તાજેતરમાં એટ્રોસિટીના (Atrocity) એક કેસમાં બૉમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે (Bombay High Court) એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું કે, વૉટ્સએપ પર જાતિગત અનામત પર વિચાર વ્યક્ત કરતા મેસેજ કરવા કે ફોર્વર્ડ કરેલા મેસેજ મોકલવા તે SC/ST અધિનિયમ અંતર્ગતનો ગુનો ન ગણી શકાય. કોર્ટે તેમ પણ કહ્યું કે, આ પ્રકારના મેસેજની આપ-લે કરવી તે જાતિગત દુશ્મનાવટ કે ઘૃણાની ભાવનાને દર્શાવતી નથી. હાઇકોર્ટ આ મામલે નીચલી કોર્ટના આદેશોને બહાલ કરીને એક મહિલા અને તેના પિતાને આરોપમુક્ત કરવાના આદેશ આપ્યા હતા.
આ કેસ નાગપુરના એક સોફટવેર એન્જિનિયર યુવક દ્વારા તેની પૂર્વ ‘પત્ની’ વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. ઘટનાક્રમ અનુસાર, બંને જણાએ પરિવારથી સંબંધ છાનો રાખીને પ્રેમલગ્ન કરી લીધાં હતાં. લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી અને અલગ થઈ ગયાં. યુવકનો આરોપ છે કે તે પોતે અનુસૂચિત જાતિ સમુદાયમાંથી આવે છે તેની જાણ યુવતીને થતાં તેણે સંબંધોનો અંત આણ્યો હતો.
ત્યારબાદ યુવકે યુવતીએ તેને વોટ્સએપ ઉપર જાતિગત અપમાન થાય તેવા મેસેજ કર્યા હોવાના આરોપસર ફરિયાદ કરી હતી, જેમાં યુવતીનો સહકાર આપવાનો આરોપ લગાવીને પિતાને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. યુવકની ફરિયાદ પર બંને સામે ST/SC એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરીએ અપમાન કરવાનો આરોપ
યુવકે આરોપ લગાવ્યા હતા કે, યુવતીએ તેને તેનું જાતિગત અપમાન થાય તે પ્રકારના મેસેજ કર્યા હતા. તેની ફરિયાદ અનુસાર, યુવતીએ તેને વોટ્સએપ ઉપર મેસેજ કરીને ST/SC અનામત પર ઘૃણા દર્શાવતા વિચારો રજૂ કરીને અપમાનજનક મેસેજ કર્યા હતા. આવા મેસેજથી સમુદાય વિરુદ્ધ શત્રુતા વધે અને ઘૃણા ફેલાય તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. તેમજ યુવતીના પિતા પર તેમણે પણ સહકાર આપ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
જોકે, આ કેસ કોર્ટમાં ચાલી જતાં ટ્રાયલ કોર્ટે વર્ષ 2021માં યુવતી અને તેના પિતાને આરોપમુક્ત કરી દીધા હતા. પછીથી કોર્ટે ટ્રાયલ કોર્ટના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જે મામલે બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચ સુનાવણી કરી રહી હતી.
બૉમ્બે હાઇકોર્ટે શું કરી ટિપ્પણી
આ મામલે બૉમ્બે હાઇકોર્ટના જસ્ટિસ ઉર્મિલા જોશીની ખંડપીઠે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે ફરિયાદી પક્ષે રજૂ કરેલા પુરાવાઓને જોઇને મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “તમામ સામગ્રીને જોતાં જણાય આવે છે કે બચાવ પક્ષે કરવામાં આવેલા મેસેજ માત્ર અનામત પ્રણાલી પ્રત્યે વ્યક્ત કરવામાં આવેલી ભાવનાઓ દર્શાવે છે. આ સંદેશોમાં ક્યાંય પણ અનુસૂચિત જાતિ કે જનજાતિ વિરુદ્ધ દુશ્મનાવટ કે દુર્ભાવના વધારવાનો પ્રયાસ નથી કરવામાં આવ્યો. આમ કરવાનો પ્રયાસ માત્ર ફરિયાદીનો હતો તેમ કહી શકાય. આરોપીએ એવા કોઈ શબ્દો નથી લખ્યા જેનાથી અનુસૂચિત જાતિ કે જનજાતિનું અપમાન થાય.”
કોર્ટે પોતાના આદેશમાં આગળ કહ્યું કે, “SC/ST એક્ટનું ગઠન અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના સામાજિક તથા આર્થિક સુધાર માટે અને તેમને વિભિન્ન અપમાન અને ઉત્પીડનથી રક્ષણ આપવા માટે કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય આપણા સમાજમાં નબળા વર્ગો વિરુદ્ધ કરવામાં આવેલા દુષ્કૃત્યો બદલ દંડિત કરવાનો છે. પરંતુ આ કેસમાં યુવતીએ મોકલેલા મેસેજ માત્ર અનામત પ્રત્યેના તેના વિચારો રજૂ કરે છે અને તે SC/ST એક્ટની કલમ 3 (1)(U) અંતર્ગતના અપરાધમાં ગણી શકાય નહીં. મેસેજ જોઇને તેનું અવલોકન કરીને ખ્યાલ આવે છે કે તેમાં કશું આપત્તિજનક નથી પરંતુ માત્ર વ્યક્તિગત વિચારો રજૂ કરવામાં આવ્યા છે.”
કોર્ટે યુવતીના પિતા (આરોપી નંબર 2) લઈને પણ કહ્યું કે, “યુવતીના પિતા તરફે પણ આ પ્રકારની કોઈ જ એવી વાત નથી કરવામાં આવી જેનાથી તેવો નિષ્કર્ષ નીકળે કે તેમણે અનુસૂચિત જાતિ વિરુદ્ધ દુર્ભાવના રાખીને દુશ્મની કે ઘૃણા દર્શાવી હોય કે તેવો પ્રયાસ કર્યો હોય.” એટ્રોસિટીના આ કેસમાં બૉમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે ફરિયાદી પક્ષે રજૂ કરેલા પુરાવાઓ અને બચાવ પક્ષની દલીલોને ધ્યાને લઈને યુવક દ્વારા કરવામાં આવેલી અરજી રદ કરી દીધી હતી અને યુવતી અને તેના પિતાને આરોપમુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.