અમુક તારીખો માત્ર કેલેન્ડરની એક તારીખ ન રહી જતાં ઇતિહાસ બની જાય છે. 1992ની 6 ડિસેમ્બર આવો જ એક પવિત્ર અને ઐતિહાસિક દિવસ હતો, જ્યારે કારસેવા માટે એકઠા થયેલા લાખો કારસેવકોએ અયોધ્યાની રામજન્મભૂમિ પર ઇસ્લામી આક્રાંતા બાબરના સમયમાં તાણી બાંધવામાં આવેલો એક વિવાદિત ઢાંચો ધ્વસ્ત કરીને દેશના માથેથી કલંક કાયમને માટે હટાવી દીધું.
6 ડિસેમ્બર, 1992ના દિવસે ‘બાબરી ધ્વંસ’ની ઘટના બની તેની ઉપર ઘણું બધું લખાયું છે. હમણાં સમય થોડો બદલાયો, અલ્ટરનેટિવ મીડિયા અને ખાસ કરીને સોશિયલ મીડિયા આવ્યું એટલે આપણે સિક્કાની બીજી બાજુ પણ જોઈએ છીએ, પણ એ સમય તો એવો હતો કે મેઇનસ્ટ્રીમ મીડિયામાં સેક્યુલરવાદીઓનું એકહથ્થુ શાસન ચાલતું હતું. આ ઘટના પછી પણ અખબારો અને ખાસ કરીને અંગ્રેજી અખબારોએ હિંદુઓને આડેધડ ઝૂડ્યા હતા. તેમને કોમવાદી ગણાવાયા હતા, સેક્યુલર પત્રકારોએ હિંદુઓને, હિંદુવાદીઓને ભાંડ્યા હતા અને આ ઘટનાને ‘શરમજનક’ ઘટનામાં ખપાવવાના પૂરેપૂરા પ્રયાસ કર્યા હતા.
બીજી તરફ, ગણ્યાગાંઠ્યા હતા પણ એવા પત્રકારો પણ હતા જેમણે હિંદુઓનો, હિંદુત્વનો અને કારસેવકોનો પક્ષ લઈને આ ઘટનાને વધાવી લીધી હતી. જેમણે સેક્યુલરબાજોને ઉઘાડા પાડ્યા હતા, તેમનાં કારસ્તાનોને પડકાર્યાં હતાં. અમુક પત્રકારોએ સ્થળ પર જઈને આ ઘટના નજરે જોઈ હતી અને તથ્યો સામે લાવીને મેઇનસ્ટ્રીમ મીડિયાનાં પ્રપંચોને પડકાર ફેંક્યો હતો. ગુજરાતી ભાષાના આવા જ ત્રણ વરિષ્ઠ પત્રકારો પાસેથી આ છઠ્ઠી ડિસેમ્બરની ઘટનાને થોડા જુદા પર્સ્પેક્ટિવથી જોઈએ.
‘ઢાંચાને તૂટતાં મેં નજરે જોયો હતો’: વિક્રમ વકીલ
વરિષ્ઠ પત્રકાર અને હોટલાઇન ન્યૂઝના તંત્રી વિક્રમ વકીલ તે સમયે મુંબઈથી સ્વ. કાંતિ ભટ્ટના તંત્રીપદે પ્રકાશિત થતા મેગેઝિન ‘અભિયાન’ માટે કામ કરતા. બાબરી ધ્વંસની ઘટના બની ત્યારે અયોધ્યામાં જે દોઢસો-બસો પત્રકારો હજાર હતા, તેમાંથી વિક્રમ વકીલ એક. ગુજરાતમાંથી તેઓ એકમાત્ર પત્રકાર હતા, જેમણે આ ઘટના ગ્રાઉન્ડ પર રહીને કવર કરી હતી.
એ દિવસોને યાદ કરતાં વિક્રમભાઈ કહે છે કે, “ત્રણ ડિસેમ્બરના દિવસે હું અને મારા કૅમેરામેન ‘સાબરમતી એક્સપ્રેસ’માં અયોધ્યા જવા માટે નીકળ્યા હતા. ટ્રેન ખીચોખીચ ભરેલી હતી અને મોટાભાગના કારસેવકો હતા. પણ સૌ હળવા મૂડમાં હતા. કોઈને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે તેઓ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા જઈ રહ્યા છે.”
લગભગ ચાળીસેક કલાકની મુસાફરી પછી તેઓ પહેલાં લખનૌ પહોંચ્યા. અહીં થોડું રિપોર્ટિંગ કર્યા પછી આગલું સ્ટોપ અયોધ્યા હતું. વિક્રમ વકીલ જણાવે છે કે, ત્યારે કોઈ ટેક્સીચાલક અયોધ્યા આવવા માટે તૈયાર ન હતો. કારણ એ હતું કે 1990માં પણ કારસેવા થઈ હતી અને ત્યારે UPમાં મુલાયમ સિંહ યાદવની સરકાર હતી. તેમણે કારસેવકો પર ગોળીબારના આદેશ આપી દીધા હતા અને તેના કારણે કેટલાય કારસેવકો બલિદાન થઈ ગયા હતા. પણ 1992માં સ્થિતિ જુદી હતી. UPમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને કલ્યાણ સિંહ મુખ્યમંત્રી હતા. વિક્રમભાઈ કહે છે કે, આ બધી સમજ પાડી ત્યારે એક ટેક્સીચાલક અયોધ્યા આવવા માટે તૈયાર થયો હતો.
અયોધ્યામાં ત્યારનો જે માહોલ હતો તેને વર્ણવતાં તેઓ જણાવે છે કે, આખું નગર કેસરિયા રંગે રંગાઈ ગયું હતું. દેશભરમાંથી લાખોની સંખ્યામાં કારસેવકો આવી રહ્યા હતા. ઠેરઠેર તેમના જમવા-રોકાવાની વ્યવસ્થાઓ થઈ હતી. સૌના ગળામાં કેસરી પટ્ટા હતા. ‘જય શ્રીરામ’ના નારાઓ લાગતા હતા. બહેનો જેઓ નગરમાં પ્રવેશે તેમને તિલક કરતી હતી. એક ઉત્સવ જેવો માહોલ હતો અને સૌ હળવા મૂડમાં હતા. કારણ કે આયોજન તો માત્ર પૂજાનું હતું.
આયોજન એ પ્રકારનું હતું કે બાબરીની આગળની 2.77 એકર જમીન પર કારસેવા (પૂજા) કરવામાં આવે અને આસપાસ બાઉન્ડ્રી બનાવવામાં આવી હતી. કારસેવકોએ તેની આસપાસ એકઠા થવાનું હતું અને પૂજાના સાક્ષી બનવાનું હતું. તેમના માટે એક જ રસ્તો હતો અને સૌને ઓળખપત્રો આપીને અંદર પ્રવેશ આપવામાં આવતો હતો. સાથે RSSના કાર્યકરો સુરક્ષા સાચવવા માટે ઠેરઠેર તહેનાત હતા.
વિક્રમ વકીલ યાદ કરીને કહે છે, “બપોરે લગભગ 11:45 કલાકે પહેલો પથ્થર બાબરીના ગુંબજ પર પડ્યો અને અફરાતફરી મચી ગઈ. ત્યારપછી તો પથ્થરો આવવાના શરૂ થયા. ત્યાં સુધીમાં પાછળના ભાગેથી કારસેવકોનું એક જૂથ હાથમાં ભગવો ધ્વજ લઈને બાબરીના ગુંબજ પર ચડી ગયું હતું. ત્યારબાદ આસપાસથી પણ કારસેવકો દોડ્યા અને ગુંબજ તરફ આગળ વધવા માંડ્યા.”
બીજી તરફ, અડવાણી અને ઉમા ભારતી સહિતના નેતાઓ સ્ટેજ પરથી કારસેવકોને વિનંતી કરી રહ્યા હતા, પણ પરિસ્થિતિ તેમના નિયંત્રણની બહાર જતી રહી હતી. કારસેવકોએ બેરિકેડિંગ તોડી નાખીને આગળ વધવાનું શરૂ કર્યું અને ત્યારપછી આંધ્રપ્રદેશનું જૂથ આવ્યું હતું, તેમણે બેરિકેડ જ ઉખાડીને ફેંકી દીધાં હતાં અને સાથીઓ માટે રસ્તો કરી આપ્યો હતો. કારસેવકો આવતા ગયા અને જે હાથમાં આવ્યું તે લઈને ગુંબજ તોડતા ગયા. લગભગ 4:50 વાગ્યા સુધીમાં તો અંતિમ ગુંબજ ધ્વસ્ત પણ કરી દેવામાં આવ્યો હતો અને જમીન સમતળ કરી દેવાઈ હતી.
પત્રકારોની બદમાશીના કારણે કારસેવકોએ તેમને ઘેરી લીધા હતા
દરમ્યાન કારસેવકોએ અમુક પત્રકારોને પણ ઘેરી લીધા હતા. વિક્રમભાઈ આની પાછળનું પણ કારણ જણાવે છે. બન્યું હતું એવું કે છઠ્ઠી પહેલાં જ્યારે દેશભરમાંથી કારસેવકો અયોધ્યામાં આવી રહ્યા હતા ત્યારે અમુક અંગ્રેજી અને હિન્દી અખબારોએ કારસેવકોને સરખું ભોજન ન મળતું હોવાના, કે તેમના માટે સરખી કોઈ વ્યવસ્થા ન હોવાના તદ્દન બોગસ અને ખોટા અહેવાલો છાપ્યા હતા. જેના કારણે કારસેવકોને તેમની સામે પણ આક્રોશ હતો. બાબરી ધ્વંસ સમયે પછી એ જોવા મળ્યો.
અયોધ્યાને એ દિવસોમાં નજરે જોનાર પત્રકાર જણાવે છે કે, ત્યાં ખરેખર કારસેવકો માટે ખૂબ સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને દરેક રાજ્યના કારસેવકો માટે અલાયદી અને પૂરતી વ્યવસ્થા હતી. એટલે જે અહેવાલો પ્રકાશિત થયા હતા તેમાં કોઈ હકીકત નથી.
એ ઘટનાઓને યાદ કરીને વિક્રમ વકીલ કહે છે, “એ સ્વયંસ્ફુરિત ઘટના હતી તેમાં કોઈ શંકા નથી. કારસેવકો પૂજા માટે જ આવ્યા હતા અને તેમની પાસે એવાં કોઈ સાધનો પણ ન હતાં. જે ઢાંચો તોડ્યો એ આસપાસથી જે મળ્યું તેનો જ ઉપયોગ કરીને તોડ્યો હતો. બીજી બાજુ સ્ટેજ પરથી નેતાઓ સતત અપીલ કરતા રહ્યા, પણ સ્થિતિ તેમના નિયંત્રણમાં પણ ન હતી.”
’22 જાન્યુઆરી જ છઠ્ઠી ડિસેમ્બરના કારણે આવી’: સૌરભ શાહ
ખૂબ વંચાતા લેખક અને રાષ્ટ્રવાદી પત્રકારોમાં જેમનું નામ આદરપૂર્વક લેવાય છે એવા સૌરભ શાહ તે સમયે મુંબઈથી હસમુખ ગાંધીના તંત્રીપદે પ્રકાશિત થતા અખબાર ‘સમકાલીન’માં કૉલમ લખતા. 6 ડિસેમ્બરની ઘટના બાદ સેક્યુલર મીડિયાએ જે બદમાશી કરી તેની સામે પડીને તેમનાં કારસ્તાનો ઉઘાડાં પાડવાનું કામ જે-તે સમયે સૌરભ શાહ અને તેમના જેવા અમુક રાષ્ટ્રવાદી પત્રકારોએ કર્યું હતું.
6 ડિસેમ્બરનો દિવસ યાદ કરતાં તેઓ કહે છે કે, “એ દિવસે રવિવાર હતો. મારે મુંબઈના નરીમાન પોઈન્ટ પર આવેલા એક હૉલમાં એક કાર્યક્રમમાં જવાનું હતું. કાર્યક્રમ બપોર સુધી ચાલ્યો અને એ પતાવીને હું ત્યાંથી થોડા જ અંતરે આવેલા એક્સપ્રેસ ટાવરના બીજા માળે આવેલી સમકાલીનની ઑફિસે પહોંચ્યો. હું જોકે 1992નાં ઘણાં વર્ષ પહેલાં સમકાલીન છોડી ચૂક્યો હતો, પણ 1991ની આસપાસ ગાંધીભાઈએ (હસમુખ ગાંધી, સમકાલીનના તંત્રી) મારી પાસે અઠવાડિયે ત્રણ કૉલમ લખાવવાનું શરૂ કર્યું હતું. હું આમ જ ઑફિસની ઉડતી મુલાકાતે પહોંચ્યો હતો.”
તેઓ યાદ કરે છે, “રવિવાર હોય એટલે આમ પણ સ્ટાફ ઓછો જ હોય. તે દિવસે તો સાવ ઓછો હતો. ‘સમકાલીન’ની ઑફિસમાં સન્નાટો હતો. ટીવી પર દૂરદર્શનની ચેનલ ચાલતી હતી. સમાચાર આવતા હતા કે બાબરીના ઢાંચાનો પ્રથમ ગુંબજ તોડી પાડવામાં આવ્યો છે. પછી બાકીના ગુંબજો પણ તૂટ્યા અને શહેરમાં કર્ફ્યૂ જેવી શાંતિ પથરાઈ ગઈ. દૂર રહેતા ‘સમકાલીન’ના અમુક સભ્યોએ પણ રજા લઈ લીધી હતી.”
સૌરભ શાહ જણાવે છે, “સ્ટાફ ઓછો હતો અને કામનું ભારણ વધારે હતું. હું ગાંધીભાઈના કહેવાની રાહ જોયા વગર જ ડેસ્ક પર બેસી ગયો અને ટ્રાન્સલેશનનું કામ શરૂ કરી દીધું. ટેલિપ્રિન્ટર પર ટેક્સ્ટ આવતાં જતાં હતાં અને અમે કામ કરતા જતા હતા. છેક મોડી રાત્રિ સુધી એ ચાલ્યું અને અખબાર પ્રેસમાં ગયું પછી અમે ટ્રેન પકડીને ઘરે પહોંચ્યા.”
તેઓ યાદ કરીને કહે છે, “બીજા દિવસનાં છાપાં વાંચીને મગજ ફાટફાટ થતું હતું. અંગ્રેજી છાપાંએ બાબરી ઢાંચાને ‘મસ્જિદ’ ગણાવીને હિંદુઓને ભાંડવાનું શરૂ કરી દીધું હતું. દેશભરનાં છાપાંનો એ જ કકળાટ હતો. આ બધું વાંચીને બીજા દિવસે મેં બુધવારે ‘સમકાલીન’માં પ્રકાશિત થતી મારી કૉલમ માટે એક લેખ લખ્યો. પણ લખ્યા પછી લાગ્યું કે મારા પ્યૂન સાથે મોકલું તેના કરતાં હું જાતે જ ‘સમકાલીન’ની ઑફિસે જઈને ગાંધીભાઈને આપી આવું. કારણ કે લેખ બહુ જલદ હતો.”
સૌરભભાઈ કહે છે કે, “તે વખતે મારા લેખો ગાંધીભાઈ સીધા જ ટાઇપસેટિંગમાં આપી દેતા હતા. આ લેખ પણ મેં તેમની ચેમ્બરમાં જઈને આપ્યો તો તેમણે મને સીધો ટાઇપસેટિંગમાં જ આપવા કહ્યું, પણ મેં તેમને વાંચી જવાનો આગ્રહ કર્યો. તેમણે માત્ર મારા લેખનું મથાળું વાંચ્યું, પહેલા પાના પર નજર ફેરવી અને પછી તેઓ જે લેખ લખી રહ્યા હતા તે પાનાં મારી તરફ ફેરવ્યાં. ત્યારબાદ પ્યુનને બોલાવીને મારો લેખ ટાઇપસેટિંગમાં મોકલાવી દીધો. મેં જોયું કે મેં તે સ્ટેન્ડ લીધું હતું, તેવું જ સ્ટેન્ડ તેમણે પણ પોતાના તંત્રીલેખ માટે લીધું હતું. પછીથી તેમનો લેખ પહેલા પાને અને મારો લેખ કૉલમના સ્થાને છપાયો.”
આ બાબરી ધ્વંસની ઘટના પછી અંગ્રેજી મીડિયાએ જે કારસ્તાન કર્યાં, જે રીતે હિંદુઓ વિરુદ્ધ રીતસરનું કેમ્પેઇન ચલાવ્યું, તેની સામે સૌરભ શાહે જે-તે સમયે ખૂબ લખ્યું અને મુખરતાથી લખ્યું. તેમના આ લેખનો સંગ્રહ કરીને પછીથી ‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તક થયું. દરેક ગુજરાતી રાષ્ટ્રવાદીએ વાંચવા જેવા આ પુસ્તક વિશે પણ આપનો વિશ્વાસુ લખી ચૂક્યો છે.
બાબરી ધ્વંસની ઘટના પર તેઓ કહે છે કે, “એ ઘટના બનવાની જ હતી. કોઈ પણ સંજોગોમાં બની જ હોત. કલ્યાણ સિંહ સત્તા પર હતા એટલે ગોળીઓ ન ચાલી અને તેનો શ્રેય તેમને જ જવો જોઈએ. પરંતુ જો બીજી કોઈ સરકાર હોત અને ગોળીઓ ચાલી હોત તોપણ કારસેવકો ગોળીઓ ખાઈને પણ ગુંબજ પર ચડી ગયા હોત. પરંતુ આ ઘટના બની હોત એ વાત પાક્કી.”
‘આ પવિત્ર દિવસ, હિંદુઓએ ક્યારેય ભૂલવો ન જોઈએ’
6 ડિસેમ્બર, 1992ને પવિત્ર તારીખ ગણાવીને તેઓ કહે છે કે, “જે રીતે 27મી ફેબ્રુઆરીનો ગોધરા હિંદુ હત્યાકાંડ ક્યારેય ન ભૂલી શકાય, જેવી રીતે 22 જાન્યુઆરી, 2024નો દિવસ ક્યારે ન ભૂલી શકાય, એ જ રીતે 6 ડિસેમ્બરની ઘટના પણ ક્યારેય ભૂલવી ન જોઈએ. દરેક હિંદુએ યાદ રાખવાનો આ પવિત્ર દિવસ છે. કારણ કે 6 ડિસેમ્બરની ઘટના બની, તો જ 22 જાન્યુઆરી પણ બની શકી. નહીંતર એ તારીખ જ ન આવી હોત, એ દિવસ જ ન આવ્યો હોત“
સૌરભ શાહ આગળ કહે છે, “હું તો 6 ડિસેમ્બરને 15 ઑગસ્ટ સાથે સરખાવું છું. જે રીતે 15મી ઑગસ્ટે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા, એ જ રીતે આ છઠ્ઠી ડિસેમ્બરે આપણે સેક્યુલરોની ચુંગાલમાંથી છૂટ્યા. આ ઘટનાએ એક અલગ પત્રકારત્વને પણ જન્મ આપ્યો, જેનો ભાગ હું પણ રહ્યો છું.”
સૌરભ શાહ કહે છે કે, “અંગ્રેજી મીડિયાનું તે સમયનું જે વલણ હતું અને આજના મીડિયાનું જે વલણ રહે છે, એ સુપર ફિશિયલ છે. તેમનું ઝેર યથાવત છે, ને દ્વિગુણિત કે ત્રિગુણિત થયું છે. પણ હવે તેમને કરવા ખાતર પણ બેલેન્સિંગ કરવું જ પડે છે. ખાસ કરીને 2014 પછી તો સમય બદલાયો છે. એક પેરેલલ મીડિયા ઊભું થયું, જેમાં ઑપઇન્ડિયાનું નામ મોખરે આવે, તેના કારણે આ સેક્યુલર ટોળકીઓએ પણ બેલેન્સ કરવું પડે છે. જે રીતે રાહુલ ગાંધીએ ટીલાં-ટપકાં કરીને મંદિરે-મંદિરે ફરવું પડે છે, એવી જ હાલત હાર્ડકોર સેક્યુલરોની પણ થઈ છે.”
‘હિંદુઓમાં ખુશીનો માહોલ હતો, પણ અખબારોમાં ખુલીને લખવાની હિંમત ન હતી’: વીરેન્દ્ર પારેખ
જન્મભૂમિ વ્યાપારના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર વીરેન્દ્ર પારેખ પણ ઑપઇન્ડિયા સાથે વાત કરતી વખતે સંસ્મરણો વાગોળે છે. તેઓ તે સમયે ‘સમકાલીન’માં કામ કરતા હતા. તેઓ કહે છે કે, “એ દિવસે રવિવાર હોવાથી હું ઘરે હતો. હિંદુઓમાં અત્યંત ખુશીનો માહોલ હતો અને ઘણાં ઘરમાં લાપસીનાં આંધણ મૂકાયાં હતાં. જોકે માહોલ એવો હતો એટલે હિંદુઓ જાહેરમાં ઉજવણી કરવાથી કચવાતા હતા.”
ઘટના વિશે તેઓ કહે છે કે, “અંગ્રેજી અખબારો તો તે સમયે છાજિયાં લેતાં હતાં. ગુજરાતનાં પણ અખબારોમાં એ હિંમત ન હતી કે ખુલીને લખે. એ સમય એવો હતો કે હિંદુતરફી એક શબ્દ લખવો પણ અશક્ય હતો. માત્ર ‘સમકાલીને’ લખ્યું હતું. ત્યારે હસમુખ ગાંધીએ મારી પાસે એક લેખ લખાવ્યો હતો, જે પછી બીજા દિવસે પ્રકાશિત થયો.”
તેઓ જણાવે છે કે, “આ ઘટના કોઈ પણ સંજોગોમાં ઘટવાની જ હતી. કારસેવકોમાં એક આક્રોશ હતો અને એ વર્ષોનો આક્રોશ હતો. આપણા માટે તો આ ગૌરવની વાત છે. એ દિવસ ગર્વ લેવાનો દિવસ છે.”