તાજેતરમાં આવેલી ફિલ્મ ધ કેરાલા સ્ટોરી હાલ ચર્ચામાં છે. ફિલ્મે અઠવાડિયામાં જબરદસ્ત કમાણી કરી છે અને અનુમાન છે કે ભારતમાં તે 200 કરોડ રૂપિયાની જંગી કમાણી કરશે. યુપી, એમપી અને હરિયાણા જેવાં રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે ત્યાં પશ્ચિમ બંગાળ એવું રાજ્ય છે, જ્યાંની મમતા બેનર્જી સરકારે તેની પર પ્રતિબંધ લાદી દીધો છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.
#SupremeCourt #KeralaStory #SupremeCourtofIndia pic.twitter.com/iSTTuThHJn
— Live Law (@LiveLawIndia) May 12, 2023
બંગાળની મમતા બેનર્જી સરકારે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધા બાદ નિર્માતાઓએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેની પર ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નિર્માતાઓની અરજીમાં તમિલનાડુમાં ફિલ્મ નહીં દર્શાવવાના થિયેટર એસોશિએશનના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની સરકારોને નોટિસ પાઠવી છે.
બંગાળ દેશનાં અન્ય રાજ્યો કરતાં જુદું નથી: કોર્ટ
મામલાની સુનાવણી હાથ ધરતાં ચીફ જસ્ટિસે કહ્યું કે જો ફિલ્મ દેશના બીજા ભાગોમાં કોઈ પણ પ્રકારની સમસ્યા વગર આ ફિલ્મ ચાલી રહી હોય તો પછી પશ્ચિમ બંગાળમાં શા માટે પ્રતિબંધ મૂક્યો છે? કોર્ટે કહ્યું, “ફિલ્મ દેશભરમાં રિલીઝ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ દેશનાં અન્ય રાજ્યો કરતાં જુદું નથી. જો ફિલ્મ દેશના અન્ય ભાગોમાં ચાલતી હોય તો પશ્ચિમ બંગાળે પ્રતિબંધ કેમ મૂકવો જોઈએ? જો લોકોને લાગતું હોય કે ફિલ્મ ન જોવી જોઈએ તો તેઓ નહીં જુએ. ફિલ્મ દેશનાં અન્ય રાજ્યોમાં પણ ચાલી રહી છે, જ્યાંની ડેમોગ્રાફિક સ્થિતિ બંગાળ જેવી જ છે, તો તમે ફિલ્મને પરવાનગી કેમ ન આપી શકો?”
CJI: We will not grant any stay without hearing, counters.
— Bar & Bench (@barandbench) May 12, 2023
Order: Issue notice (both States).#SupremeCourt #KeralaStory
સુપ્રીમ કોર્ટે બંને રાજ્ય સરકારોને નોટિસ પાઠવી હતી પરંતુ સરકારનો પક્ષ જાણ્યા વગર કોઈ પણ પ્રકારનો સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. હવે મામલાની સુનાવણી આગામી બુધવારે હાથ ધરવામાં આવશે. ફિલ્મ નિર્માતાઓ તરફથી બહુ જાણીતા વકીલ હરીશ સાલવેએ પક્ષ મૂક્યો હતો, જ્યારે મમતા સરકાર તરફથી કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા. સિંઘવીએ કોર્ટ સમક્ષ મમતા સરકારના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે, તેમને ઘણા ઇન્ટેલિજન્સ રિપોર્ટ મળ્યા અને જેના આધારે તેમણે આ નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ગત સોમવારે (8 મે, 2023) પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ પર પ્રતિબંધ મૂકવાની ઘોષણા કરી હતી. તેમણે કારણ આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે અને કોઈ પણ હિંસાત્મક બનાવ ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ, તમિલનાડુમાં થિયેટર એસોશિએશન દ્વારા ફિલ્મ ન દર્શાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને નિર્માતાઓએ કોર્ટમાં કહ્યું કે, તેમને ધમકીઓ મળી રહી હોવાના કારણે આ નિર્ણય લીધો છે, જેમને સુરક્ષા પૂરી પાડવામાં આવે.