તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક મદરેસામાં નકલી નોટો છાપવાનું રેકેટ પકડાયું હતું. આ કેસમાં પોલીસે પ્રિન્સિપાલ મૌલવી સહિત 4 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ત્યારબાદ ચાલેલી તપાસમાં સામે આવ્યું હતું કે નકલી નોટો છાપતી આ જામિયા હબીબિયા મસ્જિદ-એ-આઝમ મદરેસાની ઈમારત ગેરકાયદેસર છે. જાણકારી સામે આવ્યા બાદ 4 સપ્ટેમ્બરે સ્થાનિક તંત્રે તાળાં મારી દીધાં હતાં. પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (PDA) દ્વારા ગેરકાયદે મદરેસાને સીલ મારી દેવામાં આવી હતી. હવે તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવી શકે તેવી માહિતી મળી રહી છે.
તપાસમાં સામે આવ્યું હતું કે PDA પાસેથી નકશો પાસ કરાવ્યા વગર જ બે માળની ઈમારત તાણી બાંધવામાં આવી હતી, જેમાં કુલ 12 રૂમ બનાવવામાં આવ્યા હતા. આ મામલે મદરેસા સંચાલકોને નોટિસ પાઠવીને 15 દિવસમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જો સંતોષકારક જવાબ નહીં મળે તો ગેરકાયદે બનેલા મદરેસાના મકાન પર બુલડોઝર ચલાવવામાં આવશે. PDAએ મદરેસા સીલ કરીને દરવાજા પર એક નોટિસ ચોંટાડી દીધી હતી.
આ મામલે મદરેસાના ખજાનચીએ કેસની તપાસ કરી રહેલ અધિકારી સમક્ષ એવો દાવો કર્યો હતો કે મદરેસા વર્ષ 1942થી ચાલી રહી છે અને તેનું રજિસ્ટ્રેશન 1982માં કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી તરફ PDA અધિકારીઓનું કહેવું છે કે રેકોર્ડ અનુસાર જ્યાં જામિયા હબીબિયા માજીદે આલમ કમ્પાઉન્ડ છે ત્યાં આબિદ હબીબીના ઘરનો નંબર 140 નોંધાયેલો છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મદરેસા 300 સ્ક્વેર ફૂટની જગ્યામાં ફેલાયેલી છે. જ્યાં 100થી વધુ બાળકો માટે રહેવા, ભોજન અને રોકાવાની વ્યવસ્થા છે. પરિસરમાં કુલ 40 રૂમ છે. તેમાં 2 મોટા હોલ, 20 બાથરૂમ, પાર્કિંગ, વજુખાના, નમાજ પઢવાની જગ્યા, મેસ વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય ત્યાં પ્રિન્સિપાલ ઑફિસ અને નિવાસ પણ બનાવવામાં આવ્યાં છે. ગેરકાયદેસર બાંધવામાં આવેલી આ મદરેસાની કિંમત 100 કરોડ આસપાસ આંકવામાં આવી રહી છે.
કુલ 106 બાળકોની નોંધણી, ઘરે મોકલાયાં
પોલીસનું કહેવું છે કે પૂછપરછ અને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મદરેસામાં એડમિશન રજિસ્ટરમાં છ રાજ્યોનાં કુલ 106 બાળકોની નોંધણી કરવામાં આવી છે. નકલી નોટો છાપવાનું રેકેટ પકડાયું ત્યારે લગભગ 35 બાળકો તેમના ઘરે ગયાં હતાં. કેસ સામે આવતાં બાકીનાં બાળકોને પણ તેમના ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં. પ્રાપ્ત જાણકારી અનુસાર, બિહાર, ઝારખંડ, બંગાળ, ઓડિશા સહિત છ રાજ્યોનાં બાળકો મદરેસામાં તાલીમ લઈ રહ્યાં હતાં. જ્યારે તેમને તાલીમ આપનારા મૌલવીઓની સંખ્યા 12 હોવાનું જાણવા મળ્યું છે.
અપાતી હતી નફરતી તાલીમ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ તપાસમાં સામે આવ્યું હતું કે આ મદરેસામાં બાળકોને નફરતી તાલીમ પણ આપવામાં આવી રહી હતી. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન (RSS)ને આતંકવાદી સંગઠન ગણાવીને મુંબઈનો 2008નો 26/11નો હુમલો પણ હિંદુઓએ કર્યો હોવાનું ભણાવવામાં આવી રહ્યું હતું. આ સાથે સાઉદી અરબ અને તૂર્કી જેવા દેશોમાંથી મદરેસાને ફન્ડિંગ મળ્યું હોવાનું પણ સામે આવતાં તે દિશામાં પણ એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. હાલ એજન્સીઓ આ મદરેસામાં ભણી ચૂકેલાં બાળકોની પણ શોધખોળ હાથ ધરી રહી છે. બીજી તરફ, ગેરકાયદેસર હોવાનું સામે આવતાં બુલડોઝર એક્શન પણ તોળાઈ રહી છે.