ઉત્તર પ્રદેશના આગ્રાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હિંદુ મહાસભાના 2 યુવકોએ તાજમહેલમાં ગંગાજળથી જળાભિષેક કરીને હર-હર મહાદેવના જયનાદ લગાવ્યા છે. આ ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે. ઘટના બાદ પોલીસે બંને યુવકોની અટકાયત કરી છે. યુવકોએ ગંગાજળનો અભિષેક કર્યા બાદ તાજમહેલની અંદરની દીવાલ પર ‘ૐ’ લખેલું સ્ટીકર પણ લગાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, પકડાયેલા યુવકો પોતે હિંદુ મહાસભાના કાર્યકર્તા હોવાનો દાવો કરી રહ્યા છે. સહુથી પહેલાં CISFએ બંનેને ઝડપી લીધા હતા. બાદમાં તેમને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. હાલ પોલીસ બંને યુવકોની પૂછપરછ કરી રહી છે. સામે આવેલી માહિતી અનુસાર, બંને યુવક મથુરાના રહેવાસી છે. આ મામલે તાજગંજ પોલીસ સ્ટેશનમાં બંને યુવકો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
આ આખી ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે. આ વિડીયો યુવકો દ્વારા જ ક્રમશઃ વાયરલ કરવામાં આવ્યા હતા. પ્રથમ વિડીયોમાં તેઓ હાથમાં પાણીની બોટલ લઈને તાજમહેલ પરિસરની અંદર જતા નજરે પડી રહ્યા છે. દરમિયાન બંને પૈકી એક યુવક કહી રહ્યો છે કે, “અંતિમ પડાવ છે, જય શ્રીરામ” ત્યાર બાદના વિડીયોમાં યુવક પાણીની બોટલ કાવડની જેમ ખભા પર મુકતો નજરે પડે છે. આ સિવાયના એક વિડીયોમાં યુવક બોટલમાં રહેલા પાણીથી અભિષેક કરતો નજરે પડે છે, સાથે જ તાજમહેલની એક દીવાલ પર ૐ લખેલું સ્ટીકર પણ લગાવવામાં આવે છે.
आगरा : ताजमहल के अंदर दो युवकों ने चढ़ाया गंगाजल
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) August 3, 2024
➡पानी की बोतल में गंगाजल लेकर पहुंचे 2 युवक
➡अखिल भारत हिंदू महासभा ने किया दावा
➡दोनों युवकों ने अंदर चढ़ाया गंगाजल
➡दावा तेजोमहालय शिव मंदिर पर चढ़ाया गंगाजल
➡गंगाजल चढ़ाते हुए वीडियो बनाकर भी किया वायरल
➡सीआईएसएफ ने… pic.twitter.com/8UIEQIhBEC
ઉલ્લેખનીય છે કે, આ કોઈ પ્રથમ ઘટના નથી, જેમાં તાજમહેલમાં જળાભિષેક કરવાનો પ્રયત્ન થયો હોય. થોડા સમય પહેલાં હિંદુ મહાસભાના જ જિલ્લા અધ્યક્ષ મીના રાઠોડ કાવડ લઈને તાજમહેલ પહોંચ્યા હતા. જોકે, સુરક્ષામાં હાજર જવાનોએ તેમને બહાર જ અટકાવી દીધા હતા. ત્યારે હવે મથુરા જિલ્લાના અધ્યક્ષ છાયા ગૌતમે દાવો કર્યો છે કે, તેમના આ બંને કાર્યકર્તાઓએ તાજમહેલમાં ગંગાજળથી જળાભિષેક કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, હિંદુ મહાસભા અને અન્ય હિંદુ સંગઠનો ઘણા લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે, આજે જે તાજમહેલ છે, તે એક સમયે ભવ્ય શિવમંદિર હતું. આ મંદિરનું નામ પહેલા તેજોમહાલય હતું. શાહજહાંએ તેને ગેરકાયદેસર રીતે હડપી લીધું હોવાના દાવા સાથે અવારનવાર અહીં શિવલિંગ હોવાના દાવા થતા આવ્યા છે. આટલું જ નહીં, રાજસ્થાનના જયપુરના રાજવી પરિવારે પણ તાજમહેલ તેમની ધરોહર હોવાનો દાવો કર્યો હતો. વર્તમાન રાજકુમારી અને રાજ્યના ઉપમુખ્યમંત્રી દિયા કુમારીએ પણ એક સમયે દાવો કરીને કહ્યું હતું કે તાજમહેલ તેમની જમીન પર બનાવવામાં આવ્યો છે અને તે તેમની મિલકત છે અને તેમની પાસે તેના પૂરતા ડોકયુમેન્ટ પણ છે.