ઉત્તર પ્રદેશમાંથી (Uttar Pradesh) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક શોહરે તેની બીવી પાસે દહેજની માંગ (Dowry Demand) કરીને ટ્રિપલ તલાક (Triple Talaq) આપી દીધા હતા. બાદમાં જયારે સમગ્ર મામલો પંચાયતમાં પહોંચ્યો ત્યારે શોહરે તેની બીવી સામે વિચિત્ર શરત મૂકી દીધી હતી. તેણે પંચાયતમાં શરત મૂકી કે જો તેની બીવી તેના નાના ભાઈ સાથે હલાલા (Halala) કરશે તો જ તે તેની બીવીનો સ્વીકાર કરશે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના બાંદા જિલ્લાના કોટવાલી વિસ્તારની છે. વર્ષ 2017માં પીડિતાના નિકાહ મહોબાના રહેવાસી રઈશ ખાનના પુત્ર ફિરોઝ ખાન સાથે થયા હતા. નિકાહ પછીથી જ તેની સાસરીવાળા તેને દહેજ મામલે પરેશાન કરતા હતા. તેની પાસે ત્રણ લાખ અને બાઈકની માંગણી કરતા હતા અને આ બધું આપવા પર જ ઘરમાં રહેવા મળશે એવી ધમકી પણ આપતા હતા.
જયારે પીડિતાએ દહેજ આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેના સાસરીવાળા તેને શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરતા હતા. પીડિતાએ પિયરમાં ફરિયાદ કરતાં આ મામલે પંચાયત બેસાડવામાં આવી અને બંને પક્ષો વચ્ચે ચર્ચા થઇ. તેમ છતાં તેના સાસરી પક્ષના લોકો સુધાર્યા નહીં અને દેહેજ માટેની માંગણીઓ કરવા લાગ્યા. દહેજની માંગ પુરી ન થતા ફિરોઝ તેની બીવીને શારીરિક રીતે પ્રતાડિત કરવા લાગ્યો.
નોંધનીય છે કે ફિરોઝ અને પીડિતાની એક પુત્રી પણ છે. પીડિતાના પિતા નથી અને પિયર પક્ષની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. સમગ્ર પરિસ્થિતિની જાણકારી હોવા છતાં પીડિતા પાસે દહેજની માંગ કરવામાં આવતી હતી. દહેજની માંગ પુરી ન થતા ફિરોઝે તેની બીવી સાથે મારપીટ કરી અને તેને ટ્રિપલ તલાક આપી ઘરની બહાર કાઢી મૂકી હતી.
તલાક બાદ પીડિતાએ તેની માતાને સમગ્ર ઘટના જણાવતા આ મામલે નિર્ણય લેવા ફરીથી પંચાયત બેસી હતી. ત્યારે ભરી પંચાયત વચ્ચે ફિરોઝે તેની બીવી સમક્ષ એવી શરત મૂકી કે જો તે તેની દહેજની માંગણીઓ પુરી કરશે અને તેના નાના ભાઈ સાથે હલાલા કરશે તો જ તેને સ્વીકારવામાં આવશે. ત્યારપછી પીડિતાએ ત્રાસીને એસપી સમક્ષ તેના શોહર અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
ફરિયાદ બાદ એસપીએ તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. જે બાદ પોલીસે પીડિતાના શોહર ફિરોઝ સહિત 7 સાસરિયાઓ સામે ટ્રિપલ તલાક સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે કોઈ પણ શોહર તેની બીવીને ટ્રિપલ તલાક આપે તો તે કાયદેસર ગુનો ગણાય છે.
શું છે હલાલા
મુસ્લિમ સમુદાયમાં કોઈ શોહર તેની બીવીને ટ્રિપલ તલાક અથવા તલાક આપે પછી જો તે જ સ્ત્રી સાથે ફરીથી નિકાહ કરવા હોય તો સ્ત્રીએ હલાલા કરવા પડે છે. હલાલા એટલે કે તેના પૂર્વ શોહર સિવાયના કોઈ બીજા પુરૂષ સાથે નિકાહ કરીને તેની સાથે એક રાત સાથે કાઢવાની. મોટા ભાગે હલાલા શોહરના જ પરિવારના કોઈ પુરૂષ એટલે અબ્બુ નાના કે મોટા ભાઈ સાથે થતા હોય છે. ક્યારેક કોઈ મૌલવી સાથે પણ હલાલા કરવામાં આવતા હોય છે. જો બીવી હલાલા પુરા કરે તો જ તે તેના શોહર સાથે ફરીથી નિકાહ કરી શકે છે.