રાજસ્થાનના ઉદયપુરમાં એક સરકારી શાળાની બહાર એક હિંદુ વિદ્યાર્થીને સાથે ભણતા એક મુસ્લિમ વિદ્યાર્થીએ ચાકુ મારી દેતાં શહેર સહિત રાજ્યમાં આક્રોશ છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ ખડેપગે છે ત્યારે બીજી તરફ ભજનલાલ સરકારના આદેશથી આરોપીના ઘર પર બુલડોઝર એક્શન લેવામાં આવી છે. ઘર વન વિભાગની જમીન પર અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યું હોવાનું સામે આવતાં સ્થાનિક તંત્રે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્યવાહી શનિવારે (17 ઑગસ્ટ) બપોરે હાથ ધરવામાં આવી. દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાફલો ઉપસ્થિત રહ્યો. જે વિડીયો સામે આવ્યા છે તેમાં પોલીસ બળની હાજરીમાં બુલડોઝર ઘર તોડતાં જોવા મળી રહ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર, ઉદયપુરની ખાંજીપીરની દિવાનશાહ કોલોનીમાં આરોપીનું ઘર હતું, જે ગેરકાયદેસર હોવાનું ધ્યાને આવતાં કાર્યવાહી કરવામાં આવી.
Rajasthan: A Bulldozer action was carried out at the residence of the accused in the Udaipur child attack case. pic.twitter.com/JybgplY0bD
— IANS (@ians_india) August 17, 2024
પત્રિકાના રિપોર્ટ અનુસાર, ઘટના બાદ ધ્યાને આવ્યું હતું કે આરોપીનું ઘર જ્યાં સ્થિત છે તે જમીન વાસ્તવમાં વન વિભાગની છે. ત્યારબાદ વિભાગને આ બાબતની જાણ કરવામાં આવી અને અધિકારીઓએ સ્થળ પર જઈને પુષ્ટિ કરી હતી અને ખરાઈ કરીને નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ વિભાગે પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર નિર્માણ ધ્વસ્ત કરી દીધું.
બીજી તરફ, મામલામાં સારવાર લઇ રહેલા બાળકની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉદયપુરના કલેક્ટર અરવિંદ કુમાર પોસવાલે જણાવ્યું હતું કે, “અમારી પ્રાથમિકતા એ છે કે બાળકને યોગ્ય સારવાર મળે. અહીંના ડૉક્ટરો સાથે વાત કર્યા બાદ જયપુર પણ વાત કરવામાં આવી, જ્યાંથી મુખ્યમંત્રીના આદેશથી ત્રણ ડૉક્ટરોની ટીમ મોકલવામાં આવી છે.”
#WATCH | Udaipur, Rajasthan: Udaipur Collector Arvind Kumar Poswal says, "Our priority is that the child should get a proper treatment… There has been an improvement in the condition of the child… I request everyone to not spread rumours… The accused have been detained to… pic.twitter.com/XRPVzeJCW2
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 17, 2024
તેમણે આગળ કહ્યું, “બાળકની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, જે આપણા માટે આનંદની વાત છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે તેને સારામાં સારી સારવાર મળી શકે.” તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ જાળવી રાખે. બીજી તરફ, આરોપીની અટકાયત કરી લેવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ ઘટના રાજસ્થાનના ઉદયપુરની છે. અહીં એક સ્કૂલની બહાર એક વિદ્યાર્થીને સાથે ભણતા અન્ય એક વિદ્યાર્થીએ ચાકુ મારી દીધું હતું, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનામાં આરોપી મુસ્લિમ સમુદાયમાંથી આવે છે, જ્યારે પીડિત વિદ્યાર્થી હિંદુ છે. ઘટના સામે આવ્યા બાદ ઉદયપુરમાં હિંદુ સંગઠનોએ બંધનું એલાન કર્યું હતું તેમજ આરોપીઓને કડકમાં કડક સજાની માંગ સાથે પ્રદર્શનો પણ યોજવામાં આવ્યાં હતાં.