Sunday, May 19, 2024
More
  હોમપેજગુજરાતગણેશ વિસર્જન-ઈદ એક જ દિવસે, વડોદરા પોલીસ સતર્ક...: 100થી વધુ સંવેદનશીલ વિસ્તારોમાં...

  ગણેશ વિસર્જન-ઈદ એક જ દિવસે, વડોદરા પોલીસ સતર્ક…: 100થી વધુ સંવેદનશીલ વિસ્તારોમાં ધાબાઓનું ચેકિંગ હાથ ધર્યું

  અગાઉની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પુનરાવર્તન ન થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ ખાસ ઝુંબેશ હાથ ધરી છે. તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાય એ માટે પોલીસે ગ્રાઉન્ડ લેવલનું ચેકિંગ હાથ ધર્યું છે.

  - Advertisement -

  દેશભરમાં ગણેશોત્સવનો પર્વ ચાલી રહ્યો છે. અનેક જગ્યાએ ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરીને શ્રદ્ધાળુઓ ભક્તિના રંગે રંગાયા છે. ગુજરાતમાં પણ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં વડોદરા શહેરમાં પોલીસ સતર્ક બની છે. કારણ કે ગણેશ વિસર્જન અને ઈદ એક જ દિવસે આવે છે. પોલીસે કડક સુરક્ષાના ભાગરૂપે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ધાબાઓનું ચેકિંગ હાથ ધર્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસે પૂર્વ તૈયારી આદરી દીધી છે.

  ગુજરાતના વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદનો તહેવાર એક જ દિવસે હોવાથી પોલીસે તંત્રએ સુરક્ષા અને સલામતીના ભાગરૂપે બંદોબસ્તનું આયોજન કર્યું છે. આ અગાઉ હિંદુ તહેવારોમાં સંવેદનશીલ વિસ્તારના હાઈરાઇઝ બિલ્ડિંગના ધાબા ઉપરથી પથ્થરો, બોટલો, જ્વલનશીલ પદર્શો ફેંકવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ ખાસ ઝુંબેશ હાથ ધરી છે. તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાય એ માટે પોલીસે ગ્રાઉન્ડ લેવલનું ચેકિંગ હાથ ધર્યું છે.

  100થી વધુ સંવેદનશીલ વિસ્તારોમાં હાથ ધરાઈ તપાસ

  પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા અને અન્ય અધિકારીઓ વડોદરા શહેરમાં સતત બાજ નજર રાખી રહ્યા છે. ગણેશોત્સવ ધામધૂમથી ઉજવી શકાય અને તેમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે 100થી વધુ સંવેદનશીલ વિસ્તાર તથા ગણેશ વિસર્જનના રૂટ પર આકસ્મિક ધાબા પોઈન્ટની ચકાસણી કરી હતી. આ ઉપરાંત ગણેશ વિસર્જન દરમિયાન ઘોડેસવાર પોલીસ અને ગ્રાઉન્ડ લેવલના બંદોબસ્તને પહોંચી વળવા માટે જિલ્લા બહારથી 10 ડીવાયએસપી, 35 પીઆઈ, 60 પીએસઆઈ, 600 પોલીસ જવાનો અને 1500 જેટલા હોમગાર્ડ બોલાવવામાં આવ્યા છે.

  - Advertisement -
  દિવ્ય ભાસ્કર, વડોદરા આવૃત્તિ- 22 સપ્ટેમ્બર

  ગુરુવારે (21 સપ્ટેમ્બરે) વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં એસીપી ભોજાણી અને સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ રાજેશ ચૌહાણ સહિત અધિકારીઓના કાફલાએ ધાબાઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન બિલ્ડિંગના ધાબા ઉપર જણાઈ આવેલ બિનજરૂરી સામાન દૂર કરાવી ગણેશ વિસર્જન તથા ઈદના તહેવાર સુધી પોત-પોતાની બિલ્ડિંગ, ધાબા ઉપર બિનજરૂરી વસ્તુઓ અને સામાન નહીં રાખવા ભલામણ કરી હતી.

  ભૂતકાળના અનેક કિસ્સાઓમાં હિંદુ શોભાયાત્રા પર થયો હતો પથ્થરમારો

  ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વડોદરા શહેરમાં આવી ઘટના બની ચૂકી હતી જેમાં રામનવનીની શોભાયાત્રા પર મુસ્લિમોએ પથ્થરમારો કર્યો હતો. એક જ દિવસમાં શહેરની બે જુદી-જુદી જગ્યાએ શોભાયાત્રા પર પથ્થરો ફેંકાયા હતા. સવારે શહેરના ફતેપુરાના પાંજરીગર મહોલ્લા ખાતેથી પસાર થતી રામયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે પણ શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી પસાર થતી ભગવાનની શોભાયાત્રા ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પંદરેક મિનિટ સુધી પથ્થરો ફેંકાતા રહ્યા હતા.

  આ ઉપરાંત હાલમાં જ ખેડાના ઠાસરામાં ભગવાન શિવની શોભાયાત્રા પર મદરેસાપરથી પથ્થરો ફેંકવાનો કિસ્સો સામે આવ્યો હતો. ખેડાના ઠાસરામાં શુક્રવારે (15 સપ્ટેમ્બર, 2023) દર વર્ષની જેમ ભગવાન શિવજીની શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા નાગેશ્વર મહાદેવ મંદિરેથી નીકળીને બળિયાદેવ મંદિર, રામચોક, ટાવર બજાર, હુસૈની ચોક, હોળી ચકલા, તીનબત્તી અને આશાપુરી મંદિરથી પરત નાગેશ્વર મંદિરે યાત્રા પરત ફરવાની હતી. જે માટે કાયદાકીય મંજૂરી પણ મેળવવામાં આવી હતી તો સાથે પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવ્યો હતો.

  સવારે 11 વાગ્યે નીકળેલી આ યાત્રા બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં નગરના તીનબત્તી ચોક સુધી પહોંચતાં અહીં સ્થિત મદરેસા પાસે મુસ્લિમ સમુદાયના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેમણે યાત્રામાં વાગતાં ડીજે બંધ કરાવવા માટે આયોજકો સાથે માથાકૂટ કરી હતી. આ કેસમાં નોંધાયેલી FIRમાં જણાવવામાં આવ્યું છે કે, ત્યારબાદ મદરેસા અને આસપાસનાં ઘરોમાંથી પથ્થરો ફેંકાવા માંડ્યા હતા અને ‘હિંદુઓને મારો, જીવતા ન જવા જોઈએ’ની બૂમો સંભળાઈ હતી. હુમલામાં પોલીસ કર્મચારીઓ તેમજ અમુક શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી હતી.

  ઘટના બાદ બીજા દિવસે પોલીસે મદરેસાની તપાસ કરતાં છત પરથી મોટા પ્રમાણમાં પથ્થરો મળી આવ્યા હતા. જેના કારણે આ કાવતરું પૂર્વનિયોજિત હોવાની શંકા પણ જઈ રહી છે. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં