પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહની ધમકી બાદ તાલિબાને તરત જ પલટવાર કર્યો છે. વરિષ્ઠ તાલિબાન નેતા અને અફઘાનિસ્તાનના નાયબ વડા પ્રધાન અહેમદ યાસિરે ટ્વિટર પર 1971માં ભારતીય સેના સમક્ષ પાકિસ્તાનની શરણાગતિની ઐતિહાસિક તસવીર શેર કરતાં લખ્યું કે જો પાકિસ્તાન તેમના પર સૈન્ય હુમલો કરશે તો તેને આવી જ શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડશે. તેમણે પાક મંત્રીને ગંભીર પરિણામોની ધમકી પણ આપી હતી.
હકીકતમાં ગુરુવારે (29 ડિસેમ્બર 2023) પાકિસ્તાનના મંત્રી રાણા સનાઉલ્લાહે તાલિબાનને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે “જો તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) તેમના દેશ પર હુમલા બંધ નહીં કરે તો પાકિસ્તાની સેના અફઘાનિસ્તાનમાં ઘૂસીને TTP આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી દેશે.” તેમણે આરોપ લગાવ્યો કે TTP આતંકવાદીઓ પાકિસ્તાનમાં હુમલાઓ કરે છે અને પછી અફઘાનિસ્તાનમાં છુપાય છે, જ્યાં તાલિબાન સરકાર તેમને સમર્થન આપે છે.
…તો પાકિસ્તાન ફરી શરમજનક સ્થિતિમાં મુકાશે
પાકિસ્તાની નેતા દ્વારા ધમકી અપાયા બાદ તાલિબાનના મંત્રી અહેમદ યાસિરે ટ્વિટ કર્યું, “રાણા સનાઉલ્લાહ! ખુબ સરસ! અફઘાનિસ્તાન સીરિયા, પાકિસ્તાન કે તુર્કી નથી. આ અફઘાનિસ્તાન છે. અહીં મોટી મોટી સરકારોની કબરો છે. અમારા પર સૈન્ય હુમલા વિશે વિચારશો નહીં, અન્યથા ભારત સાથે શરમજનક સૈન્ય કરાર જેવી સ્થિતિ સર્જાશે.”
د پاکستان داخله وزیر ته !
— Ahmad Yasir (@AhmadYasir711) January 2, 2023
عالي جنابه! افغانستان سوريه او پاکستان ترکیه نده چې کردان په سوریه کې په نښه کړي.
دا افغانستان دى د مغرورو امپراتوريو هديره.
په مونږ دنظامي يرغل سوچ مه کړه کنه دهند سره دکړې نظامي معاهدې د شرم تکرار به وي داخاوره مالک لري هغه چې ستا بادار يې په ګونډو کړ. pic.twitter.com/FFu8DyBgio
પોતાની ટ્વીટમાં અફઘાનિસ્તાનના તાલિબાની નેતાએ 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની હાર પછીનો એ ઐતિહાસિક ફોટો જોડ્યો હતો જેમાં પાકિસ્તાની લશ્કરી વડા ભારતીય સેનાના વડા સામે પોતાના 90,000 સૈનિકો સાથે શરણાગતિની શરતો પર સહી કરી રહેલા દેખાય છે.
1971ના યુદ્ધ બાદ પાકિસ્તાનના થયા હતા 2 ટુકડા
અફઘાન નેતાએ શેર કરેલા ફોટો સાથે પાકિસ્તાનને ધમકી આપવામાં આવી છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ પાકિસ્તાન બે ટુકડામાં વહેંચાઈ ગયું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાનને શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને પાક સેનાના 90 હજાર સૈનિકોએ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ પછી બાંગ્લાદેશ અલગ દેશ બન્યો.
આ ફોટોગ્રાફમાં પાકિસ્તાન તરફથી લેફ્ટનન્ટ જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝી પાકિસ્તાનની શરણાગતિની શરતો પર હસ્તાક્ષરકરતા દેખાય છે. તેમની બીજી બાજુ ભારતના લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા હાજર હતા.