Monday, October 7, 2024
More
    હોમપેજસ્પેશ્યલ‘કોઈ સાથ આપતું ન હતું ત્યારે ગોપાલે કરગરીને પાર્ટીમાં જોડાવા કહ્યું અને...

    ‘કોઈ સાથ આપતું ન હતું ત્યારે ગોપાલે કરગરીને પાર્ટીમાં જોડાવા કહ્યું અને પછી….’: એક સમયના સાથીએ ખોલી ગોપાલ ઇટાલિયા અને AAPની પોલ- એક્સક્લુઝિવ

    પારસ સોજીત્રા હાલ અમરેલીના PAAS કન્વીનર છે. તેઓ આમ આદમી પાર્ટીમાં પણ કામ કરી ચૂક્યા છે. પરંતુ કયા સંજોગોમાં તેમણે પાર્ટી છોડી હતી અને ગોપાલ ઇટાલિયાની શું ભૂમિકા રહી તે વિશે તેમણે વિગતે વાતચીત કરી હતી. 

    - Advertisement -

    “ત્યારે ગોપાલ સાથે કોઈ જોડાવા માટે તૈયાર ન હતું. તેમણે મને પણ અનેક વખત જોડાવા માટે ફોન કર્યા. અનેક વખત વાતચીત પછી મેં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો. થોડો સમય કામ કર્યું પણ પછી ધીમે-ધીમે પરિસ્થિતિ બદલાવા માંડી.” ઑપઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન આમ આદમી પાર્ટીના પૂર્વ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના એક સમયના સાથી અને PAAS કન્વીનર પારસ સોજીત્રા જણાવે છે.

    પારસ સોજીત્રા હાલ અમરેલીના PAAS કન્વીનર છે. તેઓ આમ આદમી પાર્ટીમાં પણ કામ કરી ચૂક્યા છે. પરંતુ કયા સંજોગોમાં તેમણે પાર્ટી છોડી હતી અને ગોપાલ ઇટાલિયાની શું ભૂમિકા રહી તે વિશે તેમણે વિગતે વાતચીત કરી હતી. 

    મુદ્દો ચર્ચામાં એટલા માટે આવ્યો કે હમણાં જ ગોપાલ ઇટાલિયાએ ફેસબુક પર એક પોસ્ટ કરીને લોકોને પૂછ્યું હતું કે ભૂતકાળમાં બનેલી એક ઘટના, બાબત કે વસ્તુ ડિલીટ કરવાનો વિકલ્પ આપવામાં આવે તો તેઓ શું ડિલીટ કરશે.

    - Advertisement -

    ઇટાલિયાની પોસ્ટ પર ઘણા લોકોએ કૉમેન્ટ કરી અને કોઈએ રમૂજ પણ કરી તો કોઈએ એમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટી જ ડિલીટ કરી નાંખવી જોઈએ. આ જ પોસ્ટ પર પારસ સોજીત્રાએ કૉમેન્ટ કરીને તેમની વેદના ઠાલવી હતી. 

    ગોપાલ ઇટાલિયાની પોસ્ટ અને પારસ સોજીત્રાની કૉમેન્ટ (તસ્વીર: Facebook)

    તેઓ લખે છે કે એક સમયે ગોપાલ ઇટાલિયાને કોઈ સાથ આપતું ન હતું ત્યારે તેમણે કરગરીને તેમને પાર્ટીમાં જોડાવા માટે કહ્યું હતું અને મિત્રતાના નામે તેઓ પાર્ટીમાં જોડાયા બાદ તેમની સાથે મિત્રે જ (ઇટાલિયાએ) વિશ્વાસઘાત કર્યો હતો. જેથી તેઓ આ ઘટના ડિલીટ કરવા માંગે છે.

    વધુ જાણકારી માટે અમે પારસ સોજીત્રાનો સંપર્ક કર્યો. તેમણે આ ઘટના પર વિગતે પ્રકાશ પાડ્યો અને કહ્યું કે તેમણે જે કંઈ પણ કહ્યું છે એ સત્ય બાબત છે અને ક્યાંય કટાક્ષ કર્યો નથી. તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે તેમને આમ આદમી પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દેવાયા હતા અને આખરે પાર્ટી છોડવી પડી હતી. 

    ‘ગોપાલ ઇટાલિયા સાથે જોડાવા કોઈ રાજી ન હતું’

    વાતચીતમાં પારસ સોજીત્રા કહે છે, “ગોપાલ ઇટાલિયા નવા-નવા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે પાર્ટીમાં વધારે લોકો હતા નહીં, જેઓ હતા તેઓ બધા જૂના જ લોકો હતા. તેમની સાથે જોડાવા માટે કોઈ રાજી થતું ન હતું.”

    ગોપાલ ઇટાલિયા સાથે તેમનો સંપર્ક પાટીદાર આંદોલન સમયથી થયો હતો. એ વાત જાણીતી છે કે આંદોલન સમયે ગોપાલ પણ ખૂબ સક્રિય હતા. આ જ આંદોલન સમયે તેઓ સારા મિત્રો હોવાનું કહીને પારસ સોજીત્રા આગળ ઉમેરે છે, “અમે મિત્રો હતા. તેમણે મને પણ ખૂબ ફોન કર્યા અને પાર્ટીમાં જોડાવા માટે કહ્યું. આખરે મિત્રતાના નાતે મેં પહેલી વખત કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયો.”

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ફેબ્રુઆરી 2021માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટી ખાસ્સી સક્રિય હતી. જોકે, પરિણામોમાં સુરતમાં 120માંથી 27 બેઠકો મળી તે સિવાય ક્યાંય સંતોષકારક પરિણામો મળ્યાં ન હતાં. આ ચૂંટણીમાં પારસ સોજીત્રાને અમરેલી-બગસરા વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી અને આ હોદ્દાઓ પર રહીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમણે કામ પણ કર્યું. 

    સ્થાનિક ચૂંટણી બાદની ઘટનાઓને લઈને તેઓ આગળ જણાવે છે, “ચૂંટણી પૂરી થઇ અને ધીમે-ધીમે કાર્યકર્તાઓની વ્યક્તિગત ક્ષમતાઓ દેખાવા માંડી. અમારું વધતું કદ જોઈને પાર્ટીમાં અમુક લોકોને લાગ્યું કે તેમનું અસ્તિત્વ ભૂંસાઈ જશે. જેના કારણે કાવાદાવા થવા માંડ્યા.”

    આમ આદમી પાર્ટીએ ટિકિટ વહેંચણીમાં ઘાલમેલ કરી હોવાનો આરોપ લગાવીને તેઓ આગળ કહે છે, “2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ટિકિટ આપવામાં વેપલો કરવાનું આયોજન કરતા હતા. જેના માટે પહેલાં જ અમારા જેવા મોટાં કદ ધરાવતા લોકોને દૂર કરવા જરૂરી હતા. જેથી અમને દૂર કરવા માટે કાવતરાં રચવામાં આવ્યાં અને આ પાછળ ગોપાલ ઇટાલિયાની જ ટીમ હતી.”

    તેમણે કહ્યું કે તેમણે આ બાબતની ફરિયાદ ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓને કરી પરંતુ તેમને સાંભળવામાં ન આવ્યા. એ પણ કહ્યું કે એક પક્ષ પ્રમુખ હોવાના કારણે ગોપાલ ઇટાલિયાના ધ્યાન બહાર આ બાબત રહી જાય તે શક્ય નથી. તેમણે ઉમેર્યું કે ઉપરથી ગોપાલે આવા લોકોનો સાથ- સહકાર આપ્યો હતો. 

    તેમણે કહ્યું, આ રીતે અસંખ્ય લોકો પાર્ટીમાંથી દૂર થઇ ગયા અને બિનઅનુભવી રાજકારણીઓ જ રહી ગયા. સક્ષમ લોકો પાર્ટીમાંથી દૂર થઇ ગયા હતા. તેમણે સ્થાનિક ચૂંટણીના થોડા સમય બાદ જ પાર્ટી છોડી દીધી હતી. 

    ‘પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાનું કદ ઘટી રહ્યું છે’

    ગોપાલ ઇટાલિયાના આમ આદમી પાર્ટીમાં ઘટતા કદને લઈને પણ તેમણે કહ્યું કે, પાર્ટી પણ ગોપાલની ગતિવિધિઓને નારાજ હતી પરંતુ ચૂંટણીની અધવચ્ચે નિર્ણય ન લઇ શકાય, જેના કારણે ચૂંટણી પૂરી થઇ કે તરત તેમને પક્ષ પ્રમુખ પદેથી દૂર કરી દેવામાં આવ્યા. તેમણે એમ પણ કહ્યું કે, ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાંથી હટાવી દેવાયા છે અને જે એક રીતે તેમનું કદ નાનું થયું જ કહી શકાય. 

    ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા. પાર્ટી તેમના વડપણ હેઠળ ચૂંટણી લડી અને પ્રચાર પણ ખૂબ કર્યો પરંતુ પરિણામોમાં કંઈ ખાસ ઉપજ્યું નહતું. પાર્ટીને 5 બેઠકો મળી શકી અને ઇટાલિયા, ઈસુદાન સહિતના તમામ મોટા ચહેરાઓએ કારમી હાર ચાખવી પડી હતી. 

    ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીનું સુકાન ઈસુદાન ગઢવીને સોંપવામાં આવ્યું છે, જેઓ પોતે ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. જ્યારે કતારગામ બેઠક પરથી હારેલા ગોપાલ ઈટાલિયાને હવે મહારાષ્ટ્રના સહ-પ્રભારી તરીકે મોકલવામાં આવ્યા છે. 

    અહીં એ પણ ઉલ્લેખનીય છે હાલ ગોપાલ ઇટાલિયા તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સના કારણે જ વધુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે ટ્વિટર પર કપડાં ધોતો એક ફોટો શૅર કર્યો હતો અને સાદગી બતાવવા ગયા હતા પરંતુ બાજુમાં જ પડેલા વોશિંગ મશીને નેટિઝન્સને ટ્રોલ કરવા માટેની વધુ એક તક આપી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં