આર્ક્યોલોજીસ્ટની એક ટીમને તૂર્કીમા કિલ્લાના ખોદકામ દરમિયાન હજારો વર્ષ જુનું મંદિર મળી આવતા ઈતિહાસવિદોમાં કુતુહલ સર્જાયું છે. કોરબેલિંગ પદ્ધતિથી બનેલા આ મંદિરમાં પ્રાચીન સભ્યતાના અનેક અવશેષો પણ મળી આવ્યા છે, જેમાં માટીના વાસણો સહીત અનેક ધાતુની વસ્તુઓ પણ મળી આવી છે. હાલ પુરાતત્વવિદોની એક ટીમ તેના પર સંશોધન કરતી હોવાની માહિતી મળી રહી છે.
મળતા અહેવાલો મુજબ આર્કિયોલોજિસ્ટની એક ટીમ પ્રાચીન કિલ્લાનું ખોદકામ કરી રહી હતી. જે સ્થાન પર આ ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે કિલ્લાનું આધુનિક નામ “કોરતુઝ” છે, આ મંદિર કોરતુઝ કિલ્લામાંથી જ મળી આવ્યું છે. આ કિલ્લો 8મી શતાબ્દી ઈસા પૂર્વે બનાવવામાં આવ્યો હતો. કિલ્લામાં મળેલા આ મંદિરનો સબંધ રાજા મેનુઆ સાથે હોવાની માહિતીઓ સામે આવી રહી છે, જે સ્થળે આ ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે પૂર્વ તૂર્કીના વાન જિલામાં સ્થિત છે.
આ મંદિરની ખાસ વાત તે છે કે તેને કોરબેલિંગ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે, આ મંદિરમાંથી અનેક માટીના વાસણો, અને ધાતુની કેટલીક કલાકૃતિઓ પણ મળી આવી છે, આ પુરાતત્વીય ખોદકામ માટે તુર્કી સરકાર દ્વારા ફંડ પણ આપવામાં આવી રહ્યું છે. કિલ્લામાં આ ખોદકામ વેન યુઝુકુ યિલ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના પ્રોફેસર સબાહત્તિન અર્દોઆનના નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહ્યું છે.
અહેવાલો મુજબ અર્દોઆને આ મામલે કહ્યું હતું કે ટીમે સમગ્ર વિસ્તારમાંથી કિલ્લાના અવશેષો ધરાવતી ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ શોધી કાઢી છે, જે વિસ્તારના ઈતિહાસ સાથે જોડાયેલી છે. અર્દોઆને જણાવ્યું હતું કે થોડા સમય પહેલા પહેલું મંદિર મળ્યું હતું અને હવે ટીમને રાજા મિનુઆનું બીજું મંદિર પણ મળી ગયું છે.
ઠંડીના કારણે હાલ ખોદકામ બંધ
અહેવાલો મુજબ ઠંડીના મોસમના કારણે કિલ્લામાં ખોદવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. ઠંડી ઓછી થતાં જ ફરીથી ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવશે. અર્દોઆને આગળ જણાવ્યું હતું કે ખોદકામ દરમિયાન અમને આ બીજું મંદિર મળ્યું છે, અમને લાગે છે કે રાજા મિનુઆએ બનાવ્યું હતું. અમને મંદિરની નજીક એક કબર પણ મળી છે.
આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પ્રાચીન વાસણો પણ મળી આવ્યા છે. ખોદકામ માટે આ એક મહત્વપૂર્ણ સ્થળ છે. મળેલા વાસણો મધ્યકાલીન સમયના છે. આ સાથે કિલ્લાની બહાર એક કબ્રસ્તાન પણ મળી આવ્યું છે જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સંપૂર્ણ ખોદકામના કાર્યને કરવા માટે તૂર્કીની સરકાર ફંડ આપી રહી છે, તૂર્કીના કલ્ચરલ અને ટુરીઝમ મંત્રાલયની અનુમતિ બાદ આ કામને શરૂ કરવામાં આવ્યું હતું.