Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપશ્ચિમ બંગાળમાં 600થી વધુ બૂથ પર આવતીકાલે ફરી થશે મતદાન: પંચાયત ચૂંટણીમાં...

    પશ્ચિમ બંગાળમાં 600થી વધુ બૂથ પર આવતીકાલે ફરી થશે મતદાન: પંચાયત ચૂંટણીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચનો નિર્ણય

    જ્યારે ચૂંટણી જાહેર થઇ તે દિવસથી આજ સુધીના એક મહિનાના સમયગાળામાં હિંસામાં કુલ 35 લોકોનાં મોત થયાં છે. શનિવારે જે 16 મોત થયાં હતાં તેમાંથી 13 માત્ર મુર્શિદાબાદ, કૂચબિહાર અને માલદા આ ત્રણ જિલ્લાઓમાં જ નોંધાયાં હતાં.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન અમુક જિલ્લાઓમાં મોટાપાયે હિંસા થતાં મતદાનને અસર પહોંચી હતી. જેના કારણે હવે ચૂંટણી પંચે પુરૂલિયા, બિરભૂમ, જલપાઈગુડી અને દક્ષિણ 24 પરગણા જિલ્લાઓમાં મતદાન ફરીથી કરાવવાનો નિર્ણય કર્યો છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંગાળમાં 600થી વધુ મતદાન મથકો પર ફરીથી ચૂંટણી કરાવવામાં આવશે. આ એવાં મથકો છે જ્યાં ચૂંટણી પંચે મતદાન અમાન્ય ઘોષિત કર્યું હતું. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સોમવારે (10 જુલાઈ, 2023) 7 વાગ્યાથી આ મતદાન મથકો પર મતદાન શરૂ થશે અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. કુલ 604 બૂથમાંથી મુર્શિદાબાદમાં 175, માલદામાં 112, નાદિયામાં 89, ઉત્તર 24 પરગણામાં 46, દક્ષિણ 24 પરગણામાં 36, પૂરબા મેદિનીપુરમાં 31, હોંગલીમાં 29, દક્ષિણ દિનાજપુરમાં 18, જલપાઈગુડીમાં 12, બિરભૂમમાં 14, પશ્ચિમ મેદિનીપુરમાં 10, બાંકુરામાં 8, હવડામાં 8, પશ્ચિમ વર્ધમાનમાં 6, પુરુલિયામાં 4 અને પૂરબા વર્ધમાનપુરમાં 3 અને અલિપુરદૌરમાં 1 મતદાન મથક પર ફરીથી ચૂંટણી યોજાશે. 

    ચૂંટણી દરમિયાન મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી

    બંગાળમાં શનિવારે (8 જુલાઈ, 2023) ત્રિ-સ્તરીય પંચાયતોની કુલ 73,887 બેઠકો માટે મતદાન યોજાયું હતું. મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો તે 66.28 ટકા જેટલી રહી હતી. જોકે, આ દરમિયાન રાજ્યના સાત જિલ્લામાં મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે ચૂંટણી જાહેર થઇ તે દિવસથી આજ સુધીના એક મહિનાના સમયગાળામાં હિંસામાં કુલ 35 લોકોનાં મોત થયાં છે. શનિવારે જે 16 મોત થયાં હતાં તેમાંથી 13 માત્ર મુર્શિદાબાદ, કૂચબિહાર અને માલદા આ ત્રણ જિલ્લાઓમાં જ નોંધાયાં હતાં. અહીં મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી અને દિવસ દરમિયાન સમાચારો આવતા રહ્યા હતા. 

    - Advertisement -

    ચૂંટણીમાં મતદાન દરમિયાન છેડેચોક નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક યુવક હાથમાં બેલેટ બોક્સ લઈને ભાગતો જોવા મળ્યો હતો. બીજી તરફ, એક મતદાન મથકે ટોળાએ હુમલો કરી દેતાં મતદાન અટકી પડ્યું હતું. ક્યાંક કોઈએ બેલેટ બોક્સમાં પાણી રેડી દીધું હતું તો ક્યાંક આખું બોક્સ જ સળગાવી દેવાની ઘટનાઓ સામે આવી હતી. 

    બીજી તરફ, આજે ભારતીય જનતા પાર્ટીએ બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસી ઉપર માલદામાં બેલેટ બોક્સ બદલવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપ આઇટી સેલ હેડ અમિત માલવિયાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ભાજપ કાર્યકરોએ ટીએમસી કાર્યકરોને બેલેટ બોક્સ બદલતા પકડી પાડ્યા હતા. જ્યારે મુર્શિદાબાદમાંથી એક ગટરમાંથી ત્રણ બેલેટ બોક્સ મળી આવ્યાં હતાં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં