કોલકાતા રેપ-મર્ડર કેસ મામલે CBIની તપાસ સતત ચાલી રહી છે. રવિવારે મુખ્ય આરોપી સંજય રૉય સહિત સાત લોકોનના પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. તે સાથે જ આરજી કર મેડિકલ કોલેજ (RG Kar Medical College) અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે પણ તપાસ ચાલી રહી છે. ભ્રષ્ટાચાર મામલે તો એજન્સીએ રવિવારે સવારે કોલકાતાના (Kolkata) અનેક ઠેકાણે દરોડા પણ પાડ્યા હતા. સતત તપાસ અને કાર્યવાહી થતી હોવા છતાં બંગાળની સત્તારૂઢ TMCએ CBI પર જ સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા છે. TMCને કેન્દ્રીય એજન્સી CBIની વિશ્વસનીયતા અને ક્ષમતા પર પણ શંકા હોવાનું કહેવાયું છે. બીજી તરફ CBI સતત તપાસમાં જોતરાયેલી છે.
TMCએ કેન્દ્રીય એજન્સી CBI પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, તેને એજન્સીની વિશ્વસનીયતા અને ક્ષમતા પર શંકા છે. TMC નેતા કૃણાલ ઘોષે એજન્સી પર સવાલો ઉઠાવતા કહ્યું કે, CBI હજુ સુધી એકપણ નવી ધરપકડ કરી શકી નથી. તેમણે એવું પણ કહ્યું કે, મુખ્ય આરોપીની ધરપકડ તો કોલકાતા પોલીસે કરી હતી. આ કેસને જલ્દી સોલ્વ કરવામાં આવવો જોઈએ. આ સાથે જ તેમણે CBIની હમણાં સુધીની તમામ તપાસ અને કાર્યવાહી પર જ પ્રશ્ન ઉઠાવી દીધો હતો. તેમણે પ્રશ્ન કરતાં કહ્યું કે, “આખરે એજન્સી કરી શું રહી છે?”
તે સિવાય TMC સાંસદ સાયોની ઘોષે પણ CBI પર સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે, “કોલકાતા પોલીસને પોતાની તપાસ માટે માત્ર ત્રણ દિવસ આપવામાં આવ્યા હતા, જ્યારે CBIને 12 દિવસ લાગ્યા છે. પરંતુ કેન્દ્રીય એજન્સી કઈપણ નવું ઉજાગર કરવામાં નિષ્ફળ નીવડી છે. મને CBIની વિશ્વસનીયતા અને ક્ષમતા પર શંકા છે. આ માત્ર મારુ સૂચન નથી. પણ ડેટા પણ આવું જ કહે છે.” આ સાથે જ તેમણે મમતા બેનર્જીની પ્રશંસા કરવાનું પણ શરૂ કરી દીધું હતું. જોકે, CBI સતત તપાસમાં વળગેલી રહી છે.
રેપ-મર્ડર કેસ ઉપરાંત ભ્રષ્ટાચાર કેસની પણ તપાસ કરી રહી છે CBI
CBIની ટીમ રેપ-મર્ડર કેસની સાથે જ ભ્રષ્ટાચાર મામલે પણ તપાસ કરી રહી છે. આરજી કર મેડિકલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના અનેક આરોપો પણ ઉજાગર થયા છે અને તે અંગેની FIR પણ નોંધાઈ ચૂકી છે. તે મામલે CBIની એન્ટી કરપ્શન બ્રાન્ચે તપાસ પણ શરૂ કરી દીધી છે. હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
#WATCH | When asked if they have found any concrete evidence, a CBI official says, "…Bahut kuch hai…" pic.twitter.com/UqEKbKbOFJ
— ANI (@ANI) August 25, 2024
દરમિયાન જ તપાસ પૂર્ણ કરીને બહાર આવતા CBIના અધિકારીને મીડિયાએ પૂછ્યું કે, કોઈ મજબૂત પુરાવા મળ્યા છે? તેના જવાબ CBI અધિકારીએ કહ્યું કે, “બહુત કુછ મિલા હૈ.” જેનો અર્થ એ થયો કે, એજન્સીને હોસ્પિટલની તપાસમાં મજબૂત પુરાવા પણ હાથ લાગ્યા છે.