Thursday, November 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'જેલ જવાની તૈયારી? વોશિંગ મશીન શું ઘઉં ભરવા રાખ્યું છે?': પોતાની સાદગીનું...

    ‘જેલ જવાની તૈયારી? વોશિંગ મશીન શું ઘઉં ભરવા રાખ્યું છે?’: પોતાની સાદગીનું પ્રદર્શન કરવા ગોપાલ ઈટાલીયાએ કપડાં ધોતા ફોટા ટ્વીટ કર્યા: જબરા ટ્રોલ થયા

    પંકજ નામના એક યુઝર તો આમ આદમી પાર્ટીની હાલ ચાલતી ગ્રહદશા પર જ ટીપ્પણી કરી નાંખી, ગોપાલના જેલ જવાની ટીખળ કરતા તેમણે અણ્ણા આંદોલન યાદ કરાવ્યું હતું.

    - Advertisement -

    સામાન્ય રીતે ક્યારે ક્યાં શું કરવું તેની સમજણ ઈશ્વરે દરેક જીવ માત્રમાં મૂકી છે, અને એમાં પણ આજના આ હાઈટેક યુગ અને સોશિયલ મીડિયાના જમાનામાં તો ખાસ સમજણ હોવી અનિવાર્ય છે. પરંતુ ક્યારેક માણસ આ સુધબુધ ખોઈ બેસતો હોય છે. હવે ગુજરાત AAPના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને જ જોઈ લો. ચર્ચામાં રહેવા માટે તેઓ કોઈ ને કોઈ કીમીયાઓ અપનાવવા માટે જગ જાહેર છે જ, પરંતુ ક્યારેક તેઓની આ જ કીમીયાબાજી તેમને ભારે પડે છે. તાજેતરમાં તેમણે પોતાની સાદગી અને સરળ જીવનનું જાહેરમાં પ્રદર્શન કરવા કપડા ધોતા ફોટા ટ્વીટ કર્યા, પણ તેમની ઈચ્છાથી વિપરીત કપડા ધોતા ગુજરાત AAPના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા ટ્વીટર પર ટ્રોલ થવા લાગ્યાં.

    વાસ્તવમાં AAPના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા ટ્વીટર પર એક પોસ્ટ મુકવામાં આવી હતી, જેમાં તેમણે પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તેઓ કાળા કલરની શોર્ટ ચડ્ડી અને ગંજી પહેરીને હાથથી કપડા ધોતા હોવાનું નજરે પડી રહ્યું છે. તેમની આજુબાજુમાં એક ગેસ સીલીન્ડર, કપડાની ડોલ અને વોશિંગ મશીનની પાઈપ નજરે પડી રહી છે. આ ટ્વીટમાં ફોટા સાથે તેઓ લખે છે કે, “છેલ્લા કેટલાક દિવસોથી સામાજિક તેમજ રાજનૈતિક કામોના કારણે સતત મુસાફરીમાં હતો. ઘણા દિવસો બાદ આજે રજા હતી. આજે બધા કપડા ધોઈ નાંખ્યા, જીવનને સહજ, સરળ અને વિનમ્ર બનાવી રાખવાં માટે નાના-નાના કામોને મહત્વ આપવું જરૂરી છે. નાનું અમથું કામ તમારા મનને મોટું બનાવે છે.”

    પછી શું? ટ્વીટર પર લોકોએ ખુબ મજા માણી, તેમના આ ટ્વીટ બાદ તેમના રિપ્લાય સેક્શનમાં લોકોએ મજેદાર વ્યંગાત્મક ટીપ્પણીઓ કરી હતી. AAPના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા ટ્વીટર પર ટ્રોલ થઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ જ આ પોસ્ટ છે. લોકોએ ગોપાલને આપેલા જવાબોમાંથી કેટલાક રિપ્લાય અમે અહી ટાંકી રહ્યા છીએ.

    - Advertisement -

    ગોપાલ ઈટાલીયાની આ પોસ્ટના ફોટામાં જ્યાં ગોપાલ કપડા ધોઈ રહ્યા છે, ત્યાં તેમની બાજુમાં જ કાળા રંગના કવરથી ઢાંકેલી કોઈ મશીન જેવી વસ્તુ પડી છે, જેની બાજુમાં એક સફેદ કલરની પાઈપ જોવા મળી રહી છે, આ પ્રકારની પાઈપો સામાન્યરીતે વોશિંગ મશીનમાં વપરાતી હોય છે. તે જોઇને રુચિર દવે નામના યુઝરે ગોપાલ ઈટાલીયાના કરેલા આપવખાણ પર પાણી ફેરવવાના તાત્પર્યથી વ્યંગાત્મક શબ્દોમાં પૂછ્યું હતું કે આ વોશિંગ મશીન હોવા છતાં હાથથી કપડા ધોઈ રહ્યાં છો, તો શું આ મશીન કાંદા બટાકા છોલવા રાખ્યું છે?

    કાયમ બેરોજગારીના રોદણાં રોતા ગોપાલને સીધી રોજગારીની ઓફર આપતા હોય તેમ પ્રદીપ નામના યુઝરે તો સીધેસીધુ લખી નાંખ્યું કે તેમના ઘરમાં કામ કરનાર કામવાળા બહેન હોળી પર રજા પડવાના છે, અને તેઓ મહેનતું માણસોની શોધમાં છે.

    અન્ય એક અલગારી નામના એકાઉન્ટ વાળા યુઝર ખબર નહી કેમ પણ ગોપાલથી નારાજ હોય તેવું લાગ્યું. તેમણે તો સીધું વાકયુદ્ધ છેડી દીધું હોય તેમ ગોપાલને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે “તમારા જેવા મંદબુદ્ધિ અને ટૂંકા વિચાર વાળાને જ આ વસ્તુ શોભે. નહિતર કોઈ સારા રાજનૈતિક નેતા હોય તો આજુબાજુમાં રહેતી ભાભીઓ પણ કપડાં ધોઈ નાખે પણ ખેર તારી જોડ તો કોઈ વાટકી વહેવાર નહિ રાખતું હોય.”

    ફરી એક ભાવસાર નામના યુઝરે પેલી વોશિંગ મશીનની પાઈપ જોઈ લીધી, અને ગોપાલ પર વરસી પડ્યા, પણ આ વખતે ઉધડો આખી પાર્ટીનો લેવાયો. તેઓ લખે છે કે, “બાજુમાં વોશિંગ મશીન હોવા છતાં હાથે કપડાં ધોવે એને આમ આદમી પાર્ટી નો અક્કલ નો ઓથમિર કહેવાય, નાટક કરવામાં આખી પાર્ટી હોશિયાર.”

    આઝાદ ભારત નામના યુઝરનેમ વાળા ભાઈ તો કઈક વધુ પડતા જ આઝાદ નીકળ્યા, તેમણે તો સીધેસીધું ગોપાલને કહી જ દીધું કે તેમના કપડા પણ ધોવાનાં બાકી છે. ધોઈ આપો. હસતી ઈમોજી સાથે તેઓ લખે છે કે, “અલ્યા ગોપાલભાઈ મારાય પડ્યા છે….બધા ભેગા થયાં છે…. આપું થોડા ધોઈઆપો તો”

    તો અન્ય એક પુષ્કલ નામના યુઝરની નજર પણ પેલી વોશિંગ મશીનના પાઈપ પર પડી, તેમણે તો ગોપાલના તે ફોટાને જ ફરી મુકતા એક મોટો એરો માર્યો અને પાઈપ બતાવી. તેમણે લખ્યું કે, “આ વોશિંગ મશીન શું ઘઉં ભરવા રાખ્યું છે?” જોકે વોશિંગ મશીન હોવા છતાં હાથથી કપડા ધોતા વ્યક્તિને જોઇને આ પ્રકારનો સવાલ મનમાં આવે તે સ્વભાવિક છે.

    પંકજ નામના એક યુઝર તો આમ આદમી પાર્ટીની હાલ ચાલતી ગ્રહદશા પર જ ટીપ્પણી કરી નાંખી, ગોપાલના જેલ જવાની ટીખળ કરતા તેમણે અણ્ણા આંદોલન યાદ કરાવીને લખ્યું કે, “જનતાએ કેજરીવાલના આવા ખેલ બહુ જોયા છે, અણ્ણા હજારેના સમયથી તમે યુક્તિઓ કરતા આવ્યા છો, અને ગમે તેમ કરીને તમારે જેલમાં તમારા કપડા અને વાસણો જાતે ધોવાના છે!” અહી નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના કેટલાક કદ્દાવર નેતાઓ તેમણે આચરેલા ગુનાઓના કારણે અત્યારે જેલના સળિયા પાછળ છે.

    જોકે આ કોઈ પહેલી વાર નથી કે ગોપાલ ઈટાલીયા ગોપાલ ઈટાલીયા ટ્વીટર પર ટ્રોલ થયાં હોય, પોતાનો વ્યાપ વધારવા ગોપાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ વ્યાપક પ્રમાણમાં કરતા આવ્યાં છે. જોકે ગત ચૂંટણીઓમાં ભોઠા પડવા જેવું થયાં બાદ ગોપાલ સોશિયલ મીડિયામાં ઓછા દેખાય છે, પણ આ પહેલા દેશી ફિલ્મના હીરો હોય તે માફક મોઢામાં ગુલાબનું ફૂલ પકડીને સાઈડ પોઝ આપીને પડાવેલો ફોટો મુકતાની સાથે જ જબરા ટ્રોલ થયાં હતા. અને આટ આટલી વાર ટ્રોલ થયાં બાદ કદાચ તેમને હવે ટ્રોલ થવાની આદત પડી ગઈ છે. એટલે જ કદાચ સમયાંતરે નેટિઝન્સને સામગ્રી પૂરી પડતા રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં