Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસસ્પેન્ડ થયેલા કોંગ્રેસી નેતા પ્રગતી આહિરે મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને કહ્યું ‘મારા...

    સસ્પેન્ડ થયેલા કોંગ્રેસી નેતા પ્રગતી આહિરે મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને કહ્યું ‘મારા વિરુદ્ધ પુરાવા બતાવો નહીં તો…’

    પ્રગતી આહિરે કહ્યું છે કે તેમણે કાયમ કોંગ્રેસ માટે પુરી નિષ્ઠાથી કામ કર્યું છે અને દરેક ટીવી ડિબેટમાં પણ પક્ષનું મંતવ્ય મજબુતાઈથી રાખ્યું છે. પોતાના પત્રમાં તેમણે માંગણી કરી છે કે તેમના સસ્પેન્શન અંગે પુરી તપાસ થાય.

    - Advertisement -

    કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા પ્રગતી આહિર હવે લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. ગઈકાલે પોતાનો સસ્પેન્શન લેટર મળ્યાં બાદ જ પ્રગતી આહિરે એવા સંકેતો આપ્યાં હતાં કે આ સમગ્ર કાર્યવાહીમાં કોઈ જગ્યાએ જરૂર કશુંક કાચું કપાયું છે. હવે તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એક ખુલ્લો પત્ર લખીને પોતાના સસ્પેન્શનને પડકાર આપ્યો છે.

    સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવેલા આ પત્રમાં પ્રગતી આહિરે જણાવ્યું છે કે તેમને પોતાને આ સસ્પેન્શન બાબતે આશ્ચર્ય થયું છે અને તેમણે ગુજરાતના પ્રભારી રઘુ શર્મા સુધી તમામને પૂછી લીધું છે પરંતુ તેમને કોઈને આ બાબતની જાણ નથી. સાથેજ પ્રગતી આહિરે દાવો કર્યો છે કે તેમને સસ્પેન્શન પહેલાં જરૂરી એવી કોઈજ નોટીસ પણ મળી નથી.

    પ્રગતી આહિરે કહ્યું છે કે તેમણે કાયમ કોંગ્રેસ માટે પુરી નિષ્ઠાથી કામ કર્યું છે અને દરેક ટીવી ડિબેટમાં પણ પક્ષનું મંતવ્ય મજબુતાઈથી રાખ્યું છે. પોતાના પત્રમાં તેમણે માંગણી કરી છે કે તેમના સસ્પેન્શન અંગે પુરી તપાસ થાય અને જો તેમનાં વિરુદ્ધ કોઇપણ પુરાવા મળી આવશે તો તેઓ કાયમ માટે રાજકારણ છોડી દેશે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક હાર થયાં બાદ ગઈકાલે કોંગ્રેસ પક્ષે જુનાગઢ જીલ્લાના અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓને પક્ષવિરોધી કાર્ય કરવા બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતાં. આ તમામ નામો સાથે કોંગ્રેસ મહિલા સેવાદલનાં ગુજરાત ખાતેનાં અધ્યક્ષા પ્રગતી આહિરનું નામ પણ સામેલ હતું. પ્રગતી આહિરને પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતાં.

    હવે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા પ્રગતી આહિર વળતો ફટકો મારવાના મૂડમાં છે અને તેમણે એક ભાવુક પત્ર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને લખ્યો છે. ગઈકાલે એક ગુજરાતી ન્યુઝ ચેનલને આપેલી મુલાકાતમાં પણ પ્રગતીએ ભાવુક થઈને જણાવ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ સામેલ થયાં હતાં. પોતે જે વિધાનસભા વિસ્તારમાંથી આવે છે ત્યાં તેમણે કોંગ્રેસને લીડ પણ અપાવી હતી.

    આટલું બધું કર્યું તો એમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ ક્યાંથી આવી તેમ પ્રગતી આહિરે પૂછ્યું હતું. પ્રગતી આહિરને લાગે છે કે જો ભૂલથી પોતાનું નામ સસ્પેન્શન લેટરમાં આવી ગયું હશે તો પક્ષના સીનીયર નેતાઓ જરૂર આ ભૂલ સુધારી લેશે.

    પ્રગતી આહિર વર્ષ 2019 સુધી ગુજરાતી ફિલ્મોમાં કારકિર્દી ધરાવતાં હતાં અને ત્યારબાદ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને ગુજરાતી ન્યુઝ ચેનલોની ડિબેટમાં કાયમ કોંગ્રેસ તરફી પક્ષ રાખતાં જોવાં મળતાં હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં