ખેડાના ઠાસરામાં શ્રાવણના અંતિમ દિવસે નીકળેલી ભગવાન શિવજીની શોભાયાત્રા પર મદરેસા અને આસપાસનાં મકાનોની છત પરથી થયેલા પથ્થરમારા બાદ પોલીસે 3 FIR દાખલ કરીને અનેક આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પથ્થરમારો કરવા મામલે પોલીસે 11 આરોપીઓને પકડ્યા છે, જેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
ઠાસરામાં શોભાયાત્રા પર હુમલો કરનાર 11 આરોપીઓને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ આરોપીઓમાંથી 2 નગરપાલિકાના કાઉન્સિલરો છે. જેમની ઓળખ મહંમદ અબરાર રિયાઝુદ્દીન સૈયદ અને રૂકમુદ્દીન રિયાકતઅલી સૈયદ તરીકે થઈ છે. જ્યારે અન્ય એક આરોપી અસ્પાક બેલીમની પત્ની પાલિકામાં કાઉન્સિલર છે.
બાકીના આરોપીઓની ઓળખ ઝૈદઅલી મહંમદમિયાં મલેક, ફિરોજ પઠાણ, નિયાઝઅલી સૈયદ, ઇમરાન પઠાણ, ઈર્શાદઅલી સૈયદ, શકીલઅહેમદ સૈયદ, શબ્બીરહુસૈન મલેક અને જુનૈદ તરીકે થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે બાકીનાની શોધખોળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે હિંદુ વ્યક્તિની ફરિયાદના આધારે 17 મુસ્લિમ વ્યક્તિઓ અને બાકીના પચાસના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે બંને પક્ષેથી ફરિયાદ કરવામાં આવી છે તેમજ અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. 11 આરોપીઓમાંથી 2 નગરસેવકો છે. આ અંગે મદરેસાના અગ્રણીઓની પૂછપરછ પણ કરી હતી અને ત્યાં ઈંટોનો ઢગલો પણ પડ્યો હતો. બીજી એક-બે જગ્યાએ નાની-મોટી તોડફોડ થઈ છે. જેમણે તેને અંજામ આપ્યો છે તેમની સામે એક્શન લેવામાં આવશે. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જુમ્માના દિવસે શિવયાત્રા પર હુમલો થયા બાદ બીજા દિવસે પોલીસે મદરેસાની છત પર તપાસ કરતાં ત્યાંથી મોટા પ્રમાણમાં પથ્થરો મળી આવ્યા હતા. આ જ સ્થળેથી શિવયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે અહીં પંચનામું કરીને આગળની તપાસ હાથ ધરી છે.
શુક્રવારે ઠાસરામાં શું બન્યું હતું?
આ કેસમાં હિંદુ વ્યક્તિએ જે ફરિયાદ નોંધાવી છે, તેમાં જણાવવામાં આવ્યું હતું કે ભગવાન શિવજીની યાત્રા નગરના તીનબત્તી ચોક પર પહોંચી હતી ત્યારે અહીં કાઉન્સિલરો સહિત પચાસેક માણસોનું ટોળું આવી પહોંચ્યું હતું અને ડીજે બંધ કરાવવા માટે માથાકૂટ કરી હતી. હિંદુઓએ ત્યારબાદ ડીજે બંધ કરી દેતાં ટોળું પરત ફરી રહ્યું હતું ત્યારે અચાનક મદરેસા અને આસપાસનાં મકાનોનાં ધાબાં પરથી ‘હિંદુઓને મારો…જીવતા જવા ન જોઈએ..’ની બૂમો સાથે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.
અચાનક હુમલાથી યાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી તેમજ પોલીસકર્મીઓ અને કેટલાક શ્રદ્ધાળુઓ સહિત અમુક લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી.