Monday, September 9, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજ્ઞાનવાપીમાં બાકીના બંધ ભોયરાના ASI સર્વે માટે હિંદુ પક્ષે કરી અરજી, વારાણસી...

    જ્ઞાનવાપીમાં બાકીના બંધ ભોયરાના ASI સર્વે માટે હિંદુ પક્ષે કરી અરજી, વારાણસી કોર્ટે 15 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કર્યો: હાલ વ્યાસજી કા તહેખાનામાં ચાલે છે પૂજા

    રાખી સિંહના વકીલ અનુપમ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, અરજીમાં જણાવવામાં આવ્યું છે કે બાકીના બંધ ભોંયરાઓની અંદર 'ગુપ્ત ભોંયરાઓ' છે, અને તેનો સર્વે કરવો જરૂરી છે. જેથી જ્ઞાનવાપી મસ્જિદનું સત્ય બહાર આવી શકે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની વારાણસી જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં આવેલા વ્યાસજી કા તહેખાના (ભોયરા)માં હિંદુઓને પૂજા કરવાની મંજુરી આપી હતી. જેને લઈને મસ્જિદ સમિતિ અલાહાબાદ હાઈકોર્ટ પહોંચી હતી અને તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તેનો ઈનકાર કરી દીધો હતો. જે પછી હિંદુ પક્ષે બાકીના તમામ બંધ ભોયરાઓનો ASI સર્વે કરવાનો આદેશ આપવા વિનંતી કરતી અરજી કરી હતી. જેની મંગળવારે (06 ફેબ્રુઆરી 2024) થયેલી સુનાવણીમાં જિલ્લા જજ અનિલ કુમાર પંચમની કોર્ટે જ્ઞાનવાપીમાં બંધ ભોયરાના ASI સર્વે કરવાની વિનંતી કરતી અરજી પર સુનાવણી માટે આગામી 15 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.

    આ મામલે હિંદુ પક્ષના એડવોકેટ મદન મોહન યાદવે જણાવ્યું કે, જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં પક્ષકાર અને વિશ્વ વૈદિક સનાતન સંઘના સભ્ય રાખી સિંહે તેમની અરજીમાં ASIને કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં તમામ બંધ ભોંયરાઓનો સર્વે કરવાનો આદેશ આપવા વિનંતી કરી હતી. આ મુદ્દે જિલ્લા કોર્ટની સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે વાંધો ઉઠાવ્યો હતો. મુસ્લિમ પક્ષે કહ્યું કે, ભોયરાના સર્વેથી મસ્જિદને નુકશાન થશે જેથી સર્વેની અનુમતિ ન આપવામાં આવે.

    રાખી સિંહના વકીલ અનુપમ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, અરજીમાં જણાવવામાં આવ્યું છે કે બાકીના બંધ ભોંયરાઓની અંદર ‘ગુપ્ત ભોંયરાઓ’ છે, અને તેનો સર્વે કરવો જરૂરી છે. જેથી જ્ઞાનવાપી મસ્જિદનું સત્ય બહાર આવી શકે. આ સાથે અરજીમાં બંધ ભોયરાઓનો નકશો પણ સામેલ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    હિંદુ પક્ષના વકીલ મદન મોહન યાદવે કહ્યું, “હિંદુ પક્ષે કોર્ટને જણાવ્યું કે 1991ના કેસમાં હાઈકોર્ટે બાકીની કાર્યવાહી (સર્વે) કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશને ધ્યાને રાખીને બાકીના બંધ ભોંયરાઓનો પણ સર્વે કરવો જરૂરી છે. તેમણે જણાવ્યું કે, મુસ્લિમ પક્ષ અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીના વકીલોએ આ બાબતનો વિરોધ કર્યો અને કહ્યું કે, હાઈકોર્ટનો આવો કોઈ આદેશ નથી. આવી સ્થિતિમાં બાકીના ભોંયરાઓનો સર્વે કરવાનો આદેશ આપવા માટે કોઈ આધાર નથી. જે પછી બંને પક્ષોને સાંભળ્યા બાદ જિલ્લા કોર્ટે આગામી 15 ફેબ્રુઆરીની તારીખ આપી છે.

    હિંદુ પક્ષનો દાવો છે કે, ઔરંગઝેબના શાસન દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદ બનાવવા માટે ત્યાં રહેલા હિંદુ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. જ્ઞાનવાપી સંકુલના તાજેતરના બહાર આવેલા ASI સર્વે રિપોર્ટમાં આવી ઘણી બાબતો પ્રકાશમાં આવી છે જે ત્યાં મંદિર હોવાની પુષ્ટિ કરે છે.

    ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપીના વિવાદિત ઢાંચા નીચે આવેલા એક ભોંયરામાં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. ‘વ્યાસજી કા તહેખાના’ નામે ઓળખાતું આ ભોંયરુ જ્ઞાનવાપીના દક્ષિણ ભાગમાં આવેલું છે. અહીં 1993 સુધી પૂજા થતી હતી, પરંતુ તત્કાલીન મુલાયમ યાદવ સરકારે રોક લગાવી દીધી હતી. જે હવે વારાણસી જિલ્લા કોર્ટના આદેશથી અહીં ફરીથી પૂજા શરૂ કરવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં