બાંગ્લાદેશમાં (Bangladesh) સરકાર બદલાયા બાદ હિંદુઓ પર હુમલાના અનેક મામલા સામે આવ્યા હતા. તાજેતરમાં એક કેસ કુરીગ્રામના ફૂલબાડી બજાર વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં એક 15 વર્ષીય હિંદુ સગીરાને (Hindu Minor) પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપ એક 32 વર્ષીય અલીનૂર રહેમાન નામના શખ્સ પર લાગ્યો છે. તેણે લગભગ પંદર દિવસ પહેલાં સગીરાના ઘરની બહાર એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘તમારી પુત્રીનું 7 દિવસમાં અપહરણ થઈ જશે અને તેને ઇસ્લામ અંગીકાર કરાવી દેવામાં આવશે.’ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સમગ્ર ઘટના બાંગ્લાદેશમાં કુરિગ્રામના ફુલબારી ઉપજિલ્લાના અનંતપુર ગામની છે. આ ગામમાં પીડિતાના પરિવાર સહિત લગભગ 30 હિંદુ પરિવારો રહે છે. અહીં 32 વર્ષીય અલીનૂર રહેમાને 17 વર્ષની હિંદુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરા સ્થાનિક ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10ની વિદ્યાર્થિની છે.
તપાસમાં સામે આવ્યું છે કે, અલીનૂરનો પરિવાર પણ બંનેના સંબંધો અંગે જાણતો હતો અને એટલું જ નહીં પણ તે પહેલેથી પરણિત પણ હતો. તેમ છતાં તે સગીરાને નિકાહ અને ધર્મપરિવર્તન માટે દબાણ કરતો હતો. દરમ્યાન સગીરાના પરિવારને જાણ થતાં સ્થાનિક સ્તરે એક બેઠક પણ યોજવામાં આવી હતી અને આરોપીને સગીરાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ અલીનૂરને બીજે પરણાવી દેવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમય બાદ ફરીથી તેણે હિંદુ છોકરીને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.
અપહરણ કરવા ધમકી આપતી ચિઠ્ઠી લગાવી
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 2 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બરની રાત્રિ દરમિયાન હિંદુ સગીરાના ઘરની બહારના ઝાડ પરથી ‘તમારી પુત્રીનું 7 દિવસમાં અપહરણ કરીને તેનું ઇસ્લામમાં ધર્માંતરણ કરાવવામાં આવશે’ એવી ચીમકી ઉચ્ચારતી ચિઠ્ઠી લગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ હિંદુ પરિવારોએ 4 સપ્ટેમ્બરના રોજ પોલીસમાં જનરલ ડાયરી (પ્રાથમિક ફરિયાદ) નોંધાવી હતી. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી નહોતી. જો ત્યારે કાર્યવાહી કરવામાં આવી હોત તો સગીરાનું અપહરણ થયું ન હોત.
આ ઘટનાના લગભગ 15 દિવસ બાદ 18 સપ્ટેમ્બરે સાંજે જ્યારે સગીરા કોચિંગ સેન્ટરથી પરત ફરી રહી હતી ત્યારે આરોપી અલીનૂર અન્ય આરોપીઓની મદદથી હિંદુ સગીરાને ઉપાડી ગયો હતો. પીડિતાના પિતાએ ફુલબારી પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક, તેના ભાઈ અને બહેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કેર છે.
ફુલબારી પોલીસ સ્ટેશનના ઓફિસર-ઇન-ચાર્જ (OC) નવાબુર રહેમાને કેસની નોંધણીની પુષ્ટિ કરી હતી. પોલીસ સમક્ષ નિવેદનમાં સગીરાના પિતાએ જણાવ્યું હતું કે આરોપી અલીનૂર તેની 10મા ધોરણમાં ભણતી દીકરીને તેની મરજી વિરુદ્ધ અપહરણ કરી ઉપાડી ગયો છે.
ફરિયાદ અનુસાર બુધવારે રાત્રે જ્યારે સગીરાનો પરિવાર અલીનૂરના ઘરે ગયો અને તેને પરત કરવાની માંગ કરી ત્યારે આરોપીના પરિવારે યુવતીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને ઘર વચ્ચે લગભગ 1 કિલોમીટરનું અંતર છે અને યુવતીની શાળા જવાના રસ્તે વચ્ચે અલીનૂરનું ઘર આવે છે.
સગીરાનું ધર્મપરિવર્તન કરાવી દેવાયું
બાંગ્લા ટ્રિબ્યુનના રિપોર્ટ અનુસાર, અલીનૂર સગીરાને ભગાડીને લઈ જાય તે પહેલાં જ તેનું ધર્મ પરિવર્તન પણ કરાવી દેવામાં આવ્યું હતું. 12 સપ્ટેમ્બરે નોટરી દ્વારા એફિડેવિટ કરીને હિંદુ સગીરાએ ધર્મ પરિવર્તન કરી લીધું હતું અને પોતાનું નવું મુસ્લિમ નામ પણ રાખી લીધું હતું. ટ્રિબ્યુનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એફિડેવિટ પર હસ્તાક્ષર કરનાર કુરીગ્રામના વકીલ સોહેલ રાણા બાબુ સાથેની વાતચીતમાં આ બાબતની પુષ્ટિ થઈ છે.
ઘટનાને લઈને હિંદુ-લઘુમતી સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે જ્યારે ઘરની બહાર પોસ્ટર લાગ્યું ત્યારે જ પોલીસે મામલાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હોત તો સગીરાનું અપહરણ ન થયું હોત. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે તેમણે પ્રાથમિક ફરિયાદ નોંધ્યા બાદ ગામ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું અને તપાસ ચાલી રહી હતી.
વધુમાં, પોલીસનું કહેવું છે કે બંને વચ્ચે પ્રેમસંબંધ હતો, જ્યારે પીડિતાનો પરિવાર આ બાબતનો ઇનકાર કરી રહ્યો છે. હાલ આ મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.