તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના એક ગામમાં પ્રાચીન હિંદુ મંદિર ખસેડીને ત્યાં ખ્રિસ્તીઓએ ‘મરિયમ માતાનું મંદિર’ નામે ચર્ચ ઉભું કરી દેતાં હિંદુઓએ વિરોધ નોંધાવ્યો છે. દરમ્યાન, શનિવારે જ્યાં હિંદુઓ પૂજાપાઠ કરવા માટે જતાં ખ્રિસ્તીઓનું ટોળું પહોંચી ગયું હતું અને હોબાળો મચાવી હિંદુઓને રોકવામાં આવ્યા હતા.
ઘટનાની વધુ વિગતો એવી છે કે, સોનગઢ તાલુકાના નાના બંધરપાડા ગામ ખાતે એક ટેકરી ઉપર ગીધમાડી આયા ડુંગર માતાનું સ્થાનક આવેલ હતું, જેની હિંદુઓ પૂજા-અર્ચના કરતા હતા. પરંતુ સમય જતાં વિસ્તારમાં ઝડપથી વધતી ખ્રિસ્તીઓની વસ્તીના કારણે ધીમે-ધીમે આ ડુંગર પર લોકોની અવરજવર ઘટી ગઈ હતી અને ત્યારબાદ ત્યાં ખ્રિસ્તી મિશનરીઓએ ‘મરિયમ માતાનું મંદિર’ નામે પોતાનું સ્થાનક ઉભું કરી દીધું હતું.
હાલ નવરાત્રિનો તહેવાર ચાલતો હોઈ હિંદુઓ પોતાના પ્રાચીન સ્થાનકે પૂજા-અર્ચના કરવા માટે પહોંચતા ત્યાં ખ્રિસ્તીઓનું ટોળું પણ પહોંચી ગયું હતું અને હોબાળો મચાવ્યો હતો તેમજ હિંદુઓએ ડુંગર પર જવા દીધા ન હતા. ત્યારબાદ પોલીસનો કાફલો પણ સ્થળે પહોંચ્યો હતો.
ખ્રિસ્તીઓનું ટોળું દંડા, પથ્થરો સાથે આવ્યું હતું, પૂજારીને તમાચો માર્યો
સ્થાનિક હિંદુ આગેવાન દિનેશભાઈ ગામીતે ઑપઇન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, માતાજીનો તહેવાર ચાલતો હોઈ અમે પૂજા કરવા પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક ખ્રિસ્તીઓએ ઉપર જવા જ દીધા ન હતા અને ઉપર તમારું કોઈ સ્થાનક નથી તેમ કહીને ઝઘડો કર્યો હતો. તેમજ તેઓ મોટી સંખ્યામાં ડંડા, પથ્થરો વગેરે લઈને તૈયારી સાથે આવ્યા હતા તેમ પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે આગળ જણાવ્યું હતું કે, ઘર્ષણ દરમિયાન પૂજા માટે આવેલા પૂજારીને એક તમાચો પણ મારવામાં આવ્યો અને ધક્કામુક્કી પણ થઇ હતી. દરમ્યાન, પૂજા માટે તૈયાર કરવામાં આવેલ થાળીને પણ નુકસાન કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ પોલીસે આવીને મામલો શાંત પાડ્યો હતો.
ગામમાં 98 ટકા ખ્રિસ્તીઓની વસ્તી: સ્થાનિક
સ્થાનિક હિંદુઓના આક્ષેપ અનુસાર, સેંકડો વર્ષોથી આ સ્થાનક પર હિંદુઓ પૂજા-અર્ચના કરતા હતા. પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં જે રીતે ધર્માંતરણ વધી રહ્યું છે તેના કારણે આ સ્થાનકની આસપાસના મોટાભાગના વિસ્તારમાં હિંદુઓ ખ્રિસ્તી બની ગયા હતા, જેના કારણે આ ટેકરી પર અવરજવર ઓછી થતી ગઈ હતી.
એક સ્થાનિક વ્યક્તિએ ઑપઇન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આ ગામમાં લગભગ 98 ટકા લોકો ખ્રિસ્તી બની ગયા છે અને હિંદુઓ લઘુમતીમાં આવી ગયા છે. જેના કારણે તેઓ અવાજ ઉઠાવી શકતા ન હતા. તેમજ વર્ષોથી ગામમાં સરપંચ વગેરે પણ ખ્રિસ્તીઓમાંથી જ ચૂંટાતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઠરાવ કર્યો માતાજીના મંદિરના નામે, નવીનીકરણ કર્યું ખ્રિસ્તી સ્થાનકનું
સ્થાનિક સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, ખ્રિસ્તીઓની બહુમતી થઇ ગયા બાદ વર્ષ 2019માં તાપી સોનગઢની બંદરપાડા ગ્રામ પંચાયતે ‘ગીધમાડી આયા ડુંગર માતાજી’નું મંદિર ઘણા વર્ષોથી પૂજવામાં આવતું હોવાનું અને ભક્તોની અવરજવર વધુ હોવાના કારણે તેની આસપાસ નવીનીકરણની જરૂર હોવાનું જણાવીને સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. જેમાં ક્યાંય ખ્રિસ્તી ચર્ચ કે અન્ય સ્થાનકનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
સ્થાનિક હિંદુઓએ આક્ષેપ કર્યો છે કે, પંચાયતે ગીધમાડી માતાજીના મંદિરના નામે ઠરાવ પસાર કરી, ગ્રાન્ટ મેળવી તેનો ઉપયોગ ખ્રિસ્તી સ્થાનક બનાવવા માટે કર્યો હતો. જ્યારે માતાજીના મંદિરનું સ્થાનક નાશપ્રાયઃ થવા પર આવ્યું છે અને અવશેષો પણ છિન્નભિન્ન અવસ્થામાં જોવા મળ્યા હતા.
હિંદુ સંગઠનોમાં રોષ, માતાજીનું સ્થાનક પરત મેળવવાની માંગ
હિંદુ સંગઠનોએ પોતાનું સ્થાનક પરત મેળવવા માટે અપીલ કરી છે તેમજ માતાજીની પુનઃ સ્થાપના કરવામાં આવે તેવી માંગ કરી છે. હિંદુ આગેવાનોએ જણાવ્યું હતું કે, તેઓ આ લડત ચાલુ રાખશે અને આવનાર સમયમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.