Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદેશને મળી નવી અને અત્યાધુનિક સંસદ, તો હવે જૂના ગોળાકાર ભવનનું શું...

    દેશને મળી નવી અને અત્યાધુનિક સંસદ, તો હવે જૂના ગોળાકાર ભવનનું શું થશે? જાણીએ

    સંસદનું આ જૂનું ભવન વર્ષ 1927માં બ્રિટિશકાળ દરમિયાન બનીને તૈયાર થયું હતું. તેના નિર્માણમાં છ વર્ષ લાગ્યાં હતાં.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (28 મે, 2023) નવનિર્મિત સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું. જૂના ભવન કરતાં અનેકગણા આધુનિક અને ભવ્ય સુવિધાઓ ધરાવતા આ ભવનમાંથી હવે દેશ માટે કાયદાઓ ઘડાશે અને લોકસભા અને રાજ્યસભા બંને અહીં જ મળશે. હવે જ્યારે નવું ભવન તૈયાર થઇ ગયું છે તો પ્રશ્ન એ છે કે જૂના સંસદ ભવનનું શું થશે? 

    સંસદના જૂના ભવન અંગે ઘણી ચર્ચાઓ-અટકળો ચાલી રહી છે. તેના ઐતિહાસિક મહત્વને જોતાં મોદી સરકારે પહેલેથી જ ઘોષણા કરી દીધી છે કે તેને કોઈકને કોઈ ઉપયોગમાં લેવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની શરૂઆત થઇ ત્યારે પણ સરકારે કહ્યું હતું કે જૂના ભવનને યોગ્ય ઉપયોગમાં લેવામાં આવશે. વર્ષ 2021માં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, જૂના સંસદ ભવનનું સમારકામ કરીને તેનો ઉપયોગ કરવામાં આવશે. 

    હજુ સુધી સરકાર તરફથી એ પુષ્ટિ થઇ નથી કે આ ભવનનો ચોક્કસ શું ઉપયોગ કરવામાં આવશે પરંતુ એ શક્યતા પણ નકારી શકાય નહીં કે તેને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવે. નોંધવું જોઈએ કે વડાપ્રધાન મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 101મા એપિસોડમાં ભારતના મ્યુઝિયમો અને તેના મહત્વ વિશે ચર્ચા કરી હતી. જેથી અનુમાન છે કે કદાચ સરકાર આ જૂનું ભવન મ્યુઝિયમમાં ફેરવી નાંખે. 

    - Advertisement -

    સામાન્ય લોકોને લોકસભા-રાજ્યસભા જોવાની તક મળશે?

    જો તેમ થાય તો સામાન્ય લોકોને લોકસભા અને રાજ્યસભા કક્ષ સુધી પહોંચવાની તક મળશે અને તેઓ એ જોઈ શકશે કે દેશના ‘લોકતંત્ર’ના મંદિરનું સંચાલન કઈ રીતે કરવામાં આવે છે. જોકે, એ પણ નોંધનીય છે કે 2021માં હરદીપ સિંઘ પુરીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ ભવનને મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે નહીં. હવે સરકાર પોતાની તરફથી કશુંક ઘોષણા કરે તો જ જાણી શકાશે કે હવે આ જૂના સંસદ ભવનનો શું ઉપયોગ કરાશે. 

    ‘જૂના સંસદ ભવનનું શું થશે?’- આ ચર્ચાઓની વચ્ચે એટલું નક્કી છે કે આ જૂનું ભવન તોડી પાડવામાં નહીં આવે અને એ આમ જ ઉભેલું રહેશે. તેનાં ઘણાં બધાં કારણો છે. તેનું ઐતિહાસિક મહત્વ પણ છે અને ભારતની ધરોહર છે. 1927માં તેને સો વર્ષ પૂરાં થશે. ઉપરાંત, દેશનું બંધારણ પણ અહીં જ ઘડવામાં આવ્યું હતું. અત્યાર સુધીની સરકારોએ-વિપક્ષોએ અહીં બેસીને કાયદા ઘડ્યા છે. જેથી તેને યથાતથ સ્થિતિમાં રખાશે એ વાત નક્કી છે. 

    1927માં બનીને તૈયાર થયું હતું જૂનું ભવન

    ઉલ્લેખનીય છે કે સંસદનું આ જૂનું ભવન વર્ષ 1927માં બ્રિટિશકાળ દરમિયાન બનીને તૈયાર થયું હતું. તેના નિર્માણમાં છ વર્ષ લાગ્યાં હતાં. ત્યારે તે લેજિસ્લેટિવ કાઉન્સિલ તરીકે ઓળખાતું હતું. 1947માં દેશ સ્વતંત્ર થયો ત્યારબાદ તેનો ઉપયોગ સંસદ ભવન તરીકે થવા માંડ્યો. જૂનું ભવન ગોળાકાર છે, જ્યારે નવું ત્રિકોણાકાર છે. 

    નવું સંસદ ભવન બનાવવા પાછળ પણ ઘણાં કારણો છે. પહેલી સમસ્યા જગ્યાની નડી રહી હતી. જૂના ભવનમાં સાંસદોને બેસવા માટે પૂરતી વ્યવસ્થા થઇ શકતી ન હતી ઉપરાંત મંત્રીઓ અને તેમના વિભાગોની ઓફિસો માટે પણ પૂરતી જગ્યા ન હતી. ઉપરાંત, એક સદી જૂનું હોવાનું કારણે તેમાં તકનીકી બાબતોને લઈને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આ જ કારણોને જોતાં વર્ષ 2019માં સંસદના બંને ગૃહોએ એક પ્રસ્તાવ પસાર કરીને સરકારને નવું સંસદ ભવન બનાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2020માં નવા સંસદ ભવનના શિલાન્યાસ સાથે 2021થી કામ શરૂ થયું હતું. 2 વર્ષ બાદ 29 મે, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં