તાજેતરમાં જ રાજધાની દિલ્હીના મુંડકા વિસ્તારમાં એક ભીષણ આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા અને દસથી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. શુક્રવારે બનેલી આ ઘટનામાં આગની લપટો વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા માટે બે ક્રેન ચાલકો દેવદૂત બનીને આવ્યા હતા. આ બંનેએ જીવની બાજી લગાવીને પચાસથી પણ વધુ લોકોને બચાવ્યા હતા.
ન્યૂઝ 18ના એક્સક્લુઝિવ રિપોર્ટ અનુસાર, ક્રેન ડ્રાઈવર તરીકે કામ કરતા દયાનંદ તિવારી અને અનિલ તિવારી મુંડકા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક બહુમાળી ઇમારતમાં આગ લાગી ગઈ હતી અને તેમાં અનેક લોકો ફસાયેલા હતા. જે બાદ તેમણે જીવની ચિંતા કર્યા વગર ત્યાં પહોંચી ગયા હતા અને લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું.
ક્રેન ડ્રાઈવર દયાનંદ તિવારીએ જણાવ્યું કે, તેમણે ક્રેન રોંગ સાઈડથી લઇ જઈને ફૂટપાથ પર ચડાવી દીધી અને વચ્ચેથી નીકળીને ત્યાં પહોંચ્યા. દરમ્યાન, એક વ્યક્તિએ ક્રેન વડે તેમની મદદ માંગી હતી. દયાનંદ તિવારીએ કહ્યું કે તેમણે લગભગ પચાસથી વધુ લોકોને બચાવ્યા, જેમાંથી મોટાભાગના મહિલાઓ અને બાળકો હતાં.
Atleast 27 people died in massive fire in Mundka building, Delhi.
— Anshul Saxena (@AskAnshul) May 15, 2022
He is Dayanand Tiwari, a crane operator. He was coming from Mundka Udyog Nagar when he saw the fire in the building.
He reached there & saved more than 50 lives with his crane during the fire in Delhi’s Mundka. pic.twitter.com/uw4WQWOMqJ
અન્ય એક ચાલક અનિલ તિવારીએ કહ્યું કે, તેમણે બંનેએ મળીને કુલ 50 થી 55 લોકોને બચાવી લીધા હતા. તેઓ કહે છે કે, રેસ્કયૂ ઘણું કઠિન હતું. કારણ કે ઉપરથી 11 હજાર વોલ્ટનો વાયર પસાર થઇ રહ્યો હતો. બિલ્ડીંગમાંથી આગની જ્વાળાઓ બહાર આવી રહી હતી. જેના કારણે અમે પોતે પણ સળગી જઈએ તેવી સ્થિતિ હતી. ત્યાં ભીડ અને ગરમી બંને બહુ વધારે હતા અને શરીર પણ સાથ આપી રહ્યું ન હતું. જોકે, તેમ છતાં ફાયર વિભાગની ગાડીઓ આવી ત્યાં સુધી અમે ત્યાં રહ્યા અને પછી ત્યાંથી આવી રહ્યા. તેમણે જણાવ્યું કે, આગથી બચવા માટે કેટલાક લોકો તો દોરડાના સહારે પણ કૂદી રહ્યા હતા, જેમને તેમણે પોતાના બેલ્ટ આપી દીધા હતા, જેથી તેઓ સુરક્ષિત રહી શકે.
જોકે, નોંધવું મહત્વનું છે કે દિલ્હીમાં લાગેલી આ આગની ઘટનામાં પોલીસે કાર્યવાહી કરીને ઇમારતના માલિકોની ધરપકડ કરી લીધી છે. રિપોર્ટ અનુસાર, બિલ્ડિંગમાં સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવી હતી અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ મામલે કડક કાર્યવાહી કરવાનું દિલ્હી પોલીસે વચન આપ્યું છે.
મુંડકા આગ દુર્ઘટના સમયે જે રીતે દેવદૂત સમા દિલ્હીમાં બે ક્રેન ડ્રાઈવરોએ હિંમત દાખવીને લોકોના જીવ બચાવ્યા હતા તેવી જ રીતે તાજેતરમાં જ રાજસ્થાન પોલીસના એક કૉન્સ્ટેબલે પણ કરૌલી હિંસા વખતેએ જીવન જોખમે એક મહિલા અને તેની પુત્રીના જીવ બચાવ્યા હતા.
ગત મહિને કરૌલીમાં હિંસા ફાટી નીકળી હતી ત્યારે આગચંપી દરમિયાન એક ઘર સળગી રહ્યું હતું. તેમાં કેટલીક મહિલાઓ અને બાળકી ફસાયેલી હતી. તેમને બચાવવા માટે પોલીસ કૉન્સ્ટેબલ નેત્રેશ શર્મા આગની જ્વાળાઓ વચ્ચે નાની બાળકીને બચાવી લાવ્યા હતા.
જોકે, કેટલાક લેફ્ટ અને લિબરલ મીડિયા સંસ્થાનોએ આ સમાચારો પર બહુ ધ્યાન આપ્યું ન હતું. તેમણે આ સમાચારો બતાવવા લાયક પણ સમજ્યા નહીં. ક્યાંક એવું પણ પ્રતીત થાય છે કે હિંદુ હોવાના કારણે કેટલાક મીડિયા અને કથિત ઉદારવાદી લોકો આ લોકોની હિંમત અને સાહસ દુનિયાની સામે લાવવા માંગતા નથી.