શુક્રવારે (20 ઓક્ટોબર 2023) દિલ્હી હાઈકોર્ટમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને એડવોકેટ જય અનંત દેહદ્રાઈ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસ મામલે સુનાવણી દરમિયાન એક વિચિત્ર સ્થિતિ ઊભી થઈ હતી. દેહદ્રાઈએ ખુલ્લી અદાલતમાં આક્ષેપ કર્યો હતો કે મોઇત્રાના વકીલ ગોપાલ શંકરનારાયણને ગુરુવારે (19 ઓક્ટોબર, 2023) મોઇત્રા સામેની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે તેમનો સંપર્ક કર્યો હતો અને કૂતરો પાછો આપવાની ઓફર કરી હતી. આ ઘટનાક્રમ બાદ શંકરનારાયણને આ કેસથી પોતાને દૂર કરી લીધા છે.
દેહદ્રાઈએ દાવો કર્યો હતો કે એડવોકેટ શંકરનારાયણને કૂતરો ‘હેનરી’ પાછો આપવા અને સીબીઆઈમાં મહુઆ સામેની ફરિયાદ પાછી ખેંચી લેવાની વાત કરી હતી. તે વાતચીતનું રેકોર્ડિંગ તેમની પાસે છે. ઉલ્લેખનીય છે કે દેહદ્રાઈ અને મહુઆ વચ્ચેના વિવાદનું અસલી મૂળ શ્વાન છે. બંનેએ એકબીજા પર હેનરીની ચોરીનો આરોપ લગાવીને દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જય અનંત દેહાદરાઈએ ભાંડો ફોડ્યો
બીજી તરફ, જય અનંત દેહદ્રાઈએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે, “આ ખૂબ જ ચિંતિત કરનારી બાબત છે. હિતોનો ખૂબ જ ગંભીર સંઘર્ષ છે. તેમણે મારી સાથે 30 મિનિટ વાત કરી અને મને કૂતરાના બદલામાં સીબીઆઈ ફરિયાદ પાછી ખેંચી લેવા કહ્યું. તે આ કેસમાં હાજર થઈ શકે નહીં. મારી પાસે રેકોર્ડિંગ છે.” શંકરનારાયણને સ્વીકાર્યું કે તેમણે ખરેખર દેહદ્રાઈનો સંપર્ક કર્યો હતો.
શંકરનારાયણને કોર્ટને જણાવ્યું હતું કે તેઓ દેહદ્રાઈને ઓળખે છે કારણ કે તેમણે તેમને વિવિધ કેસોમાં હાજર રહેવાની અગાઉથી માહિતી આપી હતી. તેણે કહ્યું, “જયે મને અગાઉ પણ સૂચના આપી છે. તેથી જ જ્યારે મને આ કેસમાં હાજર થવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં મારા અસીલને કહ્યું કે મને તેની સાથે વાત કરવા દો. તેઓ સંમત થયા.” તેના પર જસ્ટિસ સચિન દત્તાએ કહ્યું કે તેઓ આ આરોપથી ચોંકી ગયા છે અને તેનાથી હિતોનો ટકરાવ થઈ શકે છે. જજ દત્તાએ કહ્યું, “તમે એવા વ્યક્તિ છો કે જેની પાસેથી ઉચ્ચતમ વ્યાવસાયિક ધોરણો જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે. જો તમે પ્રતિવાદી નંબર 2ના સંપર્કમાં છો, તો તેનો અર્થ એ છે કે તમે મધ્યસ્થીની ભૂમિકા ભજવી છે.”
આરોપોના આધારે ભાજપ સાંસદે લોકસભા સ્પીકરને કરી ફરિયાદ
કોર્ટની આ ટિપ્પણી બાદ એડવોકેટ શંકરનારાયણને આ કેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. હવે કોર્ટે આ કેસની આગામી સુનાવણી 31 ઓક્ટોબર 2023ના રોજ નક્કી કરી છે. વાસ્તવમાં, દેહદ્રાઈએ સીબીઆઈને પત્ર લખીને કહ્યું હતું કે મહુઆ મોઈત્રાએ સંસદમાં દર્શન હિરાનંદાનીના હિતમાં અને અદાણી જૂથ વિરુદ્ધ પ્રશ્નો પૂછ્યા હતા અને તેમની પાસે તેની તરફેણમાં મજબૂત પુરાવા હતા.
તેના આધારે ભાજપના સાંસદે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારબાદ મોઇત્રાએ દુબે, દેહદ્રાઈ અને અનેક મીડિયા સંસ્થાઓ પર બદનક્ષીનો આરોપ લગાવતા કોર્ટમાં અરજી કરી છે. આરોપ છે કે મહુઆ મોઇત્રાએ હિરાનંદાની માટે પ્રશ્નો પૂછવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી રોકડ અને ભેટના રૂપમાં લાંચ લીધી હતી.
જોકે મહુઆ મોઇત્રાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ હિરાનંદાની ગ્રુપે એક પત્ર જારી કરીને કહ્યું હતું કે તે સાચું છે. હિરાનંદાનીનું હસ્તાક્ષરિત નિવેદન ગુરુવારે મીડિયામાં પહોંચ્યું હતું, જેમાં તેણે દેહદ્રાઈના દાવાઓની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેણે અદાણી જૂથને નિશાન બનાવતા સંસદમાં પ્રશ્નોનો મુસદ્દો તૈયાર કરવા માટે મોઇત્રાના સંસદીય લોગિનનો ઉપયોગ કર્યો હતો. જો કે હિરાનંદાનીના આ નિવેદન પર મહુઆએ પણ સવાલો ઉઠાવ્યા છે.
હાલ આ મામલો સંસદની એથિક્સ કમિટીમાં પહોંચ્યો છે. સાંસદ નિશિકાંત દુબેએ ફરિયાદ કર્યા બાદ સ્પીકર ઓમ બિરલાએ તેને એથિક્સ કમિટીને મોકલી હતી. દર્શન હિરાનંદાનીને હજુ સુધી સીબીઆઈ કે એથિક્સ કમિટી કે કોઈ તપાસ એજન્સીએ સમન્સ પાઠવ્યા નથી. ઉલ્લેખનીય છે કે સાંસદ મહુઆ મોઇત્રા અને એડવોકેટ જય અનંત સાથે રહી ચૂક્યા છે.