પાડોશી દેશ બાંગ્લાદેશ હાલ હિંસાની આગમાં ભડકે બળી રહ્યો છે. બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમના વિરોધના નામે નીકળેલી હિંસામાં અત્યાર સુધી 105થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. ઠેર-ઠેર પથ્થરમારા અને આગચંપીમાં 2500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હિંસા એટલી વધી ગઈ છે કે તેને નિયંત્રણમાં લેવા માટે આખા બાંગ્લાદેશમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ, ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે અને રસ્તાઓ પર સેના ઉતારી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે (19 જુલાઈ, 2024) હિંસક ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ગોળીબાર કરવાની ફરજ પડી હતી. એક જિલ્લામાં તો પ્રદર્શન કરી રહેલા ટોળાએ જેલ પર હુમલો કરીને અનેક કેદીઓને ભગાડી મૂક્યા અને ત્યાં આગ લગાડી દીધી હોવાનું પણ સામે આવ્યું. આ ઉપરાંત સેંકડો પ્રદર્શનકારીઓ સ્ટેટ બ્રોડકાસ્ટર BTVની ઑફિસના કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને 60થી વધુ વાહનોને સળગાવી દીધાં હતાં.
લાંબા સમયથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધી 105 લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. આ મૃત્યુ પ્રદર્શનકારીઓ, સરકાર સમર્થકો અને પોલીસ-સેના વચ્ચેની અથડામણમાં થયાં હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ 2,500થી વધુ લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે. બીજી તરફ ભારતે આ હિંસાને બાંગ્લાદેશનો આંતરિક વિવાદ કહ્યો છે. સાથે જ ભારત સરકારે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં રહેતા 15000 ભારતીયો સુરક્ષિત છે. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં લગભગ 8500 ભારતીય વિદ્યાર્થીઓ પણ વસે છે.
⚡️Curfew imposed in 🇧🇩Bangladesh amid riots, army deployed to maintain law & order: media
— Rudra 🇮🇳 (@lonewolf45898) July 20, 2024
The death toll in the unrest has reached 105 #BangladeshiStudentsareinDanger #BangladeshBleeding pic.twitter.com/WZ6KlEyz4v
હિંસાને પગલે 125 વિદ્યાર્થીઓ સહિત 245 ભારતીયો ભારત પરત પણ ફર્યા છે. ભારતીય સરકારે 13 નેપાળી નાગરિકો સહિત અન્ય કેટલાક લોકોને પણ હિંસાથી બચીને બાંગ્લાદેશથી નીકળવામાં મદદ કરી હોવાનું સામે આવ્યું છે. હાલ આખા બાંગ્લાદેશમાં કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે અને કોઈ પણ સંજોગોમાં હિંસાને કાબૂમાં લેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સામે આવેલા તાજા વિડીયોમાં હિંસક ટોળા પોલીસ અને સેના પર હુમલો કરતા નજરે પડ્યા હતા.
શું છે હિંસા પાછળનું કારણ?
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં પ્રદર્શનોના મૂળમાં સરકારી નોકરીના ક્વોટા સિસ્ટમ અને તેને લઈને કોર્ટના આદેશ છે. ગત 5 જૂનના રોજ બાંગ્લાદેશની હાઈકોર્ટે એક આદેશ પસાર કરીને સરકારી નોકરીઓમાં સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના વંશજો માટે 30% ક્વોટાને બહાલી આપી હતી. નોંધવું જોઈએ કે વર્ષ 2018માં શિક્ષકો અને વિદ્યાર્થીઓના આ જ પ્રકારના દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો બાદ શેખ હસીના સરકારે આ 30% ક્વોટા સિસ્ટમ રદ કરી દીધી હતી. પરંતુ કોર્ટે તેને ફરી પુનઃસ્થાપિત કરી દીધી. જોકે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણય પર રોક લગાવીને આગામી સુનાવણી 7 ઑગસ્ટના રોજ થવાની છે.
કોર્ટના આ આદેશ વિરૂદ્ધ છેલ્લા એક મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યાં છે અને અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ દેખાવો કરી રહ્યા છે. પરંતુ બુધવારે રાત્રે વડાંપ્રધાન શેખ હસીનાએ ટેલિવિઝન સામે આવીને પ્રદર્શનો શાંત પાડવાના પ્રયાસ કરતાં વિરોધ વધુ ભડક્યો હતો અને બીજા દિવસે પ્રદર્શનકારીઓએ સ્ટેટ બ્રોડકાસ્ટર બાંગ્લાદેશ ટીવીની ઑફિસ સળગાવી દીધી હતી. ત્યારથી હિંસા વધુ ભડકી રહી છે અને તેના કારણે સરકારે શાળા-કૉલેજો પણ બંધ કરવી પડી છે અને ઈન્ટરનેટ-ટીવી વગેરે પર પણ નિયંત્રણો લાદવાં પડ્યાં છે.