શાંતિ હતી. મે, 2021માં હમાસે હુમલો કર્યા બાદ ઈઝરાયેલે આવી જ કાર્યવાહી શરૂ કરી તો આતંકવાદીઓ 11મા દિવસે ઘૂંટણિયે પડી ગયા હતા અને યુદ્ધવિરામ જાહેર કર્યું હતું. ત્યારબાદ હમાસે ઇઝરાયેલ સમક્ષ પોતાના નાગરિકોને વર્ક પરમિટ આપવા માટે અપીલ કરી હતી અને ફરી ક્યારેય શસ્ત્રો ન ઉગામવાની બાંહેધરી આપી હતી, પણ આખરે ઓક્ટોબર, 2023માં ફરી પોત પ્રકાશ્યું. એ જ કારણ છે કે હવે ઇઝરાયેલે પેલેસ્ટેનિયનો પર વિશ્વાસ કરવાનું માંડી વાળ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં