Saturday, November 2, 2024
More
    હોમપેજસ્પેશ્યલછેલ્લાં અઢી દાયકાની કચ્છ-સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતના મતદાનની પેટર્ન અને...

    છેલ્લાં અઢી દાયકાની કચ્છ-સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતના મતદાનની પેટર્ન અને તે માટેના જવાબદાર પરિબળો જાણીએ

    ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમય ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે. આમ થવા પાછળના કારણો કયા છે અને આ વખતે પણ ચિત્રમાં કેમ કોઈ ફેરબદલ નહીં થાય તેનું એક વિસ્તૃત વિશ્લેષણ ઑપઇન્ડિયા ટીમ દ્વારા.

    - Advertisement -

    ગુજરાતમાં માર્ચ 1998થી હમણાં સુધી એટલે કે 24 વર્ષથી વધુ સમય માટે ગુજરાતના નાગરિકોએ ગુજરાતની સત્તાના સિંહાસન પર ભારતીય જનતા પાર્ટીને બેસાડી છે. અને જે રીતે અહેવાલો અને સર્વે બહાર આવી રહ્યા છે તેનું માનીએ તો 2022 પછી પણ સ્થિતિ આ જ રહેવાની છે.

    તો એવા તો શું કારણ હશે કે જેના કારણે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટી પર આટલો બધો વિશ્વાસ છે અને હજુય છે? એવું તો શું કારણ હશે કે આ સરકારને આટલા લાંબા સમય બાદ પણ કોઈ એન્ટી-ઈન્કમ્બન્સી નથી નડી રહી? આ ભાજપ સરકારોએ ગુજરાતને એવું તો શું આપ્યું છે અને ગુજરાતીઓએ આ ભાજપ સરકાર પાસેથી એવું તો શું મેળવ્યું છે કે તે બંનેનો સાથ હજુ લાંબા સમય સુધી નહીં છૂટે તેવું લાગી રહ્યું છે?

    આ અહેવાલમાં આપણે ગુજરાતના દરેક ઝોન મુજબ ત્યાં ભારતીય જનતા પાર્ટી કેમ મતદારોના મગજમાં ક્લિક કરી ગઈ છે તેની વાત કરીશું.

    - Advertisement -

    કચ્છ ઝોન

    આમ તો ગુજરાતનો કચ્છ વિસ્તાર રણપ્રદેશને કારણે વિશ્વભરમાં જાણીતો હતો. પરંતુ 2001માં આવેલ પ્રલયકારી ભૂકંપે તેનો ઇતિહાસ, ભૂગોળ અને ભવિષ્ય જ બદલીને મૂકી દીધા હતા. 26 જાન્યુઆરી 2001ના દિવસે કચ્છના ભચાઉ પાસેના એક ગામમાંથી 7.7ની તીવ્રતાનો એક ભકંપ શરૂ થયો હતો જેના આંચકા 700 કિલોમીટર દૂર સુધીના વિસ્તારોમાં અનુભવાયા હતા. જેમાં 20 હજાર લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે અંદાજે 1.50 લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હોનારતમાં 4 લાખથી વધુ મકાન ધરાશાયી થયા હતા.

    આ વિસ્તાર કચ્છ, જે પહેલાથી પોતાની કુદરતી સંરચનાને કારણે ગુજરાતના અન્ય વિસ્તારો કરતા વિકાસમાં પાછળ રહી ગયો હતો, ત્યાં હવે આવું ભયાનક નુકશાન થતા સૌએ વિચારી લીધું હતું કે હવે આ વિસ્તાર ફરીથી કદી ઉભો નહિ થઇ શકે. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિસ્તારમાં ભૂકંપ બાદ જે વિકાસકર્યો કર્યા છે તેણે કચ્છની કાયાપલટ જ કરી દીધી છે.

    રણોત્સવે કચ્છ વિસ્તારની કરી કાયાપલટ (ફોટો: સીટી વિલેજ ન્યુઝ)

    નહેરો દ્વારા નર્મદાનું પાણી અહીં પહોંચાડી વિસ્તારને ખેતીલાયક કર્યો છે અને આજે આ વિસ્તાર ફળોની ખેતીમાં અવ્વલ આવવા માંડ્યો છે. આ સિવાય કંડલા અને મુન્દ્રા બંદરોના વિકાસના કારણે આસપાસના વિસ્તારોમાં રોજગારીની જે તકો ઉભી થઇ છે તે અતુલ્ય છે. આ ઉપરાંત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીતાથી કચ્છના એ સફેદ મીઠાના રણમાં કે જ્યાં કોઈ ભૂલથી પણ જવા નહોતું માંગતું ત્યાં આજે રણોત્સવના કારણે દર વર્ષે લાખો સહેલાણીઓ જતા થયા છે. જેનાથી કચ્છનો અભૂતપૂર્વ આર્થિક વિકાસ થયો છે.

    આમ આ વિસ્તારમાં લોકો ખરેખર તો મોદીને ભગવાનની જેમ જ પૂજે છે જેમણે તેમનું જીવનધોરણ બિલકુલ બદલી નાખ્યું છે. અને ભૂકંપની હોનારત બાદ હમણાં સુધી ભાજપ સરકારોએ કચ્છ માટે જે કામ કર્યા છે એ જ સૌથી મોટું કારણ છે કે અહીંના લોકો ભાજપને સમર્થન આપતા જોવા મળી રહ્યાછે.

    સૌરાષ્ટ્ર ઝોન

    ગુજરાતનો આ વિસ્તાર એવો છે કે જ્યાં વર્ષોથી સૌથી મોટો પ્રશ્ન સિંચાઈ અને પીવાના પાણીનો રહ્યો છે. ભૂતકાળમાં અહીંયા લાંબા લાંબા દુકાળ બાદ વર્ષો સુધી જમીનમાં કોઈ પાક લઇ નહોતો શકાતો. પરંતુ જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી લોકો જાને દુષ્કાળનું તો નામ જ ભૂલી ગયા છે.

    2001માં જયારે નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે સૌરાષ્ટ્ર સમેત સમગ્ર ગુજરાત તીવ્ર જળસંકટથી ઝઝૂમી રહ્યું હતું. કેટલાક વિસ્તારોમાં તો પીવાના પાણીના પણ ફાંફાં પડી રહ્યા હતા. પોતાના પહેલા જ કાર્યકાળમાં નરેન્દ્ર મોદી ગુજરાતની આ પીડા જાણી ગયા હતા અને તેમણે પ્રાથમિકતાના ધોરણે ગુજરાતના જળસંકટ સામે લડવાનો નિર્ણય કરી લીધો હતો.

    સરદાર સરોવર ડેમ (ફોટો: India TV)

    જે બાદ CM નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ ગુજરાત વોટર પ્લાન બનાવ્યો, જે અંતર્ગત સરદાર સરોવર ડેમમાંથી નર્મદા મુખ્ય કેનાલ બનાવવામાં આવી હતી. જે બાદ ‘સૌની યોજના’ અને ‘સુજલામ સુફલામ યોજના’ દ્વારા નર્મદા મુખ્ય કેનાલમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્ત્તર ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડયું હતું.

    સૌની યોજના અંતર્ગત નહેરોનું નેટવર્ક (ફોટો: Examrace)

    ‘સૌની યોજના’ દ્વારા દક્ષિણ ગુજરાતની નર્મદા નદીનું મીઠું પાણી સરદાર સરોવર ડેમ ખાતેથી કેનાલોના નેટવર્ક મારફતે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણામાં પહોંચ્યું હતું અને જેના પ્રતાપે જે વિસ્તારમાં ક્યારેક વર્ષમાં એક પાક લેવામાં પણ તકલીફ પડતી હતી ત્યાં હવે વર્ષમાં બે થી ત્રણ પાકો લેવાતા થઇ ગયા છે.

    અને આ જ યોજનાઓને કારણે ગુજરાત એ ભારતનું એક ‘હર ઘર જલ’ રાજ્ય બન્યું છે એટલે કે રાજ્યના દરેકે દરેક ઘરમાં નળ મારફતે પીવાનું પાણી પહોંચ્યું છે. સૌરાષ્ટ્રની જનતા આ માટે નરેન્દ્ર મોદી અને તેમના પછીની ભાજપ સરકારોનો આભાર માનતા થાકતી નથી.

    આ ઉપરાંત આ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ ગુજરાતના મોટામાં મોટા ધાર્મિક યાત્રાધામો આવેલા છે, જેમ કે દ્વારકાધીશ મંદિર, સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ, વગેરે. અને સ્થાનિક નાગરિકોએ ભાજપ સરકારોના કાર્યકાળમાં આ ધાર્મિક સ્થાળોનો અને ત્યાં પ્રવાસનનો જે વિકાશ જોયો છે તે અભૂતપૂર્વ છે. સૌરાષ્ટ્રના નાગરિકો આ પણ ભૂલે એમ નથી.

    ઉત્તર ગુજરાત

    ઉત્તર ગુજરાત ખેતીપ્રધાન વિસ્તાર છે. જોકે, શરૂઆતમાં અહીં પાણીની સમસ્યાઓ મોટાપાયે રહેતી, પરંતુ હવે તેમાં ઘણોખરો બદલાવ આવ્યો છે અને જેના કારણે લોકોનો ભાજપ તરફ ઝુકાવ વધ્યો છે. ઉપરાંત, ડેરી ઉદ્યોગમાં પણ નોંધપાત્ર બદલાવ આવવાના કારણે, તેનો પણ ફાયદો ભાજપને મળશે.

    દૂધસાગર ડેરી બની છે ઉત્તર ગુજરાતની જીવાદોરી (ફોટો: નવગુજરાત સમય)

    આ ઉપરાંત, સામાજિક સમીકરણો સાધવામાં પણ ભાજપ મહદ અંશે સફળ રહ્યો છે. મોટાભાગના સમાજોને પોતાની તરફ કરવાના કારણે ભાજપને આ ચૂંટણીમાં તેનો પણ ફાયદો મળશે તેમ જણાઈ રહ્યું છે. તદુપરાંત, ઠાકોર સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં આવ્યા બાદ ઠાકોર સમાજ, જેનું ઉત્તરમાં સારું એવું પ્રતિનિધિત્વ છે, તે પણ ભાજપ સાથે જોડાઈ રહ્યો છે. આ ઉપરાંત, અન્ય સમાજોનું પણ પાર્ટીને સમર્થન મળી રહ્યું છે.

    જોકે, આ ચૂંટણીમાં ટિકિટ ફાળવણીના કારણે અમુક બેઠકો પર નારાજગી સર્જાઈ છે અને નારાજ નેતાઓ અપક્ષ ઉમેદવારો તરીકે મેદાને પડ્યા છે. ધાનેરા બેઠક તેનું ઉદાહરણ છે. જેથી અહીં ભાજપનો ખેલ બગડી શકે તેવું હાલની દ્રષ્ટિએ લાગી રહ્યું છે. જાણકારો જણાવે છે કે અહીં ઓવરઓલ ભાજપ પોતાની સ્થિતિ જાળવી રાખશે, તેમાં નવું કંઈ ઉમેરી નહીં શકે કે કંઈ ગુમાવી નહીં શકે.

    મધ્ય ગુજરાત ઝોન

    આ ઝોનમાં અમદાવાદ ગાંધીનગર અને તેમની આસપાસનો વિસ્તાર આવતો હોય છે. આ ઝોન મોટા ભાગે શહેરી વિસ્તાર ધરાવે છે. માટે અહીંયાના પ્રશ્નો અને તેના નિરાકરણો ગુજરાતનાં અન્ય વિસ્તારો કરતા ભિન્ન છે.

    આ એવો ઝોન છે કે જે મુખ્યત્વે ખેતી પર નહીં પણ ધંધા રોજગાર પર આધાર રાખે છે અને કોઈ પણ ધંધો કરવા માટે સૌથી વધુ જરૂરી બાબત હોય તો એ છે શાંતિ, કાયદો અને ન્યાય વ્યવસ્થા.

    સૌને યાદ હશે કે ભાજપ સરકાર આવી એ પહેલા ગુજરાતમાં અવાર નવાર કોમી હુલ્લડો થતા રહેતા હતા અને સુધી અહીંયા કર્ફ્યુ લાગેલો રહેતો હતો. પરંતુ જ્યારથી ગુજરાતમાં ભાજપ સરકાર સત્તા પર આવી છે ત્યારથી 2002ના ગોધરા કાંડ બાદ થયેલા હુલ્લડોને બાદ કરતા અન્ય કોઈ મોટા હુલ્લડો કે તોફાનો થયા નથી. કર્ફ્યુ તો લગભગ શું હોય એ જ લોકો ભૂલી ગયા છે.

    આવા શાંતિસભર વાતાવરણમાં આ વિસ્તારમાં ધંધા રોજગાર અને ઉદ્યોગોએ ખુબ વિકાસ કર્યો છે અને આખો વિસ્તાર ગુજરાતની ઔદ્યોગિક અને આર્થિક રાજધાની તરીકે સામે આવ્યો છે.

    અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ (ફોટો: નવજીવન એક્સપ્રેસ)

    સાથે જ આ વિસ્તાર જેમ આપણે વાત કરી તેમ મોટા ભાગે શહેરી છે, તો અહીંયા શિક્ષણ સ્તર પણ વધુ છે. માટે અહીંના લોકો એ પણ સમજે છે કે આવીને આવીને શાંતિ અને સમૃદ્ધિ માટે ભાજપ સત્તામાં રહે એ જરૂરી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પ્રવાસન સ્થળોનો છેલ્લા બે દાયકામાં જબરદસ્ત વિકાસ થયો છે. અમદાવાદ જેવા શહેરોમાં તળાવો અને રિવરફ્રન્ટ પ્રકારના સ્થળો વિકસ્યાં છે તો BRTS અને હવે મેટ્રો દ્વારા શહેરોમાં એક સ્થળેથી બીજે સ્થળે જવું સુગમ બન્યું છે.

    દક્ષિણ ઝોન

    દક્ષિણની વાત કરવામાં આવે તો અહીં શહેરી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી અત્યંત મજબૂત છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધી કોંગ્રેસનું વર્ચસ્વ રહેતું હતું. પરંતુ ધીમે-ધીમે ભાજપ ત્યાં પણ પગપેસારો કરી રહ્યો છે. તેનું મોટું ઉદાહરણ 2020ની પેટાચૂંટણીમાં જોવા મળ્યું હતું, જ્યારે ડાંગ બેઠક પર ભાજપે લગભગ 60 હજારની લીડથી જીત મેળવી હતી. 

    સુરત શહેરની તમામ બેઠકો પર ભાજપ આજે પણ એટલી જ મજબૂત પાર્ટી છે. સુરતમાં છેલ્લાં વર્ષોમાં એક પછી એક કામો થઇ રહ્યાં છે, જેણે શહેરને વિશ્વના સૌથી ઝડપથી વિકસતાં શહેરોની યાદીમાં મૂકી દીધું છે. બીજું, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ જેવા દિગ્ગ્જ્જોની બેઠક પણ આ જ શહેરમાં છે. જેનો પણ મોટી ફાયદો થાય છે. 

    દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો અને તેમાં પણ આદિવાસી વિસ્તારોમાં હમણાં સુધી કોંગ્રેસનું વર્ચસ્વ રહેતું હતું, પરંતુ હવે તે ધીમે-ધીમે ઘટતું જતું હોય તેમ લાગી રહ્યું છે. 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ જ બાબત સામે આવી હતી. જ્યાં ભાજપ આજ સુધી ક્યારેય તાલુકા કે જિલ્લા પંચાયત જીત્યો ન હતો, ત્યાં પણ પાર્ટીએ એ ચૂંટણીમાં ભગવો લહેરાવ્યો હતો. 

    ભાજપ માટે મોદી જ એકમાત્ર ચહેરો છે અને મોદીની લહેર આ ગામડાંઓ સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને, કોરોનાના સમયમાં મોદી સરકારે જે રીતે મફત અનાજ પૂરું પાડ્યું તેમજ પછીથી મફત રસી આપવામાં આવી, તેના કારણે ગ્રામ્ય અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ભાજપ સરકાર પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. 

    બીજી તરફ, કોંગ્રેસની નિષ્ક્રિયતા પણ નોંધપાત્ર છે. જોકે, અમુક બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ બહુ સક્રિય હોવા છતાં આ વખતે મુકાબલો એકતરફી દેખાઈ રહ્યો નથી. જેનું મોટું ઉદાહરણ નવસારી જિલ્લાની વાંસદા બેઠક છે. આ બેઠક પર વર્ષોથી કોંગ્રેસ જ જીતતી આવી છે. અનંત પટેલ અહીંના ધારાસભ્ય છે, જેઓ કાયમ આદિવાસી સમાજને મોબિલાઇઝ કરવાના પ્રયાસો કરતા રહે છે, પરંતુ તેમ છતાં આ વખતે બેઠક પર ભાજપ એટલી જ ટક્કર આપી રહ્યો છે. 

    વધુમાં, 2021માં ભુપેન્દ્ર પટેલ સરકારનું મંત્રીમંડળ રચાયું ત્યારે દક્ષિણ ગુજરાતને સારું એવું મહત્વ આપવામાં આવ્યું હતું. છેક પારડી બેઠકથી લઈને કપરાડા, ગણદેવીના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું. જેની પણ થોડીઘણી અસરો થઇ હતી. 

    ભાજપે દક્ષિણમાં એક-બે સુરક્ષિત બેઠકો સિવાય તમામ બેઠકો પર ધારાસભ્યોને રિપીટ કર્યા છે. જેમાંથી મોટાભાગની બેઠકો પર તો જીત નિશ્ચિત જ દેખાઈ રહી છે, પરંતુ સાથે જ્યાં આજ સુધી ક્યારેય ભાજપ જીતી ન હતી કે જીતવું કઠિન જણાતું હતું, ત્યાં પણ મોદી લહેરના જોરે ભાજપ ભગવો લહેરાવી આવે તો તે આશ્ચર્યજનક હશે નહીં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં