બુધવારે મોડી રાત્રે યમનની રાજધાની સનામાં ભાગદોડને કારણે અનેક લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. અહીં વેપારીઓ દ્વારા રમઝાન નિમિત્તે આયોજિત એક જકાત વિતરણના કાર્યક્રમમાં લોકોએ નાસભાગ મચાવી હતી જેમાં 85 લોકો મૃત્યુ પામ્યા છે, તો અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના સનાના બાબ અલ-યમન જિલ્લામાં બની હતી.
હુતીના એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે, યમનની રાજધાની સનામાં ભાગદોડને કારણે ઓછામાં ઓછા 85 લોકો માર્યા ગયા છે અને 322 લોકો ઘાયલ થયા છે. હુતીના પ્રવક્તાના જણાવ્યા મુજબ, સ્થાનિક ઓથોરિટીને જણાવ્યા વગર જ વેપારીઓએ મન ફાવે તેમ વિતરણનું આયોજન કર્યું હતું, જે આ દુર્ઘટનાનું કારણ બન્યું હતું.
હુતી વિદ્રોહીઓએ તરત જ સ્કૂલને બંધ કરી નાખી
યમનમાં ઈરાન સમર્થિત હુતી ચળવળ દ્વારા સંચાલિત ટીવી ચેનલ અલ-મસિરાહની રિપોર્ટ મુજબ, સંખ્યાબંધ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા અને ઓછામાં ઓછા 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુતી વિદ્રોહીઓએ તરત જ જ્યાં જકાત વિતરણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો એ સ્કૂલને બંધ કરી નાખી હતી અને પત્રકારો સહિતના લોકોને ત્યાં આવતા અટકાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
વિસ્ફોટના અવાજથી લોકો ડરીને ભાગદોડ કરવા લાગ્યા
આ ઘટનાને નજરે જોનારા અબ્દેલ-રહેમાન અહેમદ અને યાહિયા મોહસેનને જણાવ્યું હતું કે, ભીડને કાબૂમાં કરવાના પ્રયાસમાં એક હુતી અધિકારીએ હવામાં ગોળી ચલાવી હતી હતી, જે એક ઇલેક્ટ્રિક વાયર પર લાગતાં વિસ્ફોટ થયો હતો. ત્યાં હાજર લોકો ધડાકાથી ભયભીત થઈને નાસભાગ કરવા લાગ્યા હતા. હુતી સંચાલિત આંતરિક મંત્રાલયનું કહેવું છે કે આ ઘટના મામલે બે આયોજકોની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જકાતમાં 5000 યમન રિયાલ મળવાના હતા
જકાત એક પ્રકારનું દાન છે. દરેક સક્ષમ મુસ્લિમને દર વર્ષે તેની કુલ સંચિત સંપત્તિના 2.5 ટકા જકાત તરીકે ગરીબોમાં વહેંચવું ફરજીયાત છે. સનાની એક શાળામાં જકાત વિતરણ કાર્યક્રમ માટે સેંકડો લોકો એકઠા થયા હતા. અહીં દરેક વ્યક્તિને 5000 યમન રિયાલ અથવા ભારતીય ચલણમાં લગભગ 1500 રૂપિયા મળવાના હતા.
યમનની રાજધાની પર 2014થી ઈરાન-સમર્થિત હુતીનું નિયંત્રણ છે. હુતીએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને હટાવી દીધી હતી. સરકાર પાછી લાવવા માટે સાઉદીના નેતૃત્વના જોડાણ દ્વારા 2015માં હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. તાજેતરના વર્ષોમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેનો આ તણાવ પ્રોક્સી વોરમાં ફેરવાઈ ગયો છે. યુદ્ધમાં લડવૈયાઓ અને નાગરિકો સહિત કુલ 1,50,000 લોકોના મૃત્યુ થયા છે.
દક્ષિણ કોરિયામાં ગયા વર્ષે ભાગદોડમાં 151 લોકો માર્યા ગયા હતા
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયાના સિઓલમાં ગયા વર્ષે આ જ પ્રકારની દુર્ઘટના બની હતી. મોટી સંખ્યામાં યુવાનો હેલોવીનની ઉજવણી કરવા ભેગા થયા હતા. આ દરમિયાન નાસભાગ મચી જતાં 151 લોકો મોતને ભેટ્યા હતા અને 82 લોકો ઘાયલ થયા હતા.