શનિવારે (14 ઓક્ટોબર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC ક્રિકેટ વર્લ્ડ કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને પછડાટ આપી. આ મેચ દરમિયાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે, જેમાંથી એકમાં જોવા મળે છે કે પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ રિઝવાન પેવેલિયન પરત ફરે છે ત્યારે ભારતીય ક્રિકેટચાહકો ‘જય શ્રીરામ’ના નારા લગાવે છે. આ વીડિયો પર તમિલનાડુના મુખ્યમંત્રીના પુત્ર અને DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનને વાંધો પડ્યો છે.
ઉદયનિધિ સ્ટાલિને આ વીડિયો ટ્વિટ કરીને ભડાશ કાઢી અને કહ્યું કે, આ નફરત ફેલાવનારું છે અને તેની ટીકા થવી જોઈએ. 8 સેકન્ડનો આ વીડિયો પોસ્ટ કરીને ઉદયનિધિ લખે છે, “ભારત ખેલદિલી અને યજમાની માટે જાણીતું છે. પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો તે અસ્વીકાર્ય છે. રમતગમત તો દેશો વચ્ચે એકતા સ્થાપવાનું કામ કરે છે, ભાઈચારો વધારે છે. તેનો ઉપયોગ નફરત ફેલાવવા માટે કરવો એ નિંદનીય છે.”
India is renowned for its sportsmanship and hospitality. However, the treatment meted out to Pakistan players at Narendra Modi Stadium in Ahmedabad is unacceptable and a new low. Sports should be a unifying force between countries, fostering true brotherhood. Using it as a tool… pic.twitter.com/MJnPJsERyK
— Udhay (@Udhaystalin) October 14, 2023
અહીં જ્યારે ઉદયનિધિ સ્ટાલિન ભાઈચારા અને એકતાની વાત કરે છે ત્યારે એ પણ નોંધવું જોઈએ કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ ‘અમન કી આશા’ માટે પાકિસ્તાનનાં ભારતવિરોધી કારસ્તાનો માફ કરી દઈને ક્રિકેટનો ‘સ્પોર્ટ્સ ડિપ્લોમસી’ માટે ઉપયોગ કર્યો હતો અને બીજી તરફ પાકિસ્તાને ભારત પર હુમલા ચાલુ રાખ્યા હતા. પરંતુ પીએમ મોદી સત્તામાં આવ્યા બાદ ભારતે કડક વલણ અપનાવીને જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ પર લગામ નહીં લગાવે ત્યાં સુધી કોઈ પણ દ્વિપક્ષીય સીરીઝ રમવાની ના પાડી દીધી છે. ભારત-પાકિસ્તાન માત્ર ICC ઇવેન્ટ્સમાં જ સામસામે જોવા મળે છે.
વાત તાજેતરની મેચની કરવામાં આવે તો તેમાં પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ માત્ર 191 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઇ હતી અને તેમના ખેલાડીઓ પૂરી 50 ઓવર પણ પૂરી કરી શક્યા ન હતા. બીજી તરફ, ભારતે સાવ સરળતાથી લક્ષ્યાંકનો પીછો કરીને મેચ 7 વિકેટે જીતી લીધી હતી. આ મેચ દરમિયાન ભારતીય ચાહકોએ અનેક વખત ‘જય શ્રીરામ’, ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારા લગાવ્યા હતા. જોકે, ઇસ્લામી કટ્ટરપંથીઓ અને વામપંથીઓને દર વખતની જેમ આ નારામાં પણ વાંધો પડ્યો.
ઉદયનિધિ સ્ટાલિનની વાત કરીએ તો તેઓ એ જ નેતા છે જેમણે થોડા સમય પહેલાં સનાતન ધર્મને ડેન્ગ્યૂ-મેલેરિયાની જેમ જડમૂળમાંથી નષ્ટ કરવાની વાત કરીને કરોડો સનાતનીઓની લાગણીઓને ઠેસ પહોંચાડી હતી. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ઘણી એવી બાબતો હોય છે જેનો માત્ર વિરોધ જ ન થવો જોઈએ પરંતુ તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવવો જોઈએ, આવું જ સનાતન ધર્મ સાથે પણ થવું જોઈએ. આગળ કહ્યું હતું કે, “મેલેરિયા, ડેન્ગ્યુ, ફ્લુ, કોરોના, આ બધાનો આપણે માત્ર વિરોધ જ ન કરવો જોઈએ પરંતુ તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવવો જોઈએ. સનાતન સાથે પણ આવું જ કંઈક છે. આપણું પહેલું કામ સનાતનમનો વિરોધ કરવાની જગ્યાએ તેને ખતમ કરવાનું હોવું જોઈએ. આ નિવેદનને લઈને તેમનો ખૂબ વિરોધ થયો હતો.