Saturday, April 13, 2024
More
  હોમપેજવિશેષ‘અયોધ્યાથી ગોધરા’ અને મેઈનસ્ટ્રીમ મીડિયા અને સ્યુડો સેક્યુલરોની બદમાશી સુધી

  ‘અયોધ્યાથી ગોધરા’ અને મેઈનસ્ટ્રીમ મીડિયા અને સ્યુડો સેક્યુલરોની બદમાશી સુધી

  આજે ગોધરા હત્યાકાંડને 22 વર્ષ પૂર્ણ થયાં. વરસો વીતતાં રહેશે, પરંતુ આ ઘટનાઓ, તેની પાછળનો ઇતિહાસ, ત્યારપછી બનેલી ઘટનાઓ અને તેનાં પરિણામો-દુષ્પરિણામો આપણને યાદ રહે તે બહુ જરૂરી છે.

  - Advertisement -

  આજે 27મી ફેબ્રુઆરી. અયોધ્યાથી કારસેવકોને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસ ગોધરા રેલવે સ્ટેશને આવીને ઉભી રહી ત્યારે પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે મુસ્લિમ ટોળાએ બહારથી 2 ડબ્બા બંધ કરીને આગ લગાવી દીધી હતી એ ઘટનાને આજે બરાબર 22 વર્ષ પૂર્ણ થયાં. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે જેહાદી મુસ્લિમોને દોષ આપવાને બદલે હિંદુઓને જ જવાબદાર ઠેરવવા માટે બદમાશ સેક્યુલર ટોળકી દ્વારા જે ઘટનાનો આધાર લેવામાં આવ્યો તેવી એક બીજી ઘટના એટલે 6 ડિસેમ્બર, 1992ના દિવસે બનેલી બાબરીધ્વંસની ઘટના, જ્યારે રામભક્ત કારસેવકોએ રામજન્મભૂમિ પર બનેલો એક વિવાદિત ઢાંચો તોડી પાડ્યો. (તેનાં 34 વર્ષ પછી નરેન્દ્ર મોદીએ પ્રભુ રામલલાને ભવ્ય મંદિરમાં બિરાજમાન કરાવીને અધૂરું કાર્ય પૂર્ણ કર્યું.)

  આ બંને ઘટનાઓ પછી સેક્યુલરો અને ડાબેરીઓની એક સામૂહિક ટોળકીએ હિંદુઓને બદનામ કરવા માટે, તેઓ અપરાધભાવ અનુભવે અને ફરી ક્યારેય ‘રામ’નો ‘ર’ પણ ન બોલી શકે તેવી સ્થિતિ પેદા કરવા માટે જે કંઈ પણ થઈ શકતું હતું એ બધું જ કર્યું. આ ટોળકીના મુખ્ય હથિયાર મેઈનસ્ટ્રીમ મીડિયાએ પણ આતંક મચાવ્યો અને કથિત ‘સ્વતંત્રતા’નો બેફામ ઉપયોગ કર્યો. 

  તે સમયે જેમણે સભાનપણે આંખ-કાન ખુલ્લાં રાખીને આ બધું જોયું-સમજ્યું હોય તેને કદાચ ખબર હોવાની. પણ એવા જૂજ લોકો હશે. પબ્લિક ડોમેનમાં તો આ બધું આવે તે પહેલાં જ દબાઈ ગયું, કારણ કે ત્યારે તો સરકારો પણ ‘તેમની’ હતી અને સિસ્ટમ તો ખેર 2014 સુધી તો હતી જ. વધુમાં જેઓ અત્યારે ‘સાચાને સાચું કહેવાની’ અને ‘નીડરતાથી અવાજ ઉઠાવવાની’ ફાંકા ફોજદારી કરતા રહે છે તેવા તટસ્થ લેખકો અને પત્રકારો પણ કાં તો મૂંગા રહ્યા હતા અથવા તો જેમણે લખ્યું તેમણે પણ ખૂલીને એક પક્ષ ન લીધો. પણ અપવાદો બધે જ હોવાના. બહુ ઓછા પત્રકારોએ બદમાશ શિયાળોની ટોળકીને પડકારી હતી અને તેમને છેડેચોક ઉઘાડા પાડ્યા હતા. ગુજરાતના વાચકોમાં ખૂબ આદર પામેલા અને એટલા જ વંચાયેલા પત્રકાર અને લેખક સૌરભ શાહ એક એવું જ નામ. 

  - Advertisement -

  1992 અને 2002ની ઘટનાઓ પછી તેમણે ખુલીને હિંદુત્વ અને રાષ્ટ્રવાદનો પક્ષ લઈને લખ્યું. મેઈનસ્ટ્રીમ મીડિયાને અખબારના પાને જ ખુલ્લું પાડ્યું. હમણાં તો ઠીક છે કે હિન્દુત્વની વાત કરો તો તમને કોમવાદી ગણાવી દેવામાં નથી આવતા, પણ ત્યારે તો માહોલ એવો જ હતો. (અમે 1995ની સ્થિતિ તો જોઈ નથી, પણ છેક 2015 સુધી પણ આવી સ્થિતિ હતી, એ બાબતથી વાકેફ છીએ.) તેમ છતાં તેમણે પ્રમાણપત્રોની પરવા કર્યા વગર લખ્યું. આ બધાં જ કીમતી લખાણોનું પછીથી એક પુસ્તક થયું, તે આ ‘અયોધ્યાથી ગોધરા.’

  ‘અયોધ્યાથી ગોધરા’ની પહેલી આવૃત્તિ 2003માં આવી. 2024માં તેનું ફરી પુનર્મુદ્રણ થયું છે. આ પુસ્તકમાં શું છે? તેનું મુખપૃષ્ઠ કહે છે- ‘સ્વસ્થ હિંદુત્વનો વિરોધ કરતા મુસ્લિમવાદી સેક્યુલરિઝ્મને કારણે 1992થી 2002 વચ્ચે સર્જાયેલી ઘટનાઓનો દુર્લભ દસ્તાવેજી ઇતિહાસ.’

  ઊઘડતા પાને તમારી સામે પહેલો લેખ આવવાનો- ‘ગોધરાના હત્યાકાંડની જવાબદારી કોની?’ 27મી ફેબ્રુઆરીની ઘટના પછી પહેલી માર્ચે મુંબઈથી પ્રકાશિત થતા દૈનિક મિડ-ડેના પહેલા પાને આ તંત્રી લેખ લખાયો. (પુસ્તકના લેખક ત્યારે મિડ ડેના તંત્રી હતા. પછીથી આ જ લેખના કારણે તેમણે અખબાર છોડવું પડે એવી સ્થિતિ ઊભી થઈ તો ઈમાનને અગ્રિમતા આપીને તેમ પણ કર્યું. તેની વધુ વિગતો પુસ્તકમાં છે. વાંચજો.) 

  તમને 2002ની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના વિશે કંઈ પણ ખબર ન હોય તો આ લેખ વાંચશો. તમે આ ઘટના વિશે બધું જ જાણતા હો તોપણ વાંચજો. તો બે વખત વાંચજો. ગોધરાના હિંદુ હત્યાકાંડ બાદ મુસ્લિમોને ક્લીન ચીટ આપીને હિંદુઓને જ આડેધડ ઝૂડી કાઢવાની જે બદમાશીઓ કરવામાં આવી તેનો જવાબ ગણો તો જવાબ અને સવાલ ગણો તો સવાલ, શું હોય શકે? તો આ લેખ તેનું ઉદાહરણ છે. એક-એક શબ્દ આમ તો સો ટચના સોના જેવો છે, પણ લેખની વૈચારિક સ્પષ્ટતા સમજવા માટે આ એક વાક્ય પૂરતું થયું- ‘રામ મંદિર બાંધવા ન દેવાની સ્યૂડો સેક્યુલરો અને મુસલમાનોની નેતાગીરીની જીદથી ગોધરા હત્યાકાંડ સર્જાયો છે.’ 

  અત્યારે સોશિયલ મીડિયા અને પછીથી આવેલા સમાનાંતર મીડિયાના જમાનામાં પણ મેઈનસ્ટ્રીમ મીડિયાની બદમાશીઓ ઓછી જરૂર થઈ છે, પણ સુધરીને ડાહ્યું-ડમરું થઈ ગયું હોય તેમ નથી. હજુ પણ હિંદુ શોભાયાત્રા પર મુસ્લિમ ટોળું હુમલો કરે ત્યારે ચાંપલી વામપંથનો અને તેમના બદમાશ સેક્યુલર ભાઈઓ કૅમેરાની સામે આવીને પૂછતાં રહે છે કે આખરે હિંદુઓ યાત્રા લઈને મુસ્લિમ વિસ્તારમાં કેમ ગયા હતા? આવા તમારી આસપાસ જ છે, શોધવા માટે બહુ મહેનત કરવાની જરૂર નહીં પડે. નહીં મળે તો અમે પકડી-પકડીને તમને બતાવીશું. આ ઘટનાઓ જ્યારે બની ત્યારે આ ટોળકી પાસે મોકળું મેદાન હતું. તેનો તેમણે ખૂબ લાભ (રાધર ગેરલાભ) ઉઠાવ્યો અને હિંદુઓ વિરુદ્ધ ખૂબ લખ્યું. 1992ની ઘટના વખતે ટીવી ચેનલો ન હતી, 2002માં તેનું દૂષણ પણ ઉમેરાયું. 

  આ જ ધંધામાં રહીને મેઈનસ્ટ્રીમ મીડિયાની સામે પડવું કઠિન કામ છે. (તમારા બધાના આશીર્વાદથી આ લખનાર પણ આવું ‘સાહસ’ વારે-તહેવારો કરતો રહે છે.) ‘અયોધ્યાથી ગોધરા’નો એક મોટો ભાગ મીડિયાની આ બદમાશીઓને તમારી સામે લાવવાનું કામ કરે છે. એક ઉદાહરણ જુઓ. 

  ગોધરા હિંદુ હત્યાકાંડ બાદ 27મી એપ્રિલે એક અંગ્રેજી છાપાંએ ફ્રન્ટ પેજ રિપોર્ટ છાપીને દાવો કર્યો કે અમદાવાદની મુસ્લિમ સ્ત્રીઓ પર થયેલા બળાત્કાર અંગે પોલીસ એક પણ ફરિયાદ નોંધી રહી નથી. આ જ દાવાને બળ આપવા રિપોર્ટરે અડધો ડઝન દાખલા આપ્યા. લેખકે પોતાના લેખમાં આ તમામ છ કિસ્સાઓ ખોટા અને બનાવટી છે એ પૂરવાર કરી બતાવ્યું. આપણે હમણાં તેને ‘ફેક્ટચેક’ કહીએ. લેખનું મથાળું હતું- ‘અંગ્રેજી છાપાં હવે વાચકો પર બળાત્કાર કરતાં થઈ ગયાં છે’

  આવું જ છઠ્ઠી ડિસેમ્બર, ’92ની ઘટના પછી બન્યું. કારસેવકોને ‘ગુનેગારો’ ગણાવવાથી માંડીને બાબરીને ‘મસ્જિદ’ ગણાવવા સુધીની (ના, એ મસ્જિદ ન હતી. ઢાંચો હતો.) બદમાશીઓ થઈ. એક લેખમાં લખ્યું છે- ‘ભારતનાં અંગ્રેજી છાપાંઓએ ઝનૂની સેક્યુલરવાદને કારણે જેટલી કોમી ઉશ્કેરણી કરી છે એટલી ઉશ્કેરણી તો ખરેખર કોમવાદ ધોરણે પ્રગટ થતાં ઉર્દૂ છાપાંઓએ પણ નથી કરી.’ આખું પુસ્તક વાંચી ગયા બાદ તમે ફરી વાંચશો તો આમાં અતિશયોક્તિ નહીં જણાય. 

  ‘સેક્યુલર’ અને ‘લિબરલ’ જેવા શબ્દો કાળક્રમે ગાળ કેમ બની ગયા, તે સમયના ઝનૂની, કોમવાદી અને મુસ્લિમવાદી સેક્યુલરિઝ્મના કારણે કેવી-કેવી ઘટના-દુર્ઘટનાઓ સર્જાઈ અને રાષ્ટ્રવાદી હોવું કે હિન્દુત્વવાદી હોવું એટલે શું- જેવા અનેક પ્રશ્નોના જવાબ તમને અહીંથી મળી રહેવાના. 

  આ પુસ્તક વાંચવા માટેનાં મારી-તમારી પાસે ઘણાં કારણો છે. આજે ભલે તમારી સામૂહિક શક્તિના જોરે એવા માણસોને સત્તા પર બેસાડ્યા છે જેના કારણે શિયાળોની ટોળકી ચૂપ છે. શાંતિથી બખોલમાં ભરીને બેસી રહી છે. પણ જ્યારે તક મળે ત્યારે તેઓ તમારી વિરુદ્ધ શું-શું કરી શકે છે અને કેવાં કાવતરાં કરી શકે છે તે જાણવા માટે આ પુસ્તક તમારી રેક પર હોવું આવશ્યક છે.

  આજે ગોધરા હત્યાકાંડને 22 વર્ષ પૂર્ણ થયાં. વરસો વીતતાં રહેશે, પરંતુ આ ઘટનાઓ, તેની પાછળનો ઇતિહાસ, ત્યારપછી બનેલી ઘટનાઓ અને તેનાં પરિણામો-દુષ્પરિણામો આપણને યાદ રહે તે બહુ જરૂરી છે. ખાસ કરીને એવા સમયે જ્યારે બદમાશોની એક ટોળકી આપણને ભૂલાવી દેવા માટે મહેનત કરી રહી હોય. એ યાદ રહે તે માટે આવાં સાહિત્યો અને અન્ય સામગ્રી પાસે હોવી જરૂરી છે. 

  અંતે બે વાત.

  આ પુસ્તક 2003માં પહેલી વખત પ્રગટ થયું. 2024માં તેનું ફરીથી મુદ્રણ થયું. હવે દર વર્ષે લેખકો-પ્રકાશકોએ મહેનત કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની જવાબદારી આપણી. લખનારે અને છાપનારે તેમનું કામ કરી દીધું છે. 

  બીજી. આ પુસ્તક કે તેના વિષયો પર વાત કરતી વખતે તમને કોમવાદીમાં ખપાવી નાખવામાં આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. તો તેમાં બીજું વધુ કહેવાનું રહેતું નથી. પ્રસ્તાવનાનો અંતિમ ફકરો જ તેનો જવાબ છે. વાંચો. ‘તમે તમારા રાષ્ટ્રનું ઉપરાણું લેતા હો ત્યારે તમને રાષ્ટ્રવાદી કહેવામાં આવે તો પછી તમે હિંદુ તરીકે તમારા ધર્મનું, તમારી કોમનું ઉપરાણું લેતા હો ત્યારે કેટલાકે ભાનભૂલેલા સેક્યુલરવાદી ઝનૂનીઓ તમને હિંદુવાદી અને કોમવાદી કહે તો ભલે કહે. એમને ગૌરવભેર તમારે કહેવું જોઈએ કે હા, હું રાષ્ટ્રવાદી છું અને તમે રાષ્ટ્રદ્રોહી છો, કોમદ્રોહી છો.’

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં