શિમલાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે (Shimla District Court) સંજૌલી મસ્જિદ વિવાદમાં (Sanjauli Masjid Controversy) મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટના (Municipal Corporation Court) આદેશને યથાવત રાખ્યો છે અને મસ્જિદના ગેરકાયદેસર ત્રણ માળને તોડી પાડવા માટેના નિર્દેશો આપ્યા છે. મુસ્લિમ વેલફેર સોસાયટીની અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટનો આદેશ યથાવત રહેશે. નોંધવા જેવું છે કે, મુસ્લિમ વેલફેર સોસાયટીએ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટના આદેશને જિલ્લા અદાલતમાં પડકાર્યો હતો, પરંતુ જિલ્લા અદાલતે પણ ગેરકાયદે ઊભા કરેલા ત્રણ માળને જમીનદોસ્ત કરવા માટેનો આદેશ આપ્યો છે.
કોર્ટના નિર્દેશો અનુસાર, હવે 5 ડિસેમ્બર સુધીમાં સંજૌલી મસ્જિદના ગેરકાયદે ઊભા કરાયેલા ત્રણ માળને તોડી પાડવાના રહેશે. મસ્જિદ કમિટીએ પોતાના ખર્ચે ત્રણેય માળને તોડી પાડવા માટેનું કામ કરવાનું રહેશે. જોકે, મસ્જિદ કમિટીએ હમણાં સુધીમાં છત અને દીવાલોને જમીનદોસ્ત કરી નાખી છે. આ સાથે જ મુસ્લિમ પક્ષના વકીલ વિશ્વ ભૂષણે કહ્યું છે કે, તેઓ કોર્ટના આદેશનો અભ્યાસ કરશે અને ત્યારબાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.બીજી તરફ મુસ્લિમ વેલફેર સોસાયટીએ જિલ્લા અદાલતના આ નિર્ણયને પડકારવાની વાત કરી છે. તેમના વકીલે કહ્યું છે કે, તેઓ આ કેસને લઈને હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે.
કમિશનર કોર્ટ પણ આપી ચૂકી છે આદેશ
સાથે એ પણ નોંધવા જેવું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટે 5 ઑક્ટોબરના રોજ 2 મહિનામાં સંજૌલી મસ્જિદમાં ગેરકાયદે બનાવેલ ત્રણ માળને તોડી પાડવા માટેના આદેશ આપ્યા હતા. તેની વિરુદ્ધ મુસ્લિમ પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે, મોહમ્મદ લતીફ નામના વ્યક્તિએ મસ્જિદ તોડવા માટેની સહમતી આપી હતી, પરંતુ તે તેના માટે અધિકૃત નહોતો.
આ દલીલ પર કોર્ટે વક્ફ બોર્ડ પાસેથી મોહમ્મદ લતીફને લઈને જવાબ પણ માંગ્યો હતો. વક્ફ બોર્ડે ગત સુનાવણીમાં વર્ષ 2006નો એક દસ્તાવેજ આપ્યો હતો, જેમાં મોહમ્મદ લતીફને સંજૌલી મસ્જિદ કમિટીના અધ્યક્ષ બનાવવાની વાત કરવામાં આવી હતી. બીજી તરફ હાઇકોર્ટે પણ આ કેસને વહેલી તકે પૂર્ણ કરવા માટેનો આદેશ આપ્યો છે. કોર્ટે શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટને 20 ડિસેમ્બર સુધીમઆ સંજૌલી મસ્જિદ કેસને પૂર્ણ કરવા માટે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ વિવાદ 2010થી ચાલ્યો આવે છે. 2010માં મસ્જિદના નિર્માણ પર સવાલ ઊઠવાના શરૂ થયા હતા. જે બાદ તે કેસ શિમલા મ્યુનિસપિલ કોર્પોરેશન કોર્ટમાં હતો. તાજેતરમાં જ હિંદુ સંગઠનોના મોટાપાયે પ્રદર્શનને લઈને આ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો હતો. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્ટે હાઇકોર્ટના આદેશ અનુસાર મુસ્લિમ પક્ષને 21 ડિસેમ્બર સુધીમાં મસ્જિદને તોડી પાડવા માટેનો આદેશ આપ્યો છે. વિવાદિત મસ્જિદ હાલ પાંચ માળની છે, જેમાંથી ત્રણ માળ ગેરકાયદેસર ઊભા કર્યા હોવાનો આરોપ છે.