થોડા દિવસ પહેલાં વડોદરા શહેરમાંથી મુસ્લિમ યુવાનોની એક ગેંગ પકડાઈ હતી, જેમણે શહેરમાં હિંદુ યુવકો સાથે મિત્રતા રાખતી મુસ્લિમ યુવતીઓને ટાર્ગેટ કરવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું અને આખા શહેરના યુવાનોને જોડ્યા હતા. જે વિડીયોના આધારે આ સમગ્ર નેટવર્કનો ભંડાફોડ થયો તેને વાયરલ કરનાર પણ હવે ઝડપાઇ ગયો છે. તેની ઓળખ જુનેદ બાવરચી તરીકે થઇ છે.
વાસ્તવમાં, બે મહિના પહેલાં વડોદરાના અકોટાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે તાજેતરમાં શહેર પોલીસના ધ્યાને ચડી ગયો હતો. વીડિયોમાં એક મુસ્લિમ યુવતી અને એક હિંદુ યુવક સાથે બેઠેલાં જોવા મળે છે, જ્યાં કટ્ટરપંથી મુસ્લિમ યુવાનોનું એક જૂથ પહોંચી જાય છે અને હોબાળો મચાવે છે તેમજ યુવક સાથે દાદાગીરી કરે છે.
પોલીસે તપાસ કરતાં આ વિડીયો વડોદરા શહેરનો અને બે મહિના પહેલાંનો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે પોતાના નેટવર્કની મદદથી તપાસ કરતાં જાણવા મળ્યું કે આ એકલદોકલ કિસ્સો નથી પરંતુ આની પાછળ એક આખી ગેંગ કામ કરે છે અને શહેરમાં જ્યાં પણ મુસ્લિમ યુવતી-હિંદુ યુવક જોવા મળે ત્યાં પહોંચીને વિડીયો ઉતારીને તેમને બ્લેકમેલ કરે છે તેમજ તેમના પરિવારો સુધી પણ પહોંચી જાય છે.
અકોટાનો આ વાયરલ વિડીયો ઉતારનાર જુનેદ બાવરચીની વડોદરા પોલીસે રવિવારે (3 સપ્ટેમ્બર, 2023) ધરપકડ કરી લીધી હતી, જેની સાથે પકડાયેલા આરોપીઓનો આંકડો 9 પર પહોંચ્યો છે. જુનેદ જફર બાવરચી વડોદરાના નવાપુરાના મહેબૂપુરામાં રહે છે. તેણે જ અકોટા બ્રિજ પરનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો.
અત્યાર સુધી 9 મુસ્લિમ યુવકો પકડાયા
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ થઇ છે. સૌથી પહેલાં પોલીસે વોટ્સએપ ગ્રુપ ‘આર્મી ઑફ મહેંદી’ના 3 એડમિનોની ધરપકડ કરી હતી. જેમની ઓળખ મુસ્તકિન ઈમ્તિયાઝ શેખ, બુરહાન નજુમિયાં સૈયદ અને સાહિલ શાહબુદ્દીન શેખ તરીકે થઇ હતી. તેઓ યુગલોને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવેલા ગ્રુપના એડમિન હતા. ત્યારબાદ પોલીસે બીજા દિવસે આ ગ્રુપના અન્ય પાંચની ધરપકડ કરી હતી. હવે વધુ એક ઝડપાયો છે.
આ યુવાનો શહેરમાં વૉચ રાખતા અને ક્યાંક કોઈ મુસ્લિમ યુવતી હિંદુ યુવક સાથે જતી જોવા મળે તો એપની મદદથી યુવકના વાહનનો નંબર જાણતા અને હિંદુ હોવાનું જાણવા મળે તો તેનો પીછો કરીને મારપીટ કરતા અને તેમના પરિવાર સુધી પણ પહોંચી જતા હતા. પોલીસની નજરમાં ન આવી જાય તે માટે તેઓ દર બે-ત્રણ મહિને વોટ્સએપ ગ્રૂપ બદલતા રહેતા. અત્યાર સુધીમાં તેમણે 3 ગ્રુપ બદલ્યાં હતાં. જેમાં સેંકડો સભ્યો હતો.