Wednesday, September 11, 2024
More
    હોમપેજદેશ'તે દિવસે ગોળીઓ ચાલી હોત તોપણ ઢાંચો બચ્યો ન હોત': પ્રત્યક્ષદર્શી પાસેથી...

    ‘તે દિવસે ગોળીઓ ચાલી હોત તોપણ ઢાંચો બચ્યો ન હોત’: પ્રત્યક્ષદર્શી પાસેથી જાણો 6 ડિસેમ્બર, 1992ના દિવસે અયોધ્યામાં શું-શું બન્યું હતું

    અયોધ્યામાં હાજર ઑપઇન્ડિયાની ટીમે રામજી ગુપ્તા સાથે મુલાકાત કરી હતી અને તે સમયે અને અત્યારની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. રામજી ગુપ્તા મૂળ ફૈઝાબાદના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તાર ટાંડા અને અત્યારના આંબેડકર નગર જિલ્લાના રહેવાસી છે.

    - Advertisement -

    અયોધ્યામાં રામજન્મભૂમિમાં નવનિર્મિત મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરી, 2024ના રોજ ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ દિવસે દેશ-દુનિયામાંથી હિંદુઓએ ઠેકઠેકાણે દિવાળીની ઉજવણી કરી હતી. 500 વર્ષના સંઘર્ષ બાદ આવેલા આ દિવસની પાછળ અસંખ્ય રામ ભક્તોનું બલિદાન અને ત્યાગ છે. તેમાંથી અનેક વીરગતિ પામ્યા છે જ્યારે નજરો-નજર જોયેલી ઘટનાને જણાવવા માટે કેટલાક લોકો હજુ પણ જીવિત છે. હયાત રામ ભક્તોમાંના એક રામજી ગુપ્તા પણ છે. રામજી ગુપ્તા 6 ડિસેમ્બર, 1992ના રોજ વિવાદિત ઢાંચાને તોડી પાડ્યા પછી CBI દ્વારા પકડાયેલા પ્રથમ કારસેવક છે.

    અયોધ્યામાં હાજર ઑપઇન્ડિયાની ટીમે રામજી ગુપ્તા સાથે મુલાકાત કરી હતી અને તે સમયે અને અત્યારની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. રામજી ગુપ્તા મૂળ ફૈઝાબાદના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તાર ટાંડા અને અત્યારના આંબેડકર નગર જિલ્લાના રહેવાસી છે. રામજી ગુપ્તા નાની ઉંમરે જ વિશ્વ હિંદુ પરિષદ (VHP)માં જોડાઈ ગયા હતા. એક સમયે ટાંડામાં તેમનો હેન્ડલુમનો મોટો કારોબાર હતો. તેમના પરિવારની ગણના આજે પણ શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓમાં થાય છે.

    હા, ધ્વંસ વખતે ત્યાં જ હાજર હતો

    ધરપકડ કરાયેલા પ્રથમ કારસેવક રામજી ગુપ્તાની ઉંમર 70 વર્ષથી વધુ છે, તે છતાં તેઓ સંપૂર્ણપણે ફિટ છે. તેમણે અમને કહ્યું કે તેઓ 1990ની કારસેવામાં પણ સામેલ હતા. 6 ડિસેમ્બર, 1992ના રોજ તેમણે પોતાની નજર સામે ઢાંચો ધ્વસ્ત થતો જોયો. તેમનો દાવો છે કે તે સમયે કારસેવકોના ઉત્સાહ સામે સરકાર અને વહીવટીતંત્રે ઝૂકવું પડ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદ વતી રામભક્તોને સરયૂથી રેતી લાવીને વિવાદિત માળખા પર ચડાવવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, વચ્ચે ઘણા રામભકતો ઉત્તેજિત થઈ ગયા હતા અને થોડા કલાકોમાં જ ગુંબજ ધરાશાયી થઈ ગયો હતો.

    - Advertisement -

    કારસેવકોએ ન માની કોઈની વાત

    રામજી ગુપ્તાના જણાવ્યા અનુસાર વર્ષ 1990માં રામ ભક્તોના નરસંહાર બાદ લોકોમાં ગુસ્સો હતો. ત્યારબાદ વહીવટીતંત્રે વિવાદિત માળખાની આસપાસ લોખંડના બેરિકેડ્સ ઉભા કરી દીધા હતા. કેટલાક કારસેવકોએ વિવાદિત માળખું જોઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન સ્થળ પર હાજર અન્ય લોકો પણ ઉશ્કેરાઈ ગયા હતા.

    રામજીના જણાવ્યા અનુસાર, VHP અને RSSના અધિકારીઓએ તેમને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. સ્થળ પર હાજર વહીવટીતંત્ર પણ ભીડના ગુસ્સા સામે લાચાર જોવા મળ્યું હતું. તેમનુ માનવું છે કે જો પહેલાંની જેમ જ ગોળીઓ ચલાવવામાં આવી હોત તો પણ વિવાદિત ઢાંચાનું અસ્તિત્વ ટકાવી રાખવું લગભગ અશક્ય હતું. જો કે તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણ સિંહે ફાયરિંગનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

    રામલલાની મૂર્તિ ખુલ્લામાં કેવી રીતે મૂકી દઈએ?

    ધરપકડ કરાયેલા પ્રથમ કારસેવક રામજી ગુપ્તાના જણાવ્યા મુજબ 6 ડિસેમ્બર, 1992ની સાંજ સુધીમાં લગભગ તમામ કારસેવકો વિવાદિત ઢાંચો તોડીને જતા રહ્યા હતા. ત્યારે ભગવાન રામની મૂર્તિ ખુલ્લામાં પડી હતી, જેને સુરક્ષા દળોએ ઘેરી લીધી હતી. આવી સ્થિતિમાં રામજી ગુપ્તાએ કેટલાક સાથીઓ સાથે મળીને એક અસ્થાયી તંબૂ બનાવ્યો હતો.

    આ તંબૂમાં કેટલાક સ્થાનિક સંતોને સાથે રાખીને વિધિવિધાન મુજબ ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. આ એ તંબૂ હતો જેમાં ભગવાન રામનો વિગ્રહ 1992થી 2024 સુધી રહ્યો હતો. મૂર્તિની સ્થાપના બાદ મોડી રાત્રે રામજી ગુપ્તા અને તેમના સાથીઓ પોતપોતાના ઘરે જવા રવાના થયા હતા. આ દરમિયાન કલ્યાણસિંહની સરકાર પડી ભાંગી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને ફૈઝાબાદ (હવે અયોધ્યા)ના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને જવાબદાર ગણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

    CBI પકડીને લખનૌ લઈ ગઈ

    રામજી ગુપ્તાનો દાવો છે કે 11 ડિસેમ્બર, 1992ના રોજ અચાનક જ CBIની એક ટીમ ટાંડા સ્થિત તેમના ઘરે આવી ચડી હતી. આ ટીમની સાથે સ્થાનિક પોલીસ પણ હતી. CBIએ તેમને પૂછપરછ માટે તેમની સાથે જવા જણાવ્યું હતું. તેમને પહેલાં તત્કાલીન ફૈઝાબાદ જિલ્લા મુખ્ય મથક ખાતે લાવવામાં આવ્યા હતા. અહીંથી ટીમ લખનઉ જવા રવાના થઈ હતી. લખનઉમાં અનેક અધિકારીઓએ તેમની લાંબી પૂછપરછ કરી હતી. આ દરમિયાન રામજી ગુપ્તાએ દરેક વાતને ‘ભગવાન રામની ઇચ્છા’ ગણાવી હતી. આખરે રામજી ગુપ્તાને લખનઉ જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા.

    એકાદ મહિના બાદ હાકોર્ટે આપ્યા હતા જામીન

    રામજી ગુપ્તાએ અમને જણાવ્યું હતું કે CBIએ તેમને મીડિયા રિપોર્ટના આધારે ફ્રેમ કર્યા હતા. કોઈ એક વિડીયોમાં તેમણે પોતે વિવાદિત માળખાને તોડી પાડવાની જવાબદારી લીધી હતી. તેઓ જેલમાં પણ ભગવાનની પૂજા કરતા રહ્યા હતા. રામજી ગુપ્તાએ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. હાઈકોર્ટે એક મહિના બાદ રામજી ગુપ્તાને જામીન આપ્યા હતા. હાઈકોર્ટે માત્ર મીડિયા સમક્ષ જવાબદારી લેવાની અરજી અને કોઈ નક્કર પુરાવા ન મળતાં જામીન યોગ્ય ઠેરવ્યા હતા. ત્યારથી રામજી ગુપ્તા અવારનવાર તારીખોએ કોર્ટના ચક્કર લગાવતા રહ્યા.

    સપ્ટેમ્બર 2020માં તમામ આરોપીઓ મુક્ત થયા

    વિવાદિત માળખાનો કેસ લખનૌ CBI કોર્ટમાં લગભગ 27 વર્ષ સુધી ચાલ્યો હતો. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, જય ભગવાન ગોયલ, વિનય કટિયાર, કલ્યાણ સિંહ, મહંત નૃત્ય ગોપાલ દાસ, ચંપત રાય, મુરલી મનોહર જોશી, સાક્ષી મહારાજ, બ્રિજ ભૂષણ શરણ સિંહ અને સતીશ પ્રધાનના નામ આરોપી તરીકે લેવામાં આવ્યા હતા. રામજી ગુપ્તા કેસમાં કુલ 32 આરોપીઓ સંડોવાયેલા હતા.

    ધરપકડ કરાયેલા પ્રથમ કારસેવક રામજી ગુપ્તાના જણાવ્યા અનુસાર આ કેસમાં તેમના સિવાય સાક્ષી મહારાજ અને બ્રિજભૂષણ શરણસિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2020માં, આ બધાને પૂરતા પુરાવાના અભાવે લખનૌની CBI કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. આ સમય દરમિયાન કોર્ટે પોતાના નિરીક્ષણમાં એમ પણ કહ્યું હતું કે વિવાદિત માળખાને તોડી પાડવું એ પૂર્વઆયોજિત ઘટના ન હતી.

    વેપારમાં લાખોનું નુકસાન, પોતાના રૂપિયે લડ્યો કેસ

    રામજી ગુપ્તાએ અમને જણાવ્યું હતું કે તેમની કારખાનામાં મોટાભાગના મજૂરો મુસ્લિમ સમુદાયના હતા. તેમજ મુસ્લિમ સમાજના નાના વેપારીઓ મોટાભાગે પોતાનો માલ ખરીદવા આવતા હતા. જ્યારે વિવાદિત ઢાંચાને ધ્વસ્ત કરવાના કેસમાં CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ઘણા લોકોએ તેની બાકી નીકળતા રૂપિયા અટકાવી દીધા હતા. સાથે જ મુસ્લિમ મજૂરોએ પણ કામ કરવાની ના પાડી દીધી. રામજીએ 1992-93 વચ્ચેના સમયગાળાને યાદ કરતા જણાવ્યું હતું કે તેમના પરિવારને તે સમય દરમિયાન ધંધામાં આશરે 50 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. જામીન વગેરેની ટ્રાયલનો સંપૂર્ણ ખર્ચ રામજી ગુપ્તાના પરિવારે પોતાના જ ખિસ્સામાંથી ચૂકવ્યો હતો.

    બાળપણથી જ કર્યો હતો કટ્ટરપંથ સામે સંઘર્ષ

    રામજી ગુપ્તાએ પોતાના બાળપણને પણ યાદ કર્યું. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે જયારે તેઓ કિશોર વયના હતા તે સમયે પણ જ ટાંડા બજારમાં અનેક વાર સાંપ્રદાયિક તણાવ ઉભા થઈ જતા હતા. 80ના દશકામાં એક ઘટના લવ જેહાદની ઘટી હતી. તે સમયે પણ રમખાણ જેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ હતી, જેમાં રામજી ગુપ્તાએ પણ હિંદુઓને બચાવવા આગળ આવવું પડ્યું હતું. રામજી ગુપ્તાએ અમને તેમ પણ જણાવ્યું કે આજે 70 વર્ષની ઉમરે પણ તેઓ ધર્મ માટે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા તૈયાર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં