Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટક્યાંક બેલેટ બોક્સમાં લગાવાઈ આગ, ક્યાંક પાણી રેડી દેવાયું: પશ્ચિમ બંગાળ પંચાયત...

    ક્યાંક બેલેટ બોક્સમાં લગાવાઈ આગ, ક્યાંક પાણી રેડી દેવાયું: પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીની ચિંતાજનક તસ્વીરો, વિડીયોમાં બેલેટ બોક્સ લઈને ભાગતો જોવા મળ્યો યુવક

    કૂચબિહારના એક મતદાન મથક પર ટોળાએ બોગસ વોટિંગનો આરોપ લગાવીને બેલેટ બોક્સને જ આગ લગાડી દીધી હતી.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળમાં આજે પંચાયત ચૂંટણી માટે મતદાન હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી તરફ હિંસા પણ અટકવાનું નામ લઇ રહી નથી. ચોવીસ કલાકમાં લગભગ 10થી વધુ લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. જેમાં ભાજપ, TMC અને CPIM કાર્યકર્તાઓ સામેલ છે. મતદાન દરમિયાન બંગાળમાં ક્યાંક બેલેટ બોક્સ લઈને ભાગી જવાની ઘટના સામે આવી તો ક્યાંક બેલેટ બોક્સ જ સળગાવી દેવામાં આવ્યાં હતાં. વળી એક જગ્યાએ બોક્સ પર પાણી રેડવાની ઘટના સામે આવી હતી. 

    પશ્ચિમ બંગાળમાં આજે રાજ્યની કુલ 63,229 ગ્રામ પંચાયત બેઠકો, પંચાયત સમિતિની 9,730 બેઠકો અને જિલ્લા પરિષદની કુલ 928 બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઇ ગયું હતું. એક તરફ મતદાન શરૂ થયું તો બીજી તરફ ચૂંટણી જાહેર થઇ ત્યારથી શરૂ થયેલી હિંસાએ વધુ ભીષણ સ્વરૂપ પકડ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંગાળના મુર્શિદાબાદ, કૂચબિહાર, માલદા વગેરે ક્ષેત્રોમાં હત્યાની ઘટનાઓ સામે આવી છે. જેને લઈને રાજકીય પાર્ટીઓએ આરોપ-પ્રત્યારોપ શરૂ કરી દીધા છે. 

    પંચાયત ચૂંટણીના મતદાન વચ્ચે પશ્ચિમ બંગાળના કૂચબિહારનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ હાથમાં બેલેટ બોક્સ લઈને ભાગતો જોવા મળે છે. વિડીયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ હાથમાં બેલેટ બોક્સ લઈને ઝડપથી રસ્તા પરથી ભાગી રહ્યો છે. આ ઘટનાએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલ ઉભા કર્યા છે. 

    - Advertisement -

    અન્ય એક ઘટનામાં કૂચબિહારના જ એક મતદાન મથક પર ટોળાએ બોગસ વોટિંગનો આરોપ લગાવીને બેલેટ બોક્સને જ આગ લગાડી દીધી હતી. મતદાન મથકમાં જઈને તોડફોડ કરીને બેલેટ બોક્સ બહાર લઇ આવ્યા હતા અને આગ ચાંપી દીધી હતી. 

    સિન્દ્રાની ખાતે બેલેટ બોક્સમાં પાણી રેડી દેવાનો મામલો સામે આવ્યો હતો. જેનો પણ વિડીયો સામે આવ્યો છે, જેમાં એક બેલેટ બોક્સની ફરતે અમુક લોકો ઉભા રહેલા જોવા મળે છે, જેમાંથી એક વ્યક્તિ બોટલ લઈને બોક્સમાં પાણી રેડી દે છે. બેલેટ બોક્સમાં પાણી રેડી દેવાના કારણે મતદાનને પણ અસર પહોંચી હતી.

    આવી જ એક ઘટના દિનહાટાના એક મતદાન મથકે પણ નોંધાઈ હતી, જ્યાં બેલેટ બોક્સમાં પાણી રેડી દેવાના કારણે મતદાન અટકાવી દેવું પડ્યું હતું. બીજી તરફ, મુર્શિદાબાદમાં એક મતદાન મથકે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થતાં મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં