ઇસ્લામી ધર્માંતરણના કાવતરા પરથી પડદો ઊંચકીને ચર્ચામાં આવનાર ફિલ્મ ધ કેરાલા સ્ટોરીના એક ક્રુ-મેમ્બરને ધમકી આપવામાં આવી છે. આ ધમકી સોમવારે (8 મે 2023) એક અજાણ્યાં નંબર પરથી મેસેજ કરીને આપવામાં આવી હતી. ધમકી આપવા વાળા ઇસમે કહ્યું હતું કે “ધ કેરાલા સ્ટોરી (The Kerala Story) ફિલ્મમાં આ સ્ટોરી દેખાડીને સારું નથી કર્યું.” હાલ મુંબઈ પોલીસે ક્રુ-મેમ્બરને સુરક્ષા પૂરી પાડી છે.
સામે આવેલા મીડિયા અહેવાલો મુજબ 8 મેના રોજ ધ કેરાલા સ્ટોરીના ક્રુ-મેમ્બરને ધમકી ભર્યો મેસેજ એક અજાણ્યાં નંબર પરથી આવ્યો હતો. ધમકી આપનાર વ્યક્તિએ આ મેસેજમાં લખ્યું હતું કે, “એકલા ઘરની બહાર ન નીકળતા, તમે લોકોએ ફિલ્મમાં આ સ્ટોરી દેખાડીને સારું નથી કર્યું.”
ફિલ્મના ડાયરેક્ટર સુદીપ્તો સેને આની ફરિયાદ મુંબઈ પોલીસમાં કરી હતી. જે બાદ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને ક્રુ-મેમ્બરને સુરક્ષા પૂરી પાડી છે. જોકે ફરિયાદની કૉપી ન મળવાના કારણે હજું સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો.
'The Kerala Story' crew member receives threat. @dipeshtripathi0 tells you more about it#TheKeralaStory #News #ITVideo pic.twitter.com/BlQoUMpAgG
— IndiaToday (@IndiaToday) May 9, 2023
ફિલ્મ સાથે સંકળાયેલા ક્યાં વ્યક્તિને આ ધમકી આપવામાં આવી છે, તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યુ. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ધમકી સુદીપ્તો સેનને જ આપવામાં આવી છે.
પ્રશંસકોને પણ મળી ચુકી છે ધમકીઓ
ઉલ્લેખનીય છે કે આ પહેલા “ધ કેરાલા સ્ટોરી” ફિલ્મના પ્રશંસકોને પણ જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી ચુકી છે. પુણેમાં આ ફિલ્મ જોવા માટે લોકોને મફત સવારી કરાવવાની ઘોષણા કરનાર રિક્ષાચાલક સાધુ મગરને પણ હત્યા કરી નાંખવાની ધમકીઓ મળી રહી છે. સાધુએ પોલીસ સામે દેશ-વિદેશથી કેટલાક અજાણ્યા નંબરોની ફરિયાદ આપતા પોતાની સુરક્ષાને લઈને ચિંતા જાહેર કરી છે.
આ ઉપરાંત રાજસ્થાનના જોધપુરમાં VHP સાથે સંકળાયેલા રાજુ સરગરા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. કારણકે તેઓ લોકોને “ધ કેરાલા સ્ટોરી” જોવા માટે અપીલ કરી રહ્યાં હતા. આરોપ છે કે કટ્ટરપંથીઓએ રાજુ સરગરાના વ્હોટ્સએપ સ્ટેટ્સને જોયા બાદ તેમના પર હુમલો કર્યો હતો. સ્ટેટસમાં તેમણે ફિલ્મનું પોસ્ટર મુકીને તેમણે તેના વખાણ કર્યા હતા. રાજુને “સર તનસે જુદા” ની ધમકીઓ પણ મળી રહી હોવાના અહેવાલો સામે આવ્યાં છે.