2021માં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા બાદથી તાલિબાન (Taliban in Afghanistan) મહિલાઓ વિરુદ્ધ એક પછી એક ફરમાન જારી કરી રહ્યું છે. મહિલાઓને શાળા, કોલેજો અને નોકરીઓમાંથી કાઢી મૂક્યા બાદ હવે તાલિબાને વધુ એક ‘તુગલકી’ ફરમાન બહાર પાડ્યું છે. તાલિબાને કહ્યું કે ઇબાદત કરતી વખતે મહિલાઓનો અવાજ સંભળાવો જોઈએ નહીં. તાલિબાને મહિલાઓના અવાજને ‘બદમાશ’ ગણાવ્યો છે.
તાલિબાનના મંત્રી મોહમ્મદ ખાલિદ હનાફીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે મહિલાઓના અવાજને બદમાશ માનવામાં આવે છે. તેથી, તેઓએ છુપાયેલા રહેવું જોઈએ અને જાહેર સ્થળોએ તેમનો અવાજ કોઈના કાને ન પડવો જોઈએ. સ્ત્રીઓના પણ નહીં. તેથી કુરાન વાંચતી વખતે પણ તેમનો અવાજ સંભળાવો જોઈએ નહીં. મંત્રી ખાલેદ હનાફીએ પૂર્વ લોગાર પ્રાંતમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી.
હનાફીએ કહ્યું, “જ્યારે કોઈ પુખ્ત સ્ત્રી ઇબાદત કરે છે અને બીજી સ્ત્રી તેની પાસેથી પસાર થાય છે, ત્યારે તેણે એટલા મોટેથી ઇબાદત ના કરવી જોઈએ કે તે સાંભળી શકે.” સંગીત વિશે તેણે વધુમાં કહ્યું, “જો ઇબાદત કરતી વખતે તેઓને (એકબીજાનો) અવાજ સાંભળવાની પણ મંજૂરી ન હોય, તો પછી તેમને ગાવાની મંજૂરી કેવી રીતે આપી શકાય, બીજું કંઈપણ છોડી દો.”
હનાફીએ કહ્યું, “સ્ત્રી માટે બીજી પુખ્ત સ્ત્રીની સામે કુરાનની આયતોનો પાઠ કરવો પ્રતિબંધિત છે. તકબીરના (અલ્લાહ હુ અકબર) પોકાર કરવાની પણ મંજૂરી નથી.” તેણે કહ્યું કે મહિલાઓ સુભાનલ્લાહ પણ કહી શકતી નથી. મહિલાને અઝાન આપવાની પણ મંજૂરી નથી. હનાફીની ટિપ્પણીનો ઓડિયો મંત્રાલયના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને હટાવી દેવામાં આવ્યો હતો.
મંત્રીએ કહ્યું કે આ નવા પ્રતિબંધો નૈતિકતાના કાયદા હેઠળ લાદવામાં આવ્યા છે અને સ્ત્રીઓએ તેનું પાલન કરવું પડશે. આ કાયદા હેઠળ મહિલાઓને બુરખા વગર ઘરની બહાર નીકળવા, ઊંચા અવાજમાં વાત કરવા અને ચહેરો બતાવવા પર પ્રતિબંધ છે. વધુમાં, છઠ્ઠા ધોરણ પછી છોકરીઓને ભણવા પર પ્રતિબંધ છે અને મહિલાઓને નોકરીમાંથી બાકાત રાખવામાં આવે છે.