પંજાબના અમૃતસર (Amritsar) સ્થિત ગોલ્ડન ટેમ્પલમાં (Golden Temple) બુધવારે (4 ડિસેમ્બર) સવારે ગોળીબાર થયાની ઘટના બની. અહીં મુખ્ય દ્વારા પર ધાર્મિક સજા કાપતા શિરોમણી અકાલી દળના પૂર્વ પ્રમુખ સુખબીર સિંઘ બાદલની (Sukhbir Singh Badal) હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમની આસપાસના લોકોએ સતર્કતા દાખવતાં તેમનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ હુમલો કરનારને પકડી લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર, હુમલો કરનાર વ્યક્તિ ખાલિસ્તાની આતંકવાદી રહી ચૂક્યો છે. તેની ઓળખ નારાયણ સિંઘ ચૌરા તરીકે થઈ છે. તે પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)નો આતંકવાદી રહ્યો છે.
ચૌરા સામે અનેક કેસો પણ નોંધાયેલા છે. તે ચંદીગઢ જેલ બ્રેક કેસનો પણ આરોપી છે. 2004માં ચંદીગઢની જેલમાંથી 94 ફૂટની ટનલ ખોદીને ચાર આતંકીઓ ભાગી છૂટ્યા હતા. જેમાં બબ્બર ખાલસા ચીફ જગતાર હાવડા, પંજાબના પૂર્વ સીએમ બેઅંત સિંઘના હત્યારા પરમજીત સિંઘ અને જગતાર સિંઘ અને હત્યાના ગુનેગાર દેવી સિંઘનો સમાવેશ થાય છે. આ તમામને ભાગવામાં નારાયણ ચૌરાએ મદદ કરી હતી. ત્યારબાદ 2005માં તેની ધરપકડ થઈ હતી, પણ પછીથી જામીન પર છૂટી ગયો હતો.
આતંકી નારાયણ સિંઘ વિરુદ્ધ UAPA હેઠળ અનેક કેસ નોંધવામાં આવ્યા હતા અને તે લાંબો સમય સુધી જેલમાં સજા પણ કાપી ચૂક્યો છે. ફેબ્રુઆરી, 2013માં તેના બે સાથીઓ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે પોલીસે દરોડા પાડતાં મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યાં હતાં. તે લગભગ એક ડઝન કેસોમાં આરોપી છે.
ચૌરા સામે જાન્યુઆરી, 2010માં પણ એક કેસમાં FIR નોંધવામાં આવી હતી. તેણે પાકિસ્તાનની મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટકો મંગાવ્યાં હતાં અને તેનો ઉપયોગ પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે થવાનો હતો. તેમાંથી જ એક જથ્થો અમૃતસરમાંથી એક કારમાંથી મળી આવ્યો હતો. આ મામલે નારાયણ સિંઘ ચૌરાનું નામ ખુલતાં તેની સામે UAPA અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2018માં તે જેલમાંથી બહાર આવી ગયો હતો.
1984માં પાકિસ્તાન ગયો, ત્યાંથી ભારતમાં મોકલતો હતો હથિયારો
વધુ માહિતી મુજબ, વર્ષ 1984માં તે પાકિસ્તાન પણ ગયો હતો અને આતંકવાદનાં શરૂઆતનાં વર્ષોમાં તે પંજાબમાં હથિયારો અને વિસ્ફોટકોની તસ્કરી કરવામાં સંડોવાયેલો હતો. પાકિસ્તાનમાં રહીને તેણે હથિયારોની તાલીમ પણ મેળવી હતી અને ગુરિલ્લા યુદ્ધ અને દેશદ્રોહી સાહિત્ય પર પુસ્તક પણ લખ્યું હતું.
1986માં તે ભારત પરત ફર્યો હતો અને થોડા સમય પછી ફરી પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. 1989માં તે ફરી ભારત આવ્યો અને ખોટાં નામો ધારણ કરીને રહેતો હતો. ત્યારબાદ તેણે અકાલ ફેડરેશન અને ખાલિસ્તાન લિબરેશન આર્મી જેવાં સંગઠનો બનાવ્યાં હતાં અને પંજાબ અને વિદેશનાં ખાલિસ્તાની સંગઠનોને હથિયારો પહોંચાડતો રહેતો હતો.
ગોલ્ડન ટેમ્પલના ગેટ પર જઈને ગોળીબાર કર્યો, સુખબીર સિંઘ બાદલની હત્યાનો કર્યો પ્રયાસ
બુધવારે તે કાળી પાઘડી અને સફેદ વસ્ત્રોમાં અમૃતસરના ગોલ્ડન ટેમ્પલના ગેટ પર પહોંચી ગયો હતો. અહીં જ શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંઘ બાદલ પહેરેદાર તરીકે સેવા આપીને ધાર્મિક સજા કાપી રહ્યા હતા. નારાયણ સિંઘ ચૌરા તેમની નજીક પહોંચીને બંદૂક કાઢીને ગોળીબાર કરવા જતો હતો કે સુખબીર સિંઘ બાદલ સાથે રહેલી એક વ્યક્તિએ સમયસૂચકતા વાપરીને તેને ધક્કો મારીને દૂર કરી દીધો હતો. ત્યારબાદ નારાયણે ટ્રિગર તો દબાવી દીધું, પણ ગોળી હવામાં ચાલી હતી.
નારાયણ સિંઘ ચૌરાની ધરપકડ બાદ તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીત સિંઘ ભુલ્લરે જણાવ્યું કે, “હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. તપાસમાં બધી જ બાબતો સામે આવશે. તપાસ બાદ જ ખબર પડશે કે આ એક મોટું ષડ્યંત્ર હતું કે કેમ. સુખબીર સિંઘ બાદલની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ પોલીસની સતકર્તાના કારણે તેઓ બચી ગયા છે.