વડોદરા ખાતે (Vadodara) નાગરવાડા મહેતાવાડી નજીક રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર (Former Corporator) રમેશ પરમારના પુત્રની પોલીસની હાજરીમાં હત્યા (Murder) કરવામાં આવી હતી. બાબર પઠાણ (Babar Pathan) અને તેના સાગરિતોએ તપન પરમારને (Tapan PArmar) છરીના ઘા માર્યા હતા જેના પગલે તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અગાઉ 7 આરોપીની ધરપકડ કરી હતી જેમાંથી 5ના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. પછીથી પોલીસે બાબરના 2 ભાઈઓ સલમાન અને મહેબૂબની કરી હતી જેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારે બાબરના ચોથા ભાઈ અમઝદખાન પઠાણને પણ પોલીસે ઝડપી લીધો છે જેના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અમઝદ સહિત આ કેસમાં અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે.
ઉલ્લેખનીય છે કે બાબર પઠાણ અને તેના સાગરિતો તપન પરમારની હત્યા બાદ ફરાર થઇ ગયા હતા તેમને પોલીસ શોધી રહી હતી. આ અગાઉ બાબર અને તેના 2 ભાઈઓ સલમાન ઉર્ફે સોનુ હબીબખાન પઠાણ અને મહેબુબ હબીબખાન પઠાણની ધરપકડ થઇ ચુકી છે. 20 નવેમ્બરે તેમને કોર્ટમાં રજૂ કરતા પોલીસે આગામી તપાસ માટે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હવે બાબરના ચોથા ભાઈ અમઝદ પઠાણની પણ ધરપકડ થયા બાદ તેને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
#Vadodara former councillor's son murder case: 9 accused arrested so far #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/OyI0n8LVLz
— Tv9 Gujarati (@tv9gujarati) November 21, 2024
ઉલ્લેખનીય છે કે પોલીસે સલમાન અને મહેબૂબના 10 દિવસના રિમાન્ડ માંગતી વખતે દલીલ કરી હતી કે પોલીસ આરોપીઓને સાથે રાખીને અને અલગ અલગ રાખીને પુછપરછ કરવા માંગે છે અને ગુના અંગે જાણકારી મેળવવાની માંગે છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરવા માંગે છે કે આ કાવતરું અગાઉથી રચાયેલું હતું કે કેમ? અને જો અગાઉથી યોજનાબદ્ધ રીતે આ ઘટના પાર પાડવામાં આવી હોય તો આરોપીઓએ કઇ જગ્યાએ એકઠા થઇને હત્યાનું કાવતરું રચ્યું હતું અને તેમાં બીજું કોણ કોણ સંડોવાયેલું છે. જેવી બાબતોની તપાસ કરવા માંગે છે.
17 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ એક્શન
પોલીસે જણાવ્યા અનુસાર બાબરના બંને ભાઈઓ સામે ભૂતકાળમાં અનેક ગુનાઓ નોંધાયા છે એટલે રીઢા ગુનેગાર છે. ત્યારે અમઝદની ધરપકડ બાદ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરવાની છે અને રિમાન્ડની માંગ કરશે. ત્યારે પોલીસ અમઝદનો પણ ગુનાહિત ઇતિહાસ તપાસશે. અમઝદ પઠાણની ધરપકડ બાદ તપન હત્યા અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે. ઉપરાંત આ કેસમાં અત્યાર સુધી કુલ 17 પોલીસ અધિકારીઓને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાંથી કેટલાકને સસ્પેન્ડ તો કેટલાકની બદલી કરવામાં આવી હતી.
થઇ ચુકી છે બુલડોઝર કાર્યવાહી
નોંધનીય છે કે હત્યા બાદ 19-20 નવેમ્બરે સંવેદનશીલ વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. 5 જેસીબી મશીન 9 ટ્રક તથા પશુ પકડવા માટે ટ્રેક્ટર અને કુમક લઈ પહોંચેલા અધિકારીઓએ ભૂતડીઝાંપા, નાગરવાડા, મચ્છીપીઠ, સલાટવાડાથી બહુચરાજી સ્મશાન રોડ સુધીનાં દબાણો હટાવ્યાં હતાં. ટીમે 21 શેડ, 9 ઓટલા, 6 ટુ વ્હીલર, 1 ફોર વ્હીલર હટાવવા સાથે 9 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો.