Tuesday, November 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાંગ્લાદેશમાં પ્રતાડિત હિંદુઓનો અવાજ બનેલા સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ થતા સનાતનીઓ...

    બાંગ્લાદેશમાં પ્રતાડિત હિંદુઓનો અવાજ બનેલા સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ થતા સનાતનીઓ રસ્તા પર: મંદિરો અને સમુદાયની ચિંતા કરનાર ISKCON મહંત પર રાજદ્રોહનો આરોપ

    છેલ્લા કેટલાક સમયમાં હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસાઓની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેવામાં હવે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના હક માટે અવાજ ઉઠાવતા હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની રાજદ્રોહના આરોપસર ધરપકડ કરી લેવામાં આવી

    - Advertisement -

    જ્યારથી શેખ હસીનાની સરકાર ઉથલાવવામાં આવી છે, ત્યારથી બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુ (Bangladeshi Hindu) સમુદાયની હાલત કફોડી છે. છેલ્લા કેટલાક સમયમાં હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસાઓની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેવામાં હવે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના હક માટે અવાજ ઉઠાવતા હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની (Chinmoy Krishna Das Brahmachari) રાજદ્રોહના આરોપસર ધરપકડ કરી લેવામાં આવી છે. તેઓ બાંગ્લાદેશ ISKCON સાથે સંકળાયેલા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના હક માટે અવાજ ઉઠાવતા હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. તેમના પર રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની આ ધરપકડ ગત 22 નવેમ્બર 2024ના રોજ રંગપુરમાં યોજેલી હિંદુ હિંસા વિરુદ્ધની રેલીના અનુસંધાનમાં કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ રેલીમાં ISKCONના સંતની આગેવાનીમાં સેંકડો હિંદુઓએ હિંસાનો વિરોધ કરીને અલ્પસંખ્યકોના હકની માંગણી કરી હતી.

    હિંદુઓનો અવાજ બનવા પર રાજદ્રોહના આરોપ

    નોંધવું જોઈએ કે ગયા ઓક્ટોબર મહિનામાં ચિન્મય કૃષ્ણ દાસ સહીત હિંદુ સંગઠન સાથે સંકળાયેલા 19 લોકો વિરુદ્ધ રાજદ્રોહના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ તમામે મોહમ્મદ યુનુસ સરકારના રાજમાં કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા હિંદુઓ પર કરવામાં આવી રહેલા અત્યાચારો અને પ્રતાડનાઓ વિરુદ્ધ હિંદુ સમુદાયને એકજૂથ કરવાનું કામ કર્યું હતું. તે સમયે ચિન્મય દાસે સરકાર પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન ‘જમાત એ ઇસ્લામી’ દ્વારા ISKCONના હિંદુઓ પર અત્યાચારનો વિરોધ કરી રહેલા સંતો અને ભક્તોને હત્યાની ધમકી આપી રહ્યું છે. આ સંગઠન BNPના મુખ્ય સહયોગી પૈકીનું એક છે. તેવામાં ચિન્મય દાસે મોહમ્મદ યુનુસ સરકાર પર આરોપ લગાવ્યા હતા કે તેઓ હિંદુઓ અને હિંદુઓના હકનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. તેમણે સરકાર પર હિંદુઓમાં ભાગલા પડાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.

    ધરપકડના વિરોધમાં રસ્તા પર હિંદુઓ

    ISKCONના સંત અને હિંદુ અગ્રણી ચિન્મય દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશના હિંદુઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ચટગાંવના ચેરાગી પહાડ ચોક ખાતે સેંકડો હિંદુઓ આ ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. હિંદુ સમુદાય તાત્કાલિક ચિન્મય પ્રભુની મુક્તિની માંગ કરી રહ્યા છે. બીજી તરફ ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 50થી વધુ હિંદુઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

    ઇસ્કોને ભારત સરકાર અને વડાપ્રધાન મોદી પાસે માંગી મદદ

    બાંગ્લાદેશમાં ISKCONના સંતની ધરપકડ પર સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે તેમના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ કરીને ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મદદનો હાથ લંબાવ્યો છે. ઇસ્કોને લખ્યું છે કે, “બાંગ્લાદેશમાં ISKCONના મોટા આગેવાન ચિન્મય કૃષ્ણ દાસની ઢાકા પોલીસે ધરપકડ કરી છે. તેમના પર પાયાવિહોણો આરોપ લગાવવામાં આવ્યો છે, ઇસ્કોનને આતંકવાદ સાથે કોઈ જ લેવાદેવા નથી. અમે ભારત સરકાર પાસે ત્વરિત પગલા ઉઠાવવા અને બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરવા આગ્રહ કરી રહ્યા છીએ. ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.”

    કોણ છે ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી?

    નોંધનીય છે કે ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના (Bangladesh Sanatan Jagran Manch) મુખ્ય નેતા અને ચટગાંવ ISKCONના પુંડરીક ધામના અધ્યક્ષ છે. લોકો તેમને ચિન્મય પ્રભુના નામથી પણ ઓળખે છે. તેઓ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારો અને હિંસા વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતા આવ્યા છે. તેઓ ISKCONના સત્તાવાર પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. નોંધવું જોઈએ કે બાંગ્લાદેશમાં સંસ્થાના 77થી વધુ મંદિરો છે અને 50 હજારથી વધુ લોકો તેની સાથે સંકળાયેલા છે.

    બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુ સમુદાયની કુલ જનસંખ્યા 8% છે. બાંગ્લાદેશમાં હિંદુઓ લાંબા સમયથી ધાર્મિક ભેદભાવ અને હિંસાનો ભોગ બનતા આવ્યા છે. હિંદુ સમુદાય અને તેમના ધાર્મિક સ્થળો પર હુમલા થવાની અનેક ઘટનાઓ તાજેતરમાં જ સામે આવી ચૂકી છે, ચિન્મય પ્રભુ આ હિંસા વિરુદ્ધ હિંદુઓને એક કરીને બાંગ્લાદેશ સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા હતા. તેમણે મંદિરો પર થતા હુમલાઓને લઈને ચિંતા દાખવતા કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓ ખતરામાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં