Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક સમયે અતીક અહમદે પચાવી પાડી હતી જમીન, ત્યાં હવે પીએમ આવાસ...

    એક સમયે અતીક અહમદે પચાવી પાડી હતી જમીન, ત્યાં હવે પીએમ આવાસ યોજના હેઠળ ગરીબો માટે મકાન બનાવી રહી છે યોગી સરકાર: 76 ફ્લેટની ફાળવણી થશે

    અતીકે એક સમયે લૂકરગંજની 1731 ચો.મી.ની જમીન પચાવી પાડી હતી, હવે તેને મુક્ત કરાવી દેવામાં આવી છે અને ત્યાં મકાનોનું નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર માફિયાઓ અને ગેંગસ્ટરના કબજામાંથી છૂટેલી જમીન પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબો માટે સસ્તા મકાન બનાવી રહી છે. તાજેતરમાં જ માર્યા ગયેલા માફિયા-ગેંગસ્ટર અતીક અહમદે પ્રયાગરાજમાં કેટલીક જમીન પચાવી પાડી હતી. આ જમીન તેના કબ્જામાંથી મુક્ત કરાવીને હવે યોગી સરકારે ત્યાં મકાનો બનાવવાનું શરૂ કર્યું છે. અહીં 76 જેટલા ફ્લેટનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.

    અતીક અહમદના કબજામાંથી મુક્ત થયેલી જમીન પર ફક્ત સાડા ત્રણ લાખ રૂપિયામાં ગરીબોને ફ્લેટ આપવામાં આવશે. અતીકે એક સમયે લૂકરગંજની 1731 ચો.મી.ની જમીન પચાવી પાડી હતી, હવે તેને મુક્ત કરાવી દેવામાં આવી છે અને ત્યાં મકાનોનું નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, સારી ગુણવત્તા અને સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં રાખીને આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહી છે. અહીં લોકોને પાર્કિંગની સુવિધા, કમ્યુનિટી હોલ અને કોમન એરિયા જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે.

    રિપોર્ટ મુજબ, પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (PDA) દ્વારા બાંધવામાં આવી રહેલા મકાનોની ફાળવણી માટે આશરે 6000 જેટલી અરજીઓ આવી હતી અને તેમાંથી 5000થી વધુ અયોગ્ય સાબિત થઈ છે. PDA અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમને 6,030 અરજીઓ મળી હતી અને તેમાંથી માત્ર 903 જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બની રહેલા 76 મકાનોની ફાળવણી માટે લોટરીમાં ભાગ લઈ શકશે.

    - Advertisement -

    જાણવા મળ્યા અનુસાર, PDA દ્વારા 1731 ચો.મી.ની જમીન પર બે બ્લોક બનાવવામાં આવી રહ્યા છે અને તેમાં ત્રણ માળની બિલ્ડિંગનું નિર્માણ થશે. A બ્લોકમાં 36 ફ્લેટ, જ્યારે B બ્લોકમાં 40 ફ્લેટ હશે. રાજ્ય સરકારે સપ્ટેમ્બર 2021માં આ જમીન હસ્તગત કરી હતી અને સીએમ યોગી આદિત્યનાથે ડિસેમ્બર 2021 માં પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

    પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવતા ફ્લેટની ખરીદી માટે રૂ. 5,160 ની રજિસ્ટ્રેશન ફી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રજિસ્ટ્રેશન ફી તરીકે PDA એ કુલ 3.14 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જે અરજીકર્તાઓ આ યોજના માટે ગેરલાયક ઠર્યા છે તેમને રિફંડ આપવામાં આવશે.

    અતીક અહમદ અને તેના ભાઈ અશરફની કેમેરા સામે થઈ હતી હત્યા

    માફિયા અને ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રયાગરાજમાં બંનેને જ્યારે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન ત્રણ યુવકોએ તેમના પર ગોળી ચલાવી હતી. હાલ આ ત્રણેય જેલમાં બંધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં