જમ્મુ સ્થિત એક જેલમાં શુક્રવારે (19 ઓગસ્ટ 2022) નમાઝ અદા કરતાં-કરતાં એક આતંકવાદીનું મોત થઇ ગયું હતું. આ આતંકવાદી પાકિસ્તાન બોર્ડર પાસે વિદેશથી આવતા વિસ્ફોટકો અને હથિયારો એકઠાં કરવામાં અને તેની હેરફેર કરવામાં સામેલ હતો.
રિપોર્ટ્સ અનુસાર, જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ગત 29 મેના રોજ આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રોનથી વિસ્ફોટકોનો મારો કરવામાં આવ્યો હતો. આ મામલે સામેલ મોડ્યુલની તપાસ કરતી એજન્સી એનઆઈએએ આ આરોપીની ધરપકડ કરી લીધી હતી. જે બાદ તેને જેલમાં નાંખવામાં આવ્યો હતો. તેને ગત 10 ઓગસ્ટના રોજ જ કોટ ભલવાલ જેલ લાવવામાં આવ્યો હતો. જ્યાં શુક્રવારે નમાઝ અદા કરતી વખતે આતંકવાદીનું મોત થઇ ગયું હતું.
મૃતક કઠુઆ જિલ્લાના રામપુરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે તેમજ તેની ઉંમર 36 વર્ષ હોવાનું કહેવાયું છે. તેનું નામ મુનિ મોહમ્મદ છે. તે શુક્રવારે નમાઝ પઢી રહ્યો હતો તે દરમિયાન જ હાર્ટ અટેક આવ્યો હતો અને તે મૃત્યુ પામ્યો હતો.
જેલના અધિકારીએ મીડિયાને આપેલી જાણકારી અનુસાર, કાચા કામનો કેદી મુનિ મોહમ્મદ અન્ય કેદીઓ સાથે નમાઝ અદા કરી રહ્યો હતો, ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તેને ફરજ પર હાજર તબીબોએ મૃત ઘોષિત કરી દીધો હતો.
આ સંદિગ્ધ આતંકવાદી સામે આઇપીસીની ધારા 121, 121A, 122, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ સબંધિત અધિનિયમની ધારા 16 અને ધારા 18 હેઠળ આરોપો નક્કી કરવામાં આવ્યા હતા. તેની સામે કઠુઆના રાજબાગ પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ એનઆઈએએ 30 જુલાઈએ ફરી એક કેસ દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરહદે આવેલ જમ્મુના વિસ્તારોમાં ડ્રોન થકી હથિયારો અને વિસ્ફોટકો મોકલવાના ઘણા કેસ સામે આવ્યા છે. જે બાદ એજન્સીઓ પણ સતર્ક બની છે અને વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. આ મામલે એનઆઈએએ ગુરુવારે (18 ઓગસ્ટ 2022) જમ્મુ, શ્રીનગર, કઠુઆ, સાંબા અને ડોડા સહિત આઠ સ્થળોએ તપાસ કરી હતી.
આ મામલે NIA પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટીઆરએફના આતંકવાદી પાકિસ્તાની આકાઓના ઈશારે કામ કરી રહ્યા છે.એજન્સીએ એ કહ્યું કે ગુરુવારે કરવામાં આવેલ તપાસમાં વિવિધ વાંધાજનક સામગ્રી, ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો મળી આવ્યા હતા. સાથે તેમણે જણાવ્યું હતું કે, આ મામલો પહેલા 29 મેનારોજ કઠુઆના રાજબાગ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો, જ્યારે એજન્સી એનઆઈએએ 30 જુલાઈના રોજ અન્ય એક કેસ દાખલ કર્યો હતો.