ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસે કરેલા હુમલા બાદ હવે ઇઝરાયેલ તેનો ખાતમો બોલાવી રહ્યું છે. હવે ઇઝરાયેલી સુરક્ષા દળોએ હમાસના એક આતંકવાદીનો વિડીયો જાહેર કર્યો છે. વીડિયોમાં તે બાળકોના નરસંહારની વાત ક્બૂલતો જોવા મળી રહ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં હમાસના આતંકવાદીએ ઇઝરાયેલી બાળકોને ગોળીથી વીંધી નાખ્યાં હોવાની કબૂલાતનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર ઉમર સામી મારઝૂક અબૂ રૂશા નામનો આ આતંકવાદી હમાસની સ્પેશ્યલ ફોર્સ નુખબાનો મેમ્બર છે. 7 ઓકટોબરના રોજ ઇઝરાયેલ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં તે પણ સામેલ હતો અને ગાઝા બોર્ડર પાસેના ઇઝરાયેલી ગામ કફર અઝામાં હતો. ઇઝરાયેલના સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલ પૂછપરછમાં અબૂ રૂશાએ કહ્યું હતું કે, તેમનું મિશન કત્લેઆમ કરવાનું હતું. તેણે કહ્યું કે, “અમને આદેશ હતા કે જે અમારી નજર સામે આવે તેને મારી નાખવા, અને નરસંહાર કરીને અમારે પરત જવાનું હતું.”
Hamas terrorist confirms: Their mission is simply to kill. pic.twitter.com/sHfvhIOssl
— Israel Defense Forces (@IDF) November 1, 2023
જે સામે મળ્યું તેને ગોળીઓ ધરબી દીધી
નરસંહાર વિશે જણાવતા આતંકવાદી અબૂ રુશાએ આગળ કહ્યું, “અમે પ્રથમ ઘરમાં ઘૂસ્યા, ત્યાં તપાસ કરી તો જાણવા મળ્યું કે ત્યાં કોઈ હાજર નથી. હમઝાએ (તેના જૂથનો અન્ય આતંકવાદી) તે ઘરને સળગાવી નાંખ્યું. તેવામાં પાછળથી કોઈ પાણીની પાઈપ લઈને આગળ બગીચામાં આવ્યું, અબૂ અહેમદ અને હમઝાએ તેને જોતાં જ ગોળીઓ વરસાવી અને હત્યા કરી નાખી.”
હમાસના આતંકી અબૂ રુશાએ તેની ગેંગ દ્વારા ફેલાવવામાં આવેલી તબાહી વિશે આગળ જણાવ્યું કે, “ત્યારબાદ અમે બીજા ઘરમાં ઘૂસ્યા, ત્યાં અમે બારી પર ગોળીઓ વરસાવીને કાચ તોડી નાંખ્યા. અમને અંદર કોઈ ન મળ્યું તો મેં બેડરૂમમાં આગ લગાવી દીધી. ત્યારબાદ અમે ત્રીજા ઘર તરફ આગળ વધ્યા, ત્યાં એક મહિલા હતી, હમઝાએ તેને પણ ગોળી મારીને મારી નાંખી. અમે તેના ઘરમાં ન ગયા.”
હમાસના આતંકવાદીએ ઇઝરાયેલી બાળકોને ગોળીથી વીંધી નાખ્યાં, રૂમમાં સન્નાટો ન થાય ત્યાં સુધી ફાયરિંગ કર્યા
ઇઝરાયેલના સુરક્ષા દળોએ જાહેર કરેલા હમાસના આતંકવાદીએ વિડીયોમાં આગળ જણાવ્યું કે, “ત્યારબાદ અમે એક ઘરની બારી કૂદીને તે ઘરમાં પ્રવેશ્યા. ત્યાં એક સેફ રૂમમાં બાળકોના રડવાનો અવાજ આવી રહ્યો હતો. અમે બધાએ પહેલાં ઘરમાં રહેલા ખજૂર ખાધા અને ત્યારબાદ પાણી પીધું. ત્યારબાદ અમે બાળકોવાળા સેફ રૂમમાં ત્યાં સુધી ગોળીઓ મારી જ્યાં સુધી અંદરથી બાળકોનો અવાજ આવતો બંધ ન થઇ જાય.”
નિર્દોષ બાળકોને રાક્ષસની જેમ મારનાર હમાસના આ આતંકવાદીએ કહ્યું કે, એટલામાં ત્યાં ઇઝરાયેલના સૈનિક આવી ગયા અને અમારી વચ્ચે ફાયરિંગ ચાલું થઇ ગયું. અમે ઇઝરાયેલની સેના પર ગ્રેનેડ પણ ફેંક્યા. આ આતંકીએ જણાવ્યું કે માત્ર 10 મિનીટની લડાઈ બાદ તેના જૂથે ઇઝરાયેલની સેના સામે આત્મસમર્પણ કરી દીધું હતું. તેણે હમાસને ISIS સાથે સરખાવતા કહ્યું હતું કે “હમાસ ISIS કરતા પણ વધુ હિંસક અને ક્રૂર છે.”