બેંગ્લોરમાં આયોજિત કરવામાં આવેલ ‘કૉમેડિયન’ વીર દાસનો શૉ આખરે વિરોધ બાદ રદ કરવો પડ્યો છે. હિંદુ જનજાગૃતિ સમિતિએ પોલીસ ફરિયાદ કરીને આ શૉ રદ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ હવે શૉ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યક્રમ આજે ગુરુવારે (10 નવેમ્બર 2022) આયોજિત કરવામાં આવ્યો હતો.
‘કૉમેડિયન’ વીર દાસે પણ આ બાબતે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી માહિતી આપી હતી. તેણે ‘અનિવાર્ય સંજોગો’ના કારણે બેંગ્લોરનો શૉ રદ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે એમ પણ કહ્યું હતું કે, નવી તારીખો અને વિગતો જલ્દીથી જ જાહેર કરવામાં આવશે.
વીર દાસનો આ શૉ બેંગ્લોરના મલ્લેશ્વરમમાં આવેલ મેમોરિયલ હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કૉમેડિયન વીર દાસ તેના એક વિવાદિત શૉના કારણે ઘણા સમયથી વિરોધનો સામનો કરી રહ્યો છે. અમેરિકામાં જઈને તેણે ભારતીય પરંપરાનું અપમાન કર્યું હતું, ત્યારથી ભારતમાં તેનો વિરોધ થઇ રહ્યો છે.
બેંગ્લોરમાં વીર દાસના શૉનું આયોજન થયું હોવાનું જાણવા મળતાં હિંદુ સંગઠન ‘હિંદુ જનજાગૃતિ સમિતિ’એ પોલીસ અધિક્ષકને એક પત્ર લખી આ શૉ રદ કરવાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે, તેના શૉ દ્વારા હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે અને દુનિયામાં ભારતનું નામ બદનામ થાય છે.
સમિતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કૉમેડિયને અગાઉ અમેરિકાના વોશિંગટન ડીસીના જ્હોન એફ કેનેડી સેન્ટરમાં યોજાયેલ કાર્યક્રમમાં મહિલાઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિશે આપત્તિજનક ટિપ્પણી કરીને દેશનું અપમાન કર્યું હતું. એમ પણ જણાવવામાં આવ્યું કે, આ કાર્યક્રમને લઈને તેની સામે મુંબઈ અને દિલ્હી પોલીસે ફરિયાદ પણ દાખલ કરી હતી.
ઉપરોક્ત બાબતોનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું કે, બેંગ્લોર જેવા સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારમાં આ પ્રકારના વિવાદિત વ્યક્તિને કાર્યક્રમ કરવા પરવાનગી આપવી યોગ્ય નથી. એમ પણ જણાવવામાં આવ્યું કે, કર્ણાટકમાં પહેલાં જ સાંપ્રદાયિક મુદ્દાઓના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વિકટમાં મૂકાઈ છે ત્યારે આવા કાર્યક્રમો થાય એ યોગ્ય નથી. જેથી સંગઠને તેને રદ કરવાની માંગ કરી હતી.
જોકે, વીર દાસ માટે કાર્યક્રમ રદ થવા કોઈ નવી વાત નથી. આ પહેલાં ગુજરાતમાં પણ આ કૉમેડિયને ઘણા શહેરોમાં શૉ આયોજિત કરી નાંખ્યા હતા, પરંતુ હિંદુ સંગઠનોએ વિરોધ કરતાં આખી ટૂર જ રદ કરવી પડી હતી.