તમિલનાડુના વીજળી મંત્રી સેંથિલ બાલાજી ED કસ્ટડીમાં ભાંગી પડ્યા હતા. ઇડીના અધિકારીઓ દ્વારા DMK નેતાની કથિત મની લોન્ડરિંગ કેસ મામલે પૂછપરછ કરવામાં આવી હતી. સેંથિલ બાલાજીને બાદમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલની બહાર તેમના સમર્થકો એકઠાં થઈ ગયા હતા અને મંત્રી કારમાં ચોંધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે (13 જૂન, 2023) તપાસ એજન્સીએ ડીએમકે મંત્રીના ઘરે દરોડા પાડ્યા હતા અને એ પછી તેમને પૂછપરછ માટે લઈ ગઈ હતી. બુધવારે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે સેંથિલ બાલાજીને ચેન્નાઈની ઓમન્દુરર સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં ભારે ડ્રામા સર્જાયો હતો. સેંથિલ બાલાજીના સમર્થકો EDની કાર્યવાહીના વિરોધમાં હોસ્પિટલની બહાર એકઠાં થઈ ગયા હતા અને બીજી બાજુ ગાડીની સીટ પર સૂતેલા ડીએમકે મિનિસ્ટર ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા.
#WATCH | Tamil Nadu Electricity Minister V Senthil Balaji breaks down as ED officials took him into custody in connection with a money laundering case and brought him to Omandurar Government in Chennai for medical examination pic.twitter.com/aATSM9DQpu
— ANI (@ANI) June 13, 2023
સેંથિલ બાલાજી ED કસ્ટડીમાં રડી પડ્યા હતા એ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બીજી તરફ ડીએમકેના સાંસદ અને વકીલ એનઆર એલાન્ગોએ કહ્યું હતું કે, “સેંથિલ બાલાજીને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે અને ડૉક્ટર તેમના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરી રહ્યા છે. તેમના પર કોઈ પ્રકારનો હુમલો થયો છે કે નહીં તે રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.” ઇડીએ બાલાજીની ધરપકડની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
સેંથિલ બાલાજી સામે ઇડીએ લાલ આંખ કર્યા બાદ ડીએમકે નેતાઓ તેમના બચાવમાં ઉતરી આવ્યા હતા અને તેમને મળવા હોસ્પિટલ પહોંચી ગયા હતા. તમિલનાડુના રમતગમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે, “સેંથિલ બાલાજીની સારવાર ચાલી રહી છે. અમે કાયદાકીય રીતે આ કાર્યવાહીનો સામનો કરશું. અમે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની ધમકીભરી રાજનીતિથી ડરતા નથી.”
ડીએમકે નેતાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, EDના અધિકારીઓએ બાલાજીને કસ્ટડીમાં લીધા ત્યારે તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને જ્યારે તેમને ED દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તેઓ હોશમાં ન હતા.
DMK નેતાના નિવાસસ્થાન અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, કથિત મની લોન્ડરિંગ કેસ મામલે EDના અધિકારીઓએ સેંથિલ બાલાજી સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. તમિલનાડુ મંત્રીના કરુર સ્થિત નિવાસથાન અને રાજ્ય સચિવાલય ખાતેની ઓફિસ પર ઇડી અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત, કરુરમાં તેમના ભાઈ અને નજીકના સાથીદારના ઘરે પણ રેઇડ પાડવામાં આવી હતી.