Saturday, April 13, 2024
More
  હોમપેજસ્પેશ્યલરાહુલ ગાંધીને સજા થયા બાદ કોંગ્રેસનાં રેણુકા ચૌધરીએ કહ્યું- હું પણ મોદી...

  રાહુલ ગાંધીને સજા થયા બાદ કોંગ્રેસનાં રેણુકા ચૌધરીએ કહ્યું- હું પણ મોદી સામે બદનક્ષીનો દાવો માંડીશ: પણ આ તૂત તેમને જ હાંસીપાત્ર ઠેરવશે, આ રહ્યાં કારણ

  પોલિટિકલ ઓક્સિજન મેળવવાની અને વફાદારી સાબિત કરવાની લ્હાયમાં આ નવું તૂત ઉભું કરીને રેણુકા ચૌધરીએ પોતાની જ હાંસી ઉડે તેવું કામ કર્યું છે.

  - Advertisement -

  ગુરુવારે (23 માર્ચ, 2023) સુરતની કોર્ટે ચાર વર્ષથી ચાલતા એક બદનક્ષીના કેસમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા અને 2 વર્ષની સજા સંભળાવી. 2019માં લોકસભા ચૂંટણી વખતે તેમણે ભાષણમાં મોદી સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી નાંખી હતી, જેને લઈને સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે કેસ કર્યો હતો અને જેનો ચુકાદો ગુરુવારે આવ્યો. 

  કોર્ટે પણ માન્યું કે રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં એક સમુદાયનું અપમાન કર્યું હતું અને જેના કારણે તેઓ સજાને પાત્ર છે. તેમને IPCની કલમ 499 અને 500 હેઠળ 2 વર્ષની સજા થઇ છે. જોકે, સજા વિરુદ્ધ ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે રાહુલને જામીન આપી દેવામાં આવ્યા હતા. પરંતુ સજા સંભળાવવામાં આવી હોવાના કારણે એક ચર્ચા એ પણ શરૂ થઇ ગઈ હતી કે હવે રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ જોખમમાં છે. (આખરે, શુક્રવારે (24 માર્ચ, 2023) રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા.)

  કાયદા અનુસાર જો કોઈ MP, MLA કે MLCને કોઈ ગુનામાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો ચુકાદાના દિવસથી તેમનું સભ્યપદ રદ કરવામાં આવે. એક તરફ આ ચર્ચાઓએ વેગ પકડ્યો ત્યાં બીજી તરફ આ ચુકાદાને લઈને કોંગ્રેસી નેતાઓ ભૂરાંટા થયા છે. એક પછી એક નિવેદનો આવી રહ્યાં છે. નેતાઓમાં હોડ જામી છે કે કોણ રાહુલ ગાંધી સામેના આ ચુકાદાનો ભરપૂર વિરોધ કરીને એક પરિવાર પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરે. 

  - Advertisement -

  આમાં બાજી મારી ગયાં કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી. ઘણા તેમને ઓળખતા પણ નહીં હોય એટલે તેમની ઓળખાણ એ છે કે તેઓ કોંગ્રેસની સરકારમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યાં છે. 2012થી ‘18 સુધી રાજ્યસભા સાંસદ પણ હતાં. અચાનક તેમણે ટ્વિટર પર આવીને ઘોષણા કરી દીધી કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બદનક્ષીનો દાવો માંડશે!

  રેણુકા ચૌધરીએ ટ્વિટર પર નરેન્દ્ર મોદીના રાજ્યસભાના એક ભાષણની એક નાનકડી વિડીયો ક્લિપ શૅર કરીને તેમને ‘અતિમહત્વકાંક્ષી’ ગણાવીને આરોપ લગાવ્યો કે મોદીએ સંસદમાં તેમને શૂપર્ણખા (રાવણની બહેન, રામાયણનું પાત્ર) સાથે સરખાવ્યાં હતાં. સાથે કહ્યું કે તેઓ મોદી સામે બદનક્ષીનો દાવો માંડશે અને પછી જોશે કે કોર્ટ કેટલી ઝડપથી નિર્ણય કરે છે. 

  પહેલાં એ જાણવું જરૂરી છે કે નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું અને ક્યારે કહ્યું હતું. જોકે, આમ તો આ કિસ્સો બહુ જાણીતો છે અને બહુ જૂનો પણ નથી. 

  કિસ્સો ફેબ્રુઆરી, 2018નો છે. પરંપરા મુજબ પીએમ મોદી બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર બોલી રહ્યા હતા. મોદી બોલતા હોય ત્યારે હોબાળો મચાવવાની, તેમને બોલવા ન દેવાની, બૂમબરાડા પાડીને સંસદને શાક માર્કેટ બનાવી દેવાની વિપક્ષી નેતાઓની જૂની ટેવ છે. અત્યારે પણ થાય છે ને ત્યારે પણ થયું હતું.

  ગૃહમાં મોદી બોલી રહ્યા હતા, સાંસદો તેમને સાંભળી રહ્યા હતા અને અચાનક ત્યાં હાજર રેણુકા ચૌધરીએ વિચિત્ર અવાજમાં અટ્ટહાસ્ય શરૂ કરી દીધું હતું. જોકે, મોદીએ તો બોલવાનું ચાલુ જ રાખ્યું પરંતુ તત્કાલીન ચેરમેન વૈંકેયા નાયડુએ તેમને વચ્ચેથી અટકાવીને રેણુકાને ટોક્યાં અને કહ્યું કે આ પ્રકારનું વર્તન તેઓ ગૃહમાં ચલાવી લેશે નહીં. 

  આ જ વખતે મોદીએ ચેરમેન નાયડુને વચ્ચેથી અટકાવીને હળવાશભર્યા સ્વરે એવું કહી દીધું કે પછી હસવાનો વારો બાકીના સાંસદોનો હતો. પીએમ મોદીએ રેણુકા ચૌધરીને બોલવા દેવા માટે વિનંતી કરીને કહ્યું હતું કે, “સભાપતિજી, મારી તમને પ્રાર્થના છે, રેણુકાજીને કંઈ ન કહો….રામાયણ સિરિયલ પછી આવું હાસ્ય સાંભળવાનું આજે સૌભાગ્ય મળ્યું છે.” આટલું કહેતાંની સાથે જ ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. 

  નરેન્દ્ર મોદીએ ક્યાંય શૂપર્ણખાનું નામ લીધું ન હતું

  અહીં મૂળ વાત આવે છે. નરેન્દ્ર મોદીએ ક્યાંય પણ શૂપર્ણખાનું નામ લીધું ન હતું. તેમણે કહ્યું હતું કે રામાયણ પછી પહેલી વખત આવું હાસ્ય સાંભળવા મળ્યું છે. રામાયણમાં અનેક પાત્રો હતાં. તેનો અર્થ એ થાય કે રેણુકા ચૌધરીએ જાતે જ ધારી લીધું કે તેમને શૂપર્ણખા સાથે સરખાવવામાં આવ્યાં હતાં? 

  નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રામાયણ પછી આવું હાસ્ય પહેલીવાર સાંભળવા મળ્યું છે. તેમણે કોઈ પાત્રનું નામ લીધું ન હતું કે રેણુકાને કોઈ ચોક્કસ પાત્ર સાથે સરખાવ્યાં ન હતાં. તો સવાલ એ છે કે તેમણે કઈ રીતે ધારી લીધું કે મોદીએ તેમને શૂપર્ણખા સાથે જ સરખાવ્યાં હતાં.

  સંસદમાં બોલાયેલા નિવેદનને કોર્ટમાં પડકારી શકાય નહીં 

  બીજી એક વાત એ છે કે સંસદમાં બોલાતા કોઈ પણ ભાષણને કોર્ટમાં પડકારી શકાતું નથી. આ કાયદો કહે છે. બંધારણના આર્ટિકલ 105માં સંસદના સભ્યોને અમુક વિશેષાધિકાર આપવામાં આવ્યા છે. જે અનુસાર, સંસદમાં તમામ સભ્યોને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવે છે અને ગૃહમાં કહેલી કોઈ પણ વાત કે મત સંદર્ભે તેમને દેશની કોઈ પણ કોર્ટમાં પડકારી શકાય નહીં.

  કાયદા અનુસાર, સંસદનો કોઈ પણ સભ્ય સંસદ કે સમિતિમાં કહેલી કોઈ પણ વાત કે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવેલા કોઈ પણ મત સંદર્ભે કોઈ પણ કોર્ટની કોઈ પણ કાર્યવાહી માટે જવાબદેહ હશે નહીં. એટલે નરેન્દ્ર મોદીએ શું કહ્યું ને શું ન કહ્યું તેની ચર્ચા વગર એટલું ચોક્કસ કહી શકાય સંસદમાં તેમણે જે કહ્યું હોય એ, પરંતુ તેમની સામે બદનક્ષીનો દાવો માંડી શકાય નહીં.

  તેમ છતાં આ તથ્યોને બાજુ પર મૂકીને માની પણ લઈએ કે રેણુકા ચૌધરી મોદી સામે કોર્ટ પહોંચી પણ ગયાં તો આડકતરી રીતે એવું સાબિત થશે કે તેઓ સ્વયં માને છે કે તેઓ શૂપર્ણખા જેવું હસે છે અને મોદીએ તેમને રામાયણના તે જ પાત્ર સાથે સરખાવ્યાં હતાં. કારણ કે પીએમ મોદીએ ક્યાંય કોઈનું નામ લીધું નથી!

  ટૂંકમાં પોલિટિકલ ઓક્સિજન મેળવવાની અને વફાદારી સાબિત કરવાની લ્હાયમાં આ નવું તૂત ઉભું કરીને રેણુકા ચૌધરીએ પોતાની જ હાંસી ઉડે તેવું કામ કર્યું છે, જ્યાંથી વહેલી તકે પાછા વળવાની જરૂર લાગી રહી છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં