તાજેતરમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી. અહીં એક 12 વર્ષીય બાળકી અર્ધનગ્ન અવસ્થામાં લોહીથી લથબથ હાલતમાં આઠેક કિલોમીટર સુધી ફરતી રહી અને મદદ માંગતી રહી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. તેની સાથે રેપ થયો હતો. આ ઘટનાને લઈને એક તરફ પોલીસ તપાસ કરી રહી છે ત્યાં બીજી તરફ હિંદુવિરોધીઓ પણ સક્રિય થઈ ગયા છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના એક કાર્ટૂનિસ્ટે હિંદુવિરોધી કાર્ટૂન દ્વારા ગૌપૂજા કરતા હિંદુઓને ટાર્ગેટ કર્યા.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના ચીફ કાર્ટૂનિસ્ટ સંદીપ અધ્વર્યુએ શૅર કરેલા એક કાર્ટૂનમાં એક નાની બાળકીને લોહીથી લથબથ હાલતમાં, ફાટેલાં કપડાં સાથે ચાલતી દર્શાવવામાં આવી છે. પાછળની તરફ એક ગાય અને સાથે તેની પૂજા કરતા હિંદુઓને દર્શાવવામાં આવ્યા છે. કાર્ટૂન થકી એવું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે રેપ પીડિત બાળકી મદદ માંગતી રહી પરતનું હિંદુઓ ગાયની પૂજા કરવામાં વ્યસ્ત રહ્યા અને બાળકીની મદદે કોઇ ન આવ્યું.
જોકે, સંદીપે પછીથી X પર એક પોસ્ટ કરીને કહ્યું હતું કે આ કાર્ટૂન તેમણે પોતાની રીતે બનાવ્યું હતું અને ટાઈમ્સ ઑફ ઇન્ડિયા સાથે તેને કશું જ લાગતું-વળગતું નથી. જોકે, તેમણે પહેલાં જ્યારે પોસ્ટ કર્યું હતું ત્યારે તેમાં સ્પષ્ટપણે ટાઈમ્સ ઑફ ઇન્ડિયાનો લૉગો, પોતાનું નામ અને TOIમાં જ્યાં કાર્ટૂન આવે છે તે વિભાગ ‘લાઈન ઑફ નો કન્ટ્રોલ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ પોસ્ટમાં કાર્ટૂનિસ્ટે કહ્યું કે, આગલી એક પોસ્ટમાં TOIનો લૉગો હતો, જે હટાવવાનું તેઓ ભૂલી ગયા હતા.
એક તરફ જ્યાં આ ઘટના દ્વારા હિંદુઓને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યાં બીજી તરફ સત્ય એ છે કે બાળકીની મદદે આવનાર સ્વયં એક આશ્રમના સંચાલક હતા. તેમનું નામ રાહુલ શર્મા છે. બાળકી શહેરમાં 8 કિલોમીટર સુધી ભટકતી રહી અને કોઇ મદદ મળી ન હતી. આખરે જ્યારે તે શહેરના બડનગર રોડ સ્થિત દાંડી આશ્રમ ખાતે આવી પહોંચી ત્યારે આચાર્ય રાહુલ શર્માએ તેની મદદ કરી અને પોલીસને જાણ કરી હતી.
આચાર્ય રાહુલ શર્માએ મીડિયાને જણાવ્યું કે, સોમવારે સવારે 9:30 વાગ્યે તેઓ આશ્રમમાંથી એક કામ માટે નીકળી રહ્યા હતા ત્યારે તેમણે બાળકીને જોઈ હતી. તેમણે કહ્યું, “મેં જઈને જોયું તો માત્ર ઉપરી વસ્ત્ર હતું. મેં મારું અંગવસ્ત્ર ઉતારીને તેને આપ્યું, જેનાથી તેણે શરીર ઢાંક્યું. તે કશું પણ બોલી શકતી ન હતી. જેવું મેં જોયું તો તેને છોડીને જઈ ન શક્યો. તરત 100 નંબર પર કૉલ કર્યો પણ સંપર્ક સ્થાપિત ન થઈ શક્યો તો મહાકાલ પોલીસ મથકે ફોન કરીને જાણ કરી. ત્યારબાદ 20-25 મિનીટમાં ગાડી આવી. ત્યારબાદ તેઓ તેને લઈને ચાલ્યા ગયા.”
"वो बेहद बुरी स्थिति में थी…": दुष्कर्म पीड़िता की मदद करने वाले उज्जैन के पुजारी ने सुनाई दास्तां pic.twitter.com/L28wUHqoc4
— NDTV India (@ndtvindia) September 28, 2023
તેમણે એમ પણ જણાવ્યું કે, પોલીસ આવી ત્યાં સુધીમાં તેમણે બાળકીને આશ્રમમાં ભોજન પણ કરાવ્યું અને તે દરમિયાન ઘણી વખત રહેઠાણ, માતા-પિતા વગેરે વિશે જાણવાના પ્રયાસ કર્યા, પરંતુ તે બરાબર બોલી શકતી ન હતી. તેમણે ડાયરી-પેન પણ આપ્યાં, પરંતુ તે લખી શકી ન હતી. આખરે પોલીસે પહોંચીને આગળની કાર્યવાહી કરી અને બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.