Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પૂજા કરવા ગયા તો મારીશું’: સોનગઢના ખ્રિસ્તી બહુમતી ગામમાં હિંદુઓને ધાકધમકી, અધિકાર...

    ‘પૂજા કરવા ગયા તો મારીશું’: સોનગઢના ખ્રિસ્તી બહુમતી ગામમાં હિંદુઓને ધાકધમકી, અધિકાર મળવા છતાં પૂજા કરવાથી વંચિત, અગાઉ મંદિરના સ્થાને બનાવી દીધું હતું ચર્ચ

    સ્થાનિકો અનુસાર, હજુ પણ સતત તેમને ખ્રિસ્તીઓ તરફથી ધમકી મળી રહી છે અને આદિવાસીઓને ડુંગર પર પ્રાચીન સ્થાનકની પૂજા કરવા જવા દેવામાં આવી રહ્યા નથી. 

    - Advertisement -

    તાપી સ્થિત સોનગઢના નાના બંધારપાડાના ઝરાલી ગામે હિંદુઓનું પ્રાચીન સ્થાનક હટાવીને ત્યાં ચર્ચ બાંધવા મામલે પોલીસ તંત્રના હસ્તક્ષેપ બાદ હિંદુઓને પૂજા કરવાનો અધિકાર તો મળ્યો હતો, પરંતુ તેઓ હજુ પણ ત્યાં જઈ શકતા નથી. સ્થાનિક હિંદુઓનો આરોપ છે કે તેમને ખ્રિસ્તીઓ તરફથી ધમકીઓ આપવામાં આવી રહી છે અને પૂજા કરવા જવા દેવામાં આવતા નથી. 

    તાપી જિલ્લાના નાના બંધારપાડાના ઝરાલીના સ્થાનિક હિંદુઓએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં આપવીતી જણાવી હતી. જોકે, ગામમાં લઘુમતીમાં આવી ગયેલા આ હિંદુઓ નામ, સરનામાંની વિગતો જાહેર કરતા ડરે છે. તેમનું કહેવું છે કે, હજુ પણ સતત તેમને ખ્રિસ્તીઓ તરફથી ધમકી મળી રહી છે અને આદિવાસીઓને ડુંગર પર પ્રાચીન સ્થાનકની પૂજા કરવા જવા દેવામાં આવી રહ્યા નથી. 

    ‘અમને ખ્રિસ્તીઓ ઉપર વિશ્વાસ નથી’

    - Advertisement -

    એક સ્થાનિક ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કહે છે કે, “અગાઉ પૂજા કરવા દેવાની વાત કરવામાં આવી હતી પરંતુ અમને ખ્રિસ્તીઓ ઉપર વિશ્વાસ નથી. તેઓ ક્યારે હુમલો કરી બેસે કે મારી દે તે નક્કી નથી. હજુ પણ તેઓ કહે છે કે જે કોઈ પણ ત્યાં (ડુંગર પર પૂજા કરવા) જાય તેને મારીશું. અમે આ બાબતે પોલીસને પણ જાણ કરી છે.” 

    તેમણે આગળ કહ્યું કે, “અગાઉ ધમાલ થઇ હતી ત્યારે પણ ખ્રિસ્તીઓએ બે વ્યક્તિઓ સાથે મારપીટ કરી હતી. હજુ પણ ધમકીઓ મળવાની ચાલુ જ છે. જેના કારણે હિંદુઓ પૂજા કરવા માટે જઈ શકતા નથી.” તેમણે કહ્યું કે, તેઓ હિંદુ સંગઠનો સાથે મળીને ફરી પૂજા કરવા જવા માટેની એક તારીખ નક્કી કરશે અને તે દિવસે સૌ સાથે ડુંગર પર જશે.

    આ અંગે સ્થાનિક સ્તરે હિંદુ સંગઠનોમાં સક્રિય એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે તેઓ આગામી સોમવારે સ્થાનિક અધિકારીઓને મળીને રજૂઆત કરશે અને યોગ્ય કાર્યવાહી કરવા માટેની અપીલ પણ કરશે.

    ગામમાં મોટાભાગના ખ્રિસ્તીઓ, પણ સરકારી ચોપડે એકેય નહીં!

    ડેમોગ્રાફી અંગે જાણકારી આપતાં ગામના એક સ્થાનિક કહે છે કે, આ આખા વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મ પાળનારાઓની વસ્તી વધી ગઈ છે અને હિંદુઓ લઘુમતીમાં આવી ગયા છે. ઝરાલી ગામને લઈને તેમણે કહ્યું કે અહીં 90 ટકાથી વધુ લોકો ખ્રિસ્તી બની ગયા છે અને ગણ્યાંગાંઠ્યાં કુટુંબો જ હિંદુ રહી ગયા છે. 

    સ્થાનિક સૂત્રોએ એમ પણ જણાવ્યું કે ગામમાં 90 ટકા ખ્રિસ્તી ધર્મ પાળનારાઓ રહે છે પરંતુ સરકારી ચોપડે એક પણ વ્યક્તિ ખ્રિસ્તી હોવાનું નોંધાયું નથી. આ તમામ હિંદુમાંથી વટલાઈને ખ્રિસ્તી બન્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમજ તેમણે સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. 

    ઓક્ટોબરમાં મામલો સામે આવ્યો હતો 

    ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર મહિનામાં આ મામલો સામે આવ્યો હતો જ્યારે નવરાત્રિમાં ઝરાલી ગામના હિંદુઓને તેમના અતિપ્રાચીન સ્થાનકે પૂજા કરવા જતા રોકવામાં આવ્યા હતા અને ખ્રિસ્તી ટોળાએ ધમાલ કરી હતી. ત્યારે સામે આવ્યું હતું કે હિંદુઓનું સ્થાનક હટાવીને ટેકરી ઉપર ‘મરિયમ માતાનું મંદિર’ નામનું ચર્ચ તાણી બાંધવામાં આવ્યું હતું. 

    ઑપઇન્ડિયા અને ત્યારબાદ અન્ય મીડિયા માધ્યમોમાં પણ મુદ્દો ચગ્યા બાદ પોલીસ તંત્રના હસ્તક્ષેપથી હિંદુઓને પૂજા કરવા માટેનો અધિકાર તો મળ્યો હતો, પરંતુ તેમ છતાં ખ્રિસ્તીઓની ધમકીને પગલે હિંદુઓ હજુ પણ પૂજા કરવા જતા ડરે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં